લગ્ન નામનો લાડુ બે વ્યક્તિને અઢી લાખમાં પડ્યો : બે લૂંટેરી દુલ્હનો હોટલમાંથી જ છૂમંતર

લગ્ન નામનો લાડુ બે આધેડ વયની વ્યક્તિઓને અઢી લાખમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોર્ટમાં લગ્ન કર્યા બાદ પોતાના ધરે પરત જતા હોટલમાં વર વધુથી લઈ પરિવારના લોકો જમવા માટે ગયા ત્યાં બે લૂંટેરી દુલ્હનો અમે બાથરૂમ જઈને આવીએ છીએ તેમ કહીને છુમંતર થઈ જતાં વ૨૨ાજા અને પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. આખરે વરરાજા અને પરિવારે મેરેજ બ્યુરોના સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો મોબાઈલ બંધ કરી દીધા હતા. આ મામલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ૮ સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજકોટના વીરપુર પાસેના અને જામનગરના એમ બે આધેડ વયની વ્યક્તિઓ કે જેમના પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા અને છૂટાછેડા થયા બાદ એકલવાયું જીવન જીવતા હતા. જેમાં એક મિત્રના કહેવાથી બીજા મિત્રે જામનગરના મીનાબેનનો સંપર્ક કર્યો હતો. મીનાબેને કહ્યું હતું કે, ધરમપુર અને કરજણ બાજુછોકરીઓ છે અને એ પ્રમાણે તેઓ જામનગરથી ધરમપુર ગયા હતા અને ત્યાંથી ક૨જા આવ્યા હતા. ત્યાં સરોજબેનનો સંપર્ક થયો હતો અને તેમણે અમદાવાદમાં સીટીએમમાં મેરેજ બ્યુરો ચલાવે છે તેવા ધવલભાઈ અને અસ્મિતાબેનનો સંપર્ક કર્યો હતો. બાદમાં આ તમામ અમદાવાદ આવ્યા હતા અને મેરેજ બ્યુરોમાં ગયા હતા.

જ્યાં પહેલાં બે છોકરીઓના ફોટા બતાવવામાં આવ્યા હતા પણ તે પસંદ પડ્યો નહોતા અને બાદમાં બીજી ત્રણ છોકરીઓના ફોટા બતાવવામાં આવ્યા હતા. જેમાં બે છોકરીઓ પસંદ પડી હતી. બાદમાં એક છોકરી દીઠ રૂા.૧.૨૦લાખ એમ કુલ ૨.૪૦ લાખ આપવાના નક્કી થયા હતા. બંને યુવતીઓ સાથે લગ્ન કરવા માટે આવેલા બે આધેડ વયની વ્યક્તિઓએ પેમેન્ટ પણ કરી દીધું હતું અને બાદમાં સાંજે મિરઝાપુર કોર્ટમાં મેરેજ પણ કરી દેવામાં આવ્યા હતા. મેરેજ કર્યા બાદ પરિવાર જામનગર ખાતે જવા રવાના થયો હતો જ્યાં ઉજાલા સર્કલ પાસે હોટલમાં જમવા માટે રોકાયો હતો. જ્યાં વરરાજા અને પરિવાર હોટલમાં ગયો હતો ત્યારે બંને દુલ્હનો અમે બાથરૂમ જઈને આવીએ છીએ તેમ કહીને ગઈ હતી અને ત્યાં હોટલની સામે જઈને ગાડીમાં બેસવા જતી હતી ત્યારે વરરાજાના મામા જોઈ ગયા હતા અને તેમણે પરિવારને વાત કરી હતી. જો કે, ત્યાં સુધીમાં બંને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી અને આખરે આ મામલે પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં ૮ સામે ફરિયાદ નોંધાવી હતી.

Social