જુહાપુરામાંથી નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ-મરણનો દાખલો કાઢી આપવાનું કૌભાંડ પકડાયું

જુહાપુરા – ફતેવાડી વિસ્તારના લોકોને રૂ.200 થી 2 હજારમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ-મરણનો દાખલો સહિતના નકલી ડોકયુમેન્ટસ બનાવી આપવાનું કૌભાંડ પકડાયું છે. સાઈબર ક્રાઈમની ટીમે જુહાપુરામાં રહેતા અને ત્યાં જ કોમ્પ્યુટર રિપેરિંગ – સોફટવેરનું કામ કરતા યુવાનની ધરપકડ કરી હતી. તેના કોમ્પ્યુટરમાંથી 29 લોકોને નકલી ડોકયુમેન્ટસ બનાવી આપ્યા હોવાના પુરાવા મળ્યા છે. પરંતુ આ યુવાને 110 જેટલા લોકોને નકલી ડોકયુમેન્ટસ બનાવી આપ્યા હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

જુહાપુરા ફતેવાડી કેનાલ આરસીસી રોડ સૈયદનગરમાં રહેતો એજાજખાન પપ્પનખાન પઠાણ કોમ્પ્યુટર રિપેરિંગ તેમજ સોફટવેરનું કામ કરતો હતો. જ્યારે સ્થાનિક લોકોને લોન લેવાનું ફોર્મ, બેંક એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ તેમજ સરકારની સહાય માટેના ફોર્મ ભરી આપતો હતો. જ્યારે કેટલાકને તેણે નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ જન્મ-મરણનો દાખલા બનાવી આપ્યા હોવાની માહિતી સાઈબર ક્રાઈમને મળી હતી.

જેના આધારે સાઈબર ક્રાઈમના પીઆઈ જે.એચ.વાઘેલા એ દરોડો પાડયો હતો. દરમિયાનમાં તેના કોમ્પ્યુટરમાંથી નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ – મરણના દાખલા મળીને 29 ડોક્યુમેન્ટ બનાવ્યાના પુરાવા મળ્યા હતા. જેમાંથી 2 આધાર કાર્ડ, 16 ચૂંટણી કાર્ડ અને અમદાવાદ તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 જન્મ-મરણના દાખલાનો સમાવેશ થાય છે. જેના આધારે પોલીસે એજાજખાન પઠાણની ધરપકડ કરી હતી.

Social