સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર ગયો અને બિલ્ડરનાં ફાર્મમાં તસ્કરો ત્રાટકયા, 28 લાખના ઘરેણાં સહિત 38 લાખથી વધુની ચોરી

સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ગયેલા ગાંધીનગરના બિલ્ડરનાં શાહપુર ગામના ફાર્મ હાઉસના બંગલામાં તસ્કરોએ ત્રાટકી 28 લાખના સોનાના દાગીના તેમજ 10.35 લાખ રોકડા મળીને કુલ રૂ. 38 લાખ 15 હજારની ઘરફોડ ચોરીને અંજામ આપતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. શાહપુર ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં વિધાતા બંગલોમાં રહેતા બિલ્ડર રજનીકાંત રતિલાલ પટેલને સંતાનમાં એક દિકરો – દીકરી છે. પરણિત દીકરી તેની સાસરી પુનામાં રહે છે. જ્યારે દીકરો લંડનમાં રહે છે. અત્રેનાં ફાર્મમાં અવેલ વિશાળ બંગલાની દેખરેખ માટે મેનેજર, સિક્યુરીટી ગાર્ડ, બગીચાનો માળી તથા કામવાળી બહેનો કામ ઉપર તેમણે રાખી છે.

ગત તા. 22 મી જાન્યુઆરીનાં રોજ રજનીકાંતભાઈનાં પત્ની રશ્મિબેનનું હાર્ટ એટેકનાં કારણે અવસાન થયું હતું. જેમના મરણ પછી અંતિમ વિધિ માટે રજનીકાંતભાઈ સંતાનો અને પરિવારના અન્ય સંબંધીઓ ઉપરોક્ત બંગલામાં રોકાયા છે. ત્યારે ગત તા. 31 મી જાન્યુઆરીનાં રોજ સવારના સમયે પત્નીનાં અસ્થિ વિસર્જન માટે રજનીકાંતભાઈ પરિવારના સભ્યો સાથે સોમનાથ ત્રિવેણી સંગમ જવા માટે નિકળ્યા હતા. અને બધા ત્યાંજ રોકાયા હતા.બાદમાં પત્નીના અસ્થિ વિસર્જનની ક્રિયા પૂર્ણ કરીને બધા પરત આવવા માટે નિકળ્યા હતા. ત્યારે તેમની દીકરી – જમાઈ વહેલા ઘરે પહોંચી ગયા હતા. જ્યારે રજનીકાંતભાઈ રાતના નવેક વાગે ઘરે પહોંચ્યાં હતાં. એ વખતે દીકરી – જમાઈએ ઘરના પ્રથમ માળે બાલ્કનીનો દરવાજો ખુલ્લો તેમજ બેડરૂમના દરવાજાનો નકુચો તુટેલ હોવાની વાત કરી હતી. આથી બેડરૂમમાં જઈને જોતા તિજોરી ખુલ્લી જોઈ રજનીકાંતભાઈ ચોંકી ઉઠયા હતા.બાદમાં વિગતવાર તપાસ કરતા તિજોરીમાંથી 10 લાખ રોકડા, 15 લાખની કિંમતનાં ત્રણ ડાયમંડના સેટ તેમજ બેડરૂમના સામેની બાજુમાં આવેલ એક્સસાઇઝ રૂમના ડ્રોઅરમાંમાંથી બુધ અને ગુરુનાં નંગ વાળી રૂ. 1 લાખ 20 હજારની કિંમતની બે સોનાની વીંટી,નીચેના બેડરૂમમાંથી સોનાની 5 લાખની ડાયમંડવાળી કાનની બુટ્ટી, 8 તોલાની છ નંગ સોનાની બંગડી, કી રૂ. 4.80 લાખ, ત્રણ તોલાની રૂ. 1.80 લાખની સોનાની વીંટી તેમજ બીજા 35 હજાર રોકડા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. આ અંગે જાણ થતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social