ચિલોડા અમદાવાદ હાઈવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત : લોકોએ દારૂની લૂંટ ચલાવી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે નરોડાથી ચિલોડાને જોડતા સિક્સલેન હાઇવે પર પ્રાતિયા ગામ પાસે એક મારુતિ સ્વિફ્ટ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત ગ્રસ્ત સ્વિફ્ટ કારમાં દારૂ અને બિયરની પેટીઓ ભરેલી હોવાથી ચાલક સ્થળ પર છોડીને તરત જ ફરાર થઈ ગયો હતો. અકસ્માત જોતાં કુતુહલવશ એકઠા થયેલા ટોળાની નજર સ્વિફ્ટ કારમાં પડતા જ અંદર દારૂ તેમજ બિયર ભરેલી પેટીઓ નજરે ચડી હતી જેને લઈને દારૂ પીવાના શોખીનોને જાણે લોટરી લાગી હોય તેમ લોકોએ રીતસરની લૂંટ ચલાવી હતી અને જે હાથ લાગ્યું તે દારૂ કે બિયર લઈ લોકો ભાગી રહ્યા હતા. ત્યાંથી પસાર થતા કારચાલકોએ પણ દારૂ બિયર તફડાવી ચાલતી પકડી હતી. આ લખાય છે તેના થોડાક જ સમય પહેલા બનેલી આ ઘટનામાં દારૂ ભરેલી કાર ક્યાંની હતી તે જાણી શકાયું નથી.ગુજરાત સરકારે અકસ્માતની ઘટનાની સાવ નજીક આવેલા ગિફ્ટ સિટીમાં નિયમોને આધીન દારૂબંધીમાં છૂટ આપી છે પરંતુ સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલી છે ત્યારે હજુ પણ બની રહેલા આવા કિસ્સાઓ સરકારના દારૂબંધીના દાવાને ખોખલા સાબિત કરી રહ્યા છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Social