સાણંદના ચાંગોદરમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતાં મહિલાને ગંભીર ઇજા

સરખેજ બાવળા હાઇવે પર બેફામ જતાં ચાલકોને કારણે અકસ્માતની ઘટના વધી રહી છે. અમદાવાદના લાંભાના મૂળ અને હાલ સાણંદ ચાંગોદરની ખાનગી કંપનીમાં ધર્મેશભાઈ ભરતભાઈ કંટારીયા નોકરી કરે છે અને કંપનીના રૂમમાં રહે છે. ધર્મેશભાઇ તેઓની માસીની દીકરી વંદનાબેન પરમારને નોકરીએ જવા માટે મિત્રનું બાઇક લઈને નીકળ્યાં હતા.
ત્યારે ચાંગોદરમાં લક્ઝુરિયા હોટલની સામે રોડ ઉપર જતાં હતા. તે સમયે સામેથી રોંગ સાઈડમા એક બાઇક ચાલક આવતાં તેને સાઈડમાંથી નીકળવા જતાં પાછળથી એક ડમ્પરચાલકે તેનું ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ધર્મેશભાઇના બાઇકને પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભાઈ અને બહેન રોડ ઉપર પડી ગયા હતા. જેમાં વંદનાબેનને શરીરે અને માથામાં ઈજાઓ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક વંદનાબેનને સારવાર અર્થે ચાંગોદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે બોપલની ખાનગી હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને ધર્મેશભાઈ ભરતભાઈ કંટારીયાએ ચાંગોદર પોલીસમાં ડમ્પરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાઇવે ઉપર માતેલા સાંઢ માફક ચાલતાં વાહનો સામે કાર્યવાહી કરે તેવી લોકમાં માગ ઉઠી છે.

Social