કચ્છની ધરા ફરી ધ્રુજી : 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠયા

ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકા સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાતા રહે છે. કચ્છમાં ફરી આજે ધરતી ધ્રૂજી છે. આજે 4.44 કલાકે 4.7નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના પગલે કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘર અને ઓફિસની બહાર દોડી નીકળ્યા હતા.

સતત ભૂકંપના આંચકાથી ધ્રૂજતી કચ્છની ધરતી આજે વધુ એક આંચકાના પગલે કંપી ઊઠી હતી. જેના પગલે લગાતાર આવતા આજકાલનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. પૂર્વ-પશ્ચિમ કચ્છ ઉપરાંત ભચાઉ, મોરબી, માળિયા અને વાંકાનેરમાં પણ અસર અનુભવાઈ છે. ભૂકંપથી અસરને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં અગાઉ 6 જાન્યુઆરીએ 4.1નો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. 2022માં 4થી વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ અને તે પણ સૌરાષ્ટ્રના તલાલા વિસ્તારમાં નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 4.0થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો આવ્યા છે, જે કચ્છના દુધઈમાં 2, ખાવડા પંથકમાં 1, ઉત્તર ગુજરાતના વાવ પાસે એક નોંધાયેલ છે. જ્યારે 2021માં 4.0ની તીવ્રતાના 7 ભૂકંપો નોંધાયા હતા. આમ, એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.

Social