અમદાવાદ બાપુનગર સ્ટેડિયમ ચાર રસ્તા પાસેથી પિસ્તોલ, 4 કારતૂસ સાથે એક ઝડપાયો:

સૂત્રોના જણાવ્યા અનુસાર બાપુનગરમાં સ્ટેડિયમ ચાર રસ્તા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ચાર કારતૂસ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે એક યુવકને ઝડપી પાડયો છે. યુવકને હથિયારનો શોખ હોવાથી 10 માસ પહેલાં નરોડા ફાટક પાસેથી હથિયાર ખરીદ્યાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમે હથિયાર જપ્ત કરી વધુ પૂછપરછ આદરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, સ્ટેડિયમ ચાર રસ્તા પાસેથી એક યુવક દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે પસાર થવાનો છે, જેથી ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવીને શંકાસ્પદ યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કૃણાલ ઉર્ફે બટકો તાયડે જણાવ્યું હતું. તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને ચાર કારતૂસ મળી આવતાં હથિયારો સાથે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા તેણે દસેક માસ પહેલાં નરોડા-કુબેરનગર ફાટક પાસે લલ્લા ભદોરિયા પાસેથી પિસ્તોલ અને કારતૂસ લીધાં હોવાનું કબૂલ્યું હતું. તેણે હથિયારનો શોખ હોવાથી પિસ્તોલ, કારતૂસ રાખતો હોવાનું કહ્યું હતું. તે અગાઉ બાપુનગરમાં વાહનચોરી, મારામારીના ગુનામાં પકડાયેલો અને પાસા ભોગવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Social