ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન દલાલે સામાન્ય તકરારમાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા

ચાંદખેડા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક જમીન દલાલે સામાન્ય તકરારમાં બંદૂક કાઢીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે પાન પાર્લર ચલાવે છે. 5 વર્ષ અગાઉ તેમના પડોશમાં રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝગડો થતાં પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે. જોકે ગત રાત્રે ધર્મેશ ભરવાડ રાત્રે પાન પાર્લર પર બેઠા હતા. આ સમય દરમિયાન હરિસિંહ ચંપાવત પણ ત્યાં આવ્યો હતો અને બિભત્સ ગાળો બોલી રહ્યો હતો. આ દરમિયાન ધર્મેશભાઈના કાકા નવઘણ ભાઈએ હરિસિંહને ગાળો બોલવાની ના પાડતાં હરીસિંહે નવઘણભાઈને ધક્કો મારી પાડી દીધા હતા.જેથી આસપાસના લોકો ભેગા થતા હરિસિંહ ત્યાથી જતો રહ્યો હતો.

ત્યારબાદ થોડીવારમાં હરિસિંહ ફરીથી ગાડી લઈને આવ્યો અને અન્ય યુવક તેની સાથે થાર ગાડી લઈને ત્યાં જ પરત આવ્યા હતા.ગાડીમાંથી નીચે ઉતરતા જ હરિસિંહ ધર્મેશભાઈ પર રિવોલ્વરથી આડેધડ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.હરિસિંહ હાથમાં રિવોલ્વર લઈને આવ્યો તે સમયનો વિડિયો પણ સામે આવ્યો છે. કોઈનો ડર ના હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમતેમ આંટાફેરા પણ કર્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Social