વિદેશ જવાની લ્હાયમાં આણંદ જિલ્લામાં 5 લોકો છેતરાયા, ડમી લેટરના નામે 20.60 લાખ પડાવી લીધા

સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદમાં જીલ્લામાં વિદેશ જવાની લ્હાયમાં એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરતા ભોગ બનનાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અન્ય 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ જીલ્લાનાં સોજિત્રા રોડ પર મારૂતિ સોલારાઈસમાં હાઈસ ગ્લોબલ કન્સલટન્સીની ઓફીસ આવેલી છે. આ કન્સલન્ટસીના માલિક મનીષ મનહર પટેલ રહે. અલર્ક સોસાયટી, બાકરોલી વાળા તેમજ તેઓના ભાગીદાર ભરત હરમાન પટેલ રહે. દાદાની ખડકી વાળા છેલ્લાં ઘણા સમયથી રાવળપુરા ખાતે રહેતા કુલદીપ પરમાર પાસેથી ખોટા ઓફર લેટર તેમજ ખોટા ઓફર લેટરમાં છેડછાડ કરી વિદેશ જવા ઈચ્છતા લોકોને પકડાવીને તેઓ સાથે છેંતરપીંડી આચરતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી. રેડ દરમ્યાન પોલીસ દ્વારા ઓફીસમાં હાજર લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા ઓફીસમાં તપાસ હાથ ધરતા કોમ્પ્યુટરમાંથી અલગ અલગ કંપનીનાં ઓફર લેટર પણ મળ્યા હતા.
મુખ્ય સુત્રધાર મનીષ પટેલ દ્વારા સોશિયલ મીડિયા મારફત લોભામણી જાહેરાત આપી લોકોને વિશ્વાસ આપી નોટરાઈઝ લખાણ કરાવી તેમજ રજીસ્ટ્રેશન ફી તેમજ ટ્રાવેલ ફી નાં પૈસા લઈ કોઈ પ્રોસેસ કરી ન હતી. જે બાદ ગ્રાહકો દ્વારા પૈસા પરત માંગતા તેઓને વાયદાઓ કરી અમુક ટકા નાણાં જ પરત પાછા આપવાનો વાયદો કરવામાં આવતો હતો. મનીષ પટેલ દ્વારા નિધિ જયંતકુમાર શાહ, શાહનવાજ ઈકબાલભાઈ સૈયદ, હાર્દિક અનિલકુમાર પટેલ, મયંક દેસાઈ સહિતનાં ગ્રાહકોને ખોટા ઓફર લેટર સાચા તરીકે મોકલી આપી તેઓ પાસેથી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરી હતી. ત્યારે પોલીસે ભરત પટેલ અને કુલદીપ પરમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર મનીષ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Social