શિક્ષા માફીયા મહેન્દ્ર પટેલનું પાપ છાપરી ચડીને પોકાર્યું : ૧૧ સ્કૂલો પાસેથી ૬૬ લાખનો તોડ કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર શિક્ષા માફીયા તરીકે પંકાયેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે અને આખરે તેની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. તમારી શાળાઓમાં સરકારી નીતિ-નિયમોનુ પાલન થતું નથી તેમ કહીને શિક્ષણ માફીયાએ તોડ કરવાની તમામ હદો વટાવી દીધી હતી અને આખરે સુરતના શાળા સંચાલકે સીઆઈડી ક્રાઈમને ફરિયાદ કરતાં સમગ્ર કાંડ સામે આવ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર ૭ડીમાં રહેતા મહેન્દ્ર પટેલનો વૈભવી બંગલો અને લાખોની ગાડી જોઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. મહેન્દ્ર પટેલના ઘરેથી અધધ કહી શકાય તેટલા દોઢ કરોડ મળી આવતાં સીઆઈડી ક્રાઈમ પણ ચોંકી ઊઠી હતી. આગામી તપાસમાં મહેન્દ્ર પટેલના વધુ કારનામા સામે આવી શકે છે.

જય અંબે વિદ્યાભવન તરીકે રાજ્યમાં ૧૧ જેટલી શાળાઓ ચલાવતા સુરતના ટ્રસ્ટી પ્રવિજાભાઈ ગજેરાની ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઈમે શિક્ષણ માફીયા એવા મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે, મહેન્દ્ર પટેલ ધમકીઓ આપતો હતો અને તમારા ડોક્યુમેન્ટ સાચા નથી તેમ કહીને જેલમાં પૂરી દેવાની ધમકી આપતો હતો. એક વાર તો મહેન્દ્ર પટેલ વાપીની સ્કૂલમાં પહોંચી ગયો હતો અને ત્યાં જઈને રોફ માર્યો હતો અને કહ્યું હતું કે, તમારી સ્કૂલ બંધ કરી દો, નહીંતર હું તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ. બાદમાં મહેન્દ્ર પટેલ ચીખલી ખાતે શાળામાં ગયો હતો અને તેની ગાડી ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું. સ્કૂલમાં જઈ ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી અને ડોક્યુમેન્ટ અપૂરતા છે તેમ કહીને રૂા.૧૧ લાખની માગણી કરી હતી, જે રકમ પણ ટ્રસ્ટી મહેન્દ્ર પટેલના ઘરે જઈ આપી આવ્યા હતા. જો કે, તેમ છતાં પણ મહેન્દ્ર પટેલનું ટોર્ચર ચાલુ રહ્યું હતું અને ૧૧ સ્કૂલો પાસેથી રૂા.૬૬ લાખનો તોડ કર્યો હતો. બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે ટ્રસ્ટીએ ૧૧ લાખ તો આપ્યા હતા પણ મહેન્દ્ર પટેલને તેનાથી સંતોષ થયો નહોતો અને વધારે રૂપિયા માગતો હતો. માફીયા તરીકે પંકાયેલા મહેન્દ્ર પટેલનું પાપ હવે છાપરી ચડીને પોકાર્યું છે અને આવનારા સમયમાં મોટા ઘટસ્ફોટ પણ થઈ શકે છે.

Social