રાજકોટમાં GRD અને નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત ત્રણના હાર્ટએટેકથી મોત થયા

સૂત્રોના કહેવા મુજબ રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના સતત વધી રહી છે. શાકભાજીના ધંધાર્થી ઘર તરફ જતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મૃત્યુ થયું હતું. ભાડલામાં રહેતા અને ભાડલા પોલીસ સ્ટેશનમાં 5 વર્ષથી જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતાં લલિતભાઇ પરશુરામભાઇ નિમાવત (ઉ.વ.37)બપોરે ઘરે હતા ત્યારે છાતીમાં ગભરામણ થતાં દવા લીધી હતી અને સાંજે દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રસ્તામાં જ લલિતભાઇ બેભાન થઇ ગયા હતા. હોસ્પિટલમાં તબીબે તેમને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. અન્ય બનાવોમાં કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ ગાંડુભાઇ વીરડા (ઉ.વ.60) ઘરે બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ધીરૂભાઇ અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા અને બાદમાં નિવૃત્તિ લઇ લીધી હતી. તેમજ ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતા અને જ્યુબિલી માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં રાજુભાઇ દાનાભાઇ સોલંકી ઘરે જવા નીકળ્યા હતા અને રસ્તામાં છાતીમાં દુખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. આમ રાજકોટમાં સતત હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.

Social