ગઢડાના 32 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલનું હાર્ટ-એટેકથી મોત

  રાજ્યમાં હાર્ટ-એટેકને કારણે યુવાનોનાં મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગઢડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાનને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તેનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયું હતું. 

     ગઢડા મુકામે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ગોવિંદસિંહ સોલંકી (ઉંમર- વર્ષ 32)નું હાર્ટ-એટેકથી મૃત્યુ થતાં પોલીસબેડામાં શોકનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું છે. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર, મૂળ વતન હડાલા ભાલ, હાલ બોટાદ રહેતા અને ગઢડામાં કોન્સ્ટેબલની નોકરી કરતા ​હરપાલસિંહ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં એક 7 વર્ષની અને એક 6 માસની એમ બે દીકરીઓ છે.ગત રાત્રે હરપાલસિંહ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી પોતાના ઘરે બોટાદ પરત ફર્યા હતા. ત્યાર બાદ રાત્રે છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હાર્ટ-એટેકને કારણે તેમનું મૃત્યુ થયું હતું. નાની ઉંમરમાં હાર્ટ-એટેક મૃત્યુના બનાવો દિનપ્રતિદિન ચિંતાજનક બની રહ્યા છે.
Social