પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપનીનો સટ્ટાકાંડનો રિપોર્ટ નિર્લિપ્ત રાયે ડીજીપીને સોંપ્યો

પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપનીની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે. જૂનાગઢ મહા તોડકાંડ સામે આવ્યા બાદ ત્રણ પોલીસ અધિકારીઓ ફરાર થઈ ગયા છે અને તેમણે પકડવા માટે એટીએસ કામે લાગી છે. બીજી તરફ અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટાકૌભાંડનો રિપોર્ટ સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાયે ડીજીપી વિકાસ સહાયને સોંપ્યો છે. આ રિપોર્ટમાં પીસીબાના તત્કાલિન પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપની સામે ખાતાકીય, શિક્ષાત્મક કાર્યવાહી કરવાથી લઈ એસીબીને જાણ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. અમદાવાદના માધુપુરમાં અંદાજે ૨૫૦૦ કરોડનું કૌભાંડ ઝડપાયું હતું અને તે સમયે તરલ ભટ્ટ પીસીબીના પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. આ કેસમાં જે તે સમયે તત્કાલિન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સીટની રચના પણ કરવામાં આવી હતી.

વિવાદો સાથે જેનો નાતો છે તેવા પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપની જૂનાગઢ તોડકાંડ બાદ ફરાર થઈ ગઈ છે. આ કેસની તપાસ એટીએસ કરી રહી છે તો બીજી તરફ માધુપુરા સટ્ટા કૌભાંડની તપાસનો રિપોર્ટ પણ સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાયે તાજેતરમાં ડીજીપી વિકાસ સહાયને સોંપ્યો હોવાની માહિતી મળી રહી છે. સટ્ટા કૌભાંડમાં તરલ ભટ્ટ એન્ડ કંપનીએ બે ખાતેદારો પાસેથી રૂ.૨૦-૨૦લાખનો તોડ કર્યો હતો અને અન્ય એક ખાતેદાર પાસેથી રૂા.૧૫ લાખ લીધા હતા અને બાદમાં પાછા આપવા પડ્યા હતા. એસએમસી દ્વારા ભોગ બનનારા ત્રણે ખાતેદારોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તરલ ભટ્ટ એન્ડ કંપનીની સંડોવણી જણાતાં તેમની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. હવે આ કેસની તપાસ કરતા એસએમસીના નિર્લિપ્ત રાયે તાજેતરમાં જ રિપોર્ટ ડીજીપીને સોંપ્યો છે અને તેમાં તરલ ભટ્ટ એન્ડ કંપની સામે ખાતાકીય, શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

Social