હાર્ટ-એટેકથી મોતની આશંકા: સુરતમાં એક યુવક કામ કરતા કરતા ઢળી પડ્યો, બીજો સૂતા પછી ઉઠ્યો જ નહીં

સુરત સહિત રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતની આશંકા સાથે મોતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પર જ બે યુવાનના હાર્ટ-એટેકથી મોત થયા હોવાની શક્યતા છે. પાંડેસરા અને પાલનપુર પાટિયા વિસ્તારમાં બે યુવકોના બેભાન થયા બાદ મોત થયા છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પાંડેસરા વડોદ ખાતે આવેલ રણછોડ નગરમાં 33 વર્ષીય આનંદ નારાયણ ભૂયા રહેતો હતો. આનંદ કલરટેક્સ કંપનીમાં નોકરી કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે બપોરે આનંદ કંપનીમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન તેને ગભરામણ થતાં તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પાલનપુર પાટિયા પાસે આવેલ સમર્પણ એપાર્ટમેન્ટમાં 37 વર્ષીય ધર્મેશ દશરથ શિંદે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક સંતાન છે. ધર્મેશ ગોપીપુરા ખાતે કાપડની દુકાનમા નોકરી કરતો હતો. ધર્મેશ નોકરી પરથી ઘરે ગયા બાદ આરામ કરવા માટે ઊંઘી ગયો હતો. જમવા માટે તેની માતાએ તેને ઉઠાવ્યો, પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Social