75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.જે બાદ બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા પાઈપબેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટર સાયકલ સ્ટંટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયો હતો.
75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, BSF,ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ સહિત વિવિધ જિલ્લા પોલીસની 25 પ્લાટુન જોડાઈ હતી.ગુજરાતની મહિલા પોલીસે દિલધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિના દર્શન કરાવ્યા હતા. તિરંગાના રંગમાં સજ્જ ત્રણ ટીમોએ પરેડ ગ્રાઉન્ડ પર બનાવેલા અલગ અલગ ફોર્મેશન નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા.મહિલા પોલીસકર્મીઓના કોરિયોગ્રાફી કાર્યક્રમ બાદ ગુજરાત પોલીસના જવાનો દ્વારા દિલધડક બાઈક સ્ટંટ રજૂ કરવામાં આવ્યું હતું. બાઈક સ્ટંટમાં પણ નારી શક્તિના દર્શન થયા હતા.જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ કરવામાં આવી હતી. ત્યારબાદ એસઆરપી પાઈપ બેન્ડ દ્વારા ડીસ્પેલ રજૂ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ ખાતે આજે 75 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક ‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ પણ આપી હતી. તેમજ મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર પાલિકા, જીલ્લા નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢ જીલ્લામાં પાયાની સુવિધાઓ જેવી કે, રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો સહિત બીજા અન્ય કામો મળી રૂા. 100 કરોડના 187 વિકાસ કામોનું લોકાર્પણ. તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં 150 કામો રૂા. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટે ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

Social