આસામ ખાતે સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં મિતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી સાણંદ સંસ્કાર ધામનું ગૌરવ વધાર્યું

સખત પરિશ્રમ અને અથાગ મહેનતના કારણે મને સફળતા મળતા ખુબ જ ખુશ છું અને મારૂ ઇન્ટરનેશન ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે : મિતવા ચૌધરી

“ ૧૭ વર્ષની ઉંમરથી રમત ગમત સાથે સંકળાયેલ છું. ગાંધીનગર ખાતે ફેન્સીંગ ચેમ્પિયનશીપ જોઇને આ રમત તરફ આકર્ષાઇ અને વર્ષ ૨૦૧૮ થી ફેન્સીંગ (તલવારબાજી)ની શરૂઆત કરી છે. મારૂ વતન સુજનીપુર – પાટણ છે અને હાલ હું અમદાવાદ જીલ્લાના સાણંદ નજીક સંસ્કારધામ ખાતે વિજય ભારત સ્પોર્ટ્સ અકેડેમીમાં દૈનીક ૫ થી ૬ કલાકની તાલીમ લઇ રહૂ છું. મેં ૩૪મી સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપ ગુવાહાટી, આસામ ખાતે બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશીયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. અગાઉ પણ મેં વિવિધ ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતેલા છે. સખત પરિશ્રમ અને અથાગ મહેનતના કારણે મને સફળતા મળતા ખુબ જ ખુશ છું અને મારૂ ઇન્ટરનેશન ઇવેન્ટમાં વિજેતા બનવાનું સપનું છે.” આ શબ્દો છે ૩૪મી સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપ ગુવાહાટી, આસામ ખાતે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધારનાર મિતવા ચૌધરીના.
૩૪મી સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપ ગુવાહાટી, આસામ ખાતે ૨૮ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન યોજાઈ રહેલ છે. જેમાં ગુજરાત ની મીતવા ચૌધરી એ બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશીયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. લીગ રાઉન્ડમાં મિતવાએ ખુશી – દિલ્હી, તન્વી – આસામ, પૂર્ણિમા – વેસ્ટ બંગાળ, ગિતિકા – ઉત્તરપ્રદેશ, અને દિપશીખા- બિહાર તમામને ૫-૦ થી તથા નૈધેલી – કર્ણાટક ને ૫-૨ થી માત આપી ૬ માંથી ૬ મેચ જીતી ૩૦ પોઇન્ટ મેળવી પ્રતિસ્પર્ધીઓને ૨ જ પોઇન્ટ આપ્યા હતા.. નોક આઉટ રાઉન્ડમા તમન્ના – ગોવા ને ૧૫-૩ થી , ધ્રુવી – ગુજરાતને ૧૫-૭ થી, ખુશી – મધ્યપ્રદેશ ને ૧૫-૧૦ થી અને કવાર્ટર ફાયનલ મા અપસેટ સર્જતા ગત વર્ષ ની ગોલ્ડ મેડલિસ્ટ હરિયાણા ની પ્રાચી ને ૧૫-૧૦ થી માત આપી સેમી ફાયનલ મા પહોંચી હતી. સેમી ફાયનલમા યશકિરત – ચંદીગઢ સામે ૧૫-૧૨ થી પરાજય થતા બ્રોન્ઝ મેડલ થી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાત તરફથી વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રથમ ખેલાડી મીતવા ચૌધરી અને કોચીઝ તથા સપોર્ટ સ્ટાફને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગ્રવાલ અને મંત્રી ભરતજી ઠાકોરે સહિત મિત્રો, પરીવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Social