દિન વિશેષ: આજે ૩૦ જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન – ગૌરવ ઠક્કર (સાધના ફાઉન્ડેશન)

આજે ગાંધી નિર્વાણ દિને સાંપ્રત સમયમાં ગાંધી વિચાર કેટલા પ્રસ્તુત છે તે અંગે વાત કરીશું.

વાતની શરૂઆત ગાંધીજીએ આપેલા અગિયાર મહાવ્રતથી કરીએ. સત્ય, અહિંસા, બહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અભય, આસ્વાદ, શરીર શ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ અને સર્વ ધર્મ સમભાવ. આમાનું એક વ્રત એટલે સ્વદેશી અપનાવવું. આ વ્રત સાંપ્રત સમયમાં કેટલું પ્રસ્તુત છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગાંધીજી પ્રબળ પણે એવું માનતા હતા કે, “તમે જે બદલાવ અન્ય વ્યક્તિ કે આસપાસની પરિસ્થિતિમાં ઈચ્છો છો તે બદલાવ સૌ પ્રથમ તમારા પોતાનામાં લાવો”. આ વાતને વધુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ગાંધીજી પ્રબળ પણે માનતા કે તમે સામે વાળા વ્યક્તિ પાસે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો તો તે માટે પહેલા તમારે પોતે સ્વદેશી વસ્તુઓ અપનાવી પડે. આ જ સ્વદેશી અપનાવવાની વાતને અત્યારે આપણે સાંપ્રત સમય સાથે જોડીને કરીએ તો તે બીજું કશું જ નથી પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવા માટે “મેક ઈન ઈન્ડિયા” અપનાવવાની ઝુંબેશ છે.

ગાંધીજીએ તે સમયે અહિંસાની વાત કરી હતી કે જયારે દુનિયા પ્રથમ અને બીજા વિશ્વ યુધ્ધમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે આજે આપણે વિશ્વ યુધ્ધની સ્થિતિમાં તો નથી. પરંતુ વિશ્વના મહતમ દેશોમાં ગરીબી, ભૂખમરા, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરવા કરતા અન્ય દેશ સામે યુધ્ધ થાય તો તેનો કેવી રીતે સામનો કરવો તેની વધુ ચિંતા અને ચર્ચા કરતા નજરે ચડે છે. બીજી બાજુ આ જ દેશો સંયુક્ત રાષ્ટ્રની મહાસભા કે શાંતિ મંત્રણાઓમાં સમભાવ, શાંતિ અને અહિંસાની વાતો કરતા થાકતા નથી. આનો મતલબ તો એ જ થાય છે કે છેવટે તો હિંસા આચરવાની તમામ તૈયારીઓ કાર્ય બાદ આપણે અહિંસાની વાત પર જ પાછું આવવું પડે છે; ત્યારે આવી સ્થિતિમાં સમજાય છે કે અહિંસાના સંદર્ભે આજે પણ ગાંધી વિચાર સંપૂર્ણપણે પ્રસ્તુત છે.

ગાંધીજીના મતે સંશાધનોનો ખપ પુરતો માર્યાદિત જ ઉપયોગ થવો ખુબ જ જરૂરી છે. પરંતુ આજે આપણે જોઈએ છે તેમ બધાને ભેગું જ કરી લેવું છે તે રૂપિયા હોય, સત્તા હોય, સંપત્તિ હોય, કુદરતી સંશાધનો હોય કે તે વ્યક્તિગત પ્રસિદ્ધિ જ કેમ ન હોય. આજે રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠ વચ્ચે ધનવાન વધુ ધનવાન અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. અહિયાં વાત આવે છે અપરિગ્રહની. ગાંધીજીએ આર્થિક અસમાનતાને દુર કરવા અપરિગ્રહને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવેલ. વધુમાં તેમણે સામાજિક અને આર્થિક અસમાનતાને દુર કરવા ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપેલ. ટ્રસ્ટીશીપના સિધ્ધાંતને સરળતાથી સમજીએ તો, કોઈ કારણોસર મારી પાસે મારી જરૂરિયાત કરતા વધુ પૈસા કે મિલકત હોય તે સ્થિતિમાં મારી પાસે મારી જરૂરિયાત કરતા જે કઈ પણ વધારાનું છે તે મારા હક્કનું નથી અને માટે હું માત્ર તેનો ટ્રસ્ટી છું અને આ વધારાના સંશાધનોને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે મારે તેની માત્ર રખેવાળી જ કરવાની છે. દેશ અને દુનિયામાં વધી રહેલ આર્થિક અસમાનતા દુર કરવા પુંજીપતીઓએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરવાની સાંપ્રત સમયમાં તતી જરૂર છે.

અંતમાં કવિશ્રી કાગે ગાંધી નિર્વાણ સમયે આપેલ શાબ્દિક શ્રદ્ધાંજલિ,

‘કાગ’ હિંસાને ગોળે જગ ઢોળે જળ રક્ત ત્યાં,
અણહિંસક ખેલે અખાડે વાણિયો
ગણ ભૂતોના ભભક્યા ઉતાવળથી ભ્રખવા,
ત્યાં ભરખી ગ્યો ભૂતાવળને વાણિયો.

Social