ખાખીનો તોડકાંડ : પીઆઈ તરલ ભટ્ટના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ તોડ મામલે તપાસનો ધમધમાટ

કેરળના વેપારીના ફ્રીઝ કરેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીનો સૌથી મોટો તોડકાંડ સામે આવ્યા બાદ ત્રણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. રેન્જ આઈજીએ તપાસ એટીએસને સોંપી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પીઆઈ તરલ ભટ્ટના એક પછી એક કારનામા સામે આવી રહ્યા છે. ગેરકાયદે રીતે ૩૩૫ જેટલા બેન્ક એકાઉન્ટના બોગસ દસ્તાવેજ બનાવીને વેપારીઓ પાસેથી રૂા.૨૦-૨૦લાખ લેખે કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ઊઠી છે ત્યારે તરલ ભટ્ટને અમદાવાદમાં કરેલા તોડકાંડની પણ તપાસ તેજ થઈ છે અને વિજિલન્સની તપાસ પૂર્ણ થયા બાદ એસીબીને રિપોર્ટ કરવામાં આવશે તેવું રેન્જ આઈજીએ કહ્યું હતું.

તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે માધુપુરમાં રૂા.૧૨ હજાર કરોડનું સટ્ટા કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં તત્કાલિન પીઆઈ તરલ ભટ્ટ અને પીસીબીના ત્રણ કર્મચારી નૌશાદ (વહીવટદાર), તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ કરવામાં આવી હતી. જેમાં પપ લાખનો તોડ કરીને ૪૫ લાખ પરત આપવામાં આવ્યા હતા. આ મામલે વિજિલન્સ તપાસ શરૂ કરી હતી અને આ તપાસ હવે પૂર્ણ થતાં જ એસબીને આગામી સમયમાં રિપોર્ટ કરવામાં આવશે. તરલ ભટ્ટ મોટા તોડ કરવામાં માહેર હોવાનું પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કૌભાંડ તેનું મોટુ ઉદાહરણ છે. હાલ તરલ ભટ્ટ માણાવદર સીપીઆઈ તરીકે ફરજ બજાવે છે અને અહીંયા પણ ૩૩૫ જેટલા બેન્ક એકાઉન્ટ ગેરકાયદે રીતે ફ્રીઝ કરીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉસેળ્યા હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. આ મામલે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં પોલીસ ત્રિ-પુટીની મુશ્કેલી વધી શકે છે. હાલ તો આ ત્રિપુટી ફરાર થઈ ગઈ છે અને પોલીસ પણ તેમણે પકડવા ધમપછાડા કરી રહી છે.

Social