દિન વિશેષ: આજે ૨ ફેબ્રુઆરી, વિશ્વ વેટલેન્ડ (જલપ્લાવિત) દિવસ

આજે વિશ્વ વેટલેન્ડ (જલપ્લાવિત) દિવસ છે. સૌ પ્રથમ તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ એટલે શું? સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષનાં અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન કે બારેમાસ પાણીથી ભરેલો રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર (ઈકોલોજી) વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ (જલપ્લાવિત વિસ્તાર) કહે છે. મુખ્યત્વે બે પ્રકાર વેટલેન્ડ જોવા મળે છે. એક દરિયાકિનારાના વેટલેન્ડ, જેમાં ખારાપાણીના, મેન્ગૃવ્સના વૃક્ષોવાળા અને કોરલના વેટલેન્ડનો સમવેશ થાય છે. જયારે બીજા ઇનલેન્ડ વેટલેન્ડ હોય છે, જેમાં નાના તળાવ અને સરોવરોનો સમાવેશ થાય છે.

ઈરાનના રામસર શહેરમાં ૨ ફેબ્રુઆરી ૧૯૭૧ના દિવસે વેટલેન્ડને સંરક્ષિત રાખવાના ઉદ્દેશથી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી તેની યાદમાં દર વર્ષે ૨ ફેબ્રુઆરીના દિવસને ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વનાં વેટલેન્ડનાં સંરક્ષણ અને વિકાસ માટે તેને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે. આ વર્ષે ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ની થીમ “વેટલેન્ડ એન્ડ હ્યુમન વેલ બીઈંગ” રાખવામાં આવી છે. આ થીમ થકી માનવ સુખાકારી માટે વેટલેન્ડનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સાણંદ તાલુકામાં આવેલ નળસરોવર પક્ષી અભયારણ્યએ આપણા વિસ્તારમાં સૌથી મોટું વેટલેન્ડ ધરાવતો વિસ્તાર છે અને તેને ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. નળસરોવરને કારણે તેની આસપાસનો વિસ્તાર નળકાંઠા તરીકે ઓળખાય છે અને આ વિસ્તારના અનેક તળાવોમાં પણ યાયાવર પક્ષી સહિતની અન્ય જીવસૃષ્ટિનું રહેઠાણ જોવા મળતું હોવાને કારણે આ વિસ્તારના તળાવોનો પણ આપણે વેટલેન્ડમાં સમવેશ કરી શકીએ છીએ. આ વિસ્તાર વેટલેન્ડ તરીકે સુરક્ષિત રહે તે સૌ સ્થાનિકો અને વહીવટીતંત્રની સહિયારી જવાબદારી બને છે.

Social