મહેમદાવાદમાં હત્યા કરનાર એકને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

મહેમદાવાદ બસ સ્ટેન્ડ નજીક 1 વર્ષ અગાઉ દંપતીમાં ઝઘડો થયો હતો જેથી પતિ પોતાની પત્નીને ગાળો બોલતો હતો તે વખતે બાજુમાં રહેતા એક ઈસમને આ ગાળો પોતાને બોલતો હોવાનું લાગતા તેણે ઝઘડો કર્યો હતો અને ચપ્પાથી હુમલો કરતા દંપતી પૈકી પતિનું મોત નીપજ્યું હતું. આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં 26 તારીખના રોજ સાંજે મહેમદાવાદ બસ સ્ટેન્ડ ખાતે ખુલ્લી જગ્યામાં કિશોરભાઇ પોતાની પત્ની રંજનબેન સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરતા હતા અને જાહેરમાં ગાળો બોલતાં હતા. આ સમયે નજીકમાં રહેતા ચેતન ભાઇલાલભાઇ પરમાર બાજુમાં ઉભા રહેલ હોય કિશોરભાઇ પોતાને ગાળો બોલે છે તેમ માની એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. કિશોરભાઇને ગાળો બોલી કહેવા લાગેલ કે તું મને કેમ ગાળો બોલે છે? તેમ કહી ગડદાપાટુનો માર મારવમાં લાગ્યા હતા. રંજનબેન વચ્ચે પડતાં ચેતનભાઈ વધુ ઉશ્કેરાટમાં આવી જઈ કિશોરભાઈને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા કિશોરભાઈ ગંભીર ઘાયલ થયા હતા તેમને સારવાર માટે દાખલ કરતા તેમનું અવસાન થયું હતું.

આ મામલે મહેમદાવાદ પોલીસમાં રંજનબેનએ ફરિયાદ આપતા પોલીસે ચેતનભાઇ સામે ગુનો નોંધી આરોપીની અટકાત કરી હતી અને તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી. આ કેસ નડિઆદના એડિ.સેશંસ જજ એસ.પી. રાહતકરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાહુલ જી. બ્રહ્મભટ્ટએ 29 દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાહેદોની જુબાની લીધી હતી. જે આધારે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ દંડ પણ ફટકાર્યો છે.

Social