ગાંધીનગરના સાદરામાં ખનન માફિયા બેફામ : રેત માફિયા ગેંગે ખાણ ખનિજની ટીમ પર હૂમલો કર્યો

ગાંધીનગરમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાદરામાં રેતી ચોરી અટકાવવા ગયેલા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીઓની ટીમ પર રેતી માફિયાઓએ હૂમલો કર્યો હતો અને તેમાં અધિકારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. અધિકારીઓએ ગેરકાયદે રેતી ભરીને લઇ જતા પકડેલા બે ટ્રેક્ટર પણ માફિયાઓ છોડાવીને લઇ ગયા હતા. આ મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સાદરા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી રેત ખનન થતું હોવાની બૂમરાણ ઉઠતાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ ખનીજની ટીમે રેત ભરેલા બે ટ્રેકટરો જપ્ત કરી લીધા હતા. જેનાં પગલે સ્થાનિક ભૂ માફિયાઓએ રસ્તામાં આંતરીને રોયલ્ટી ઈન્સ્પેક્ટર સહીતના ઉપર ઘાતક હૂમલો કરી બંને ટ્રેકટરો જબરજસ્તીથી લઈ ગયા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર ખાતેની ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની કચેરીના રોયલ્ટી ઇન્પેક્ટર દિવ્યાંત શિશોયા એ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પ્રમાણે ભૂમાફિયા ગેંગે હુમલો કર્યો હતો. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી રોયલલ્ટી ઇન્સેક્ટર દિવ્યાત માઇન્સ સુપરવાઇઝર, સિક્યુરીટી ગાર્ડ સહિતની ટીમ એક ખાનગી વાહન મારફતે સાદરા ગામની સીમમાં પહોંચ્યા હતાં. ત્યારે સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને લઇ જતુ ટ્રોલી સાથેનું ટ્રેકટર નજરે પડતાં તેને અટકાવ્યુ હતું. અને વિક્રમ નામના ચાલકને પૂછતા ટ્રેક્ટરના માલિક જ્યંતી વણઝારા હોવાનું કહ્યુ હતું. તે દરમિયાન બીજુ ટ્રેક્ટર પણ રેતી ભરેલુ આવતા તેને અટકાવતા તેના ચાલક રવિ વણઝારાએ ટ્રેક્ટરના માલિક અનિલ વણઝારા હોવાનું કહ્યુ હતું. બાદમાં ભૂસ્તર વિભાગની ટીમે રેતી ભરીને લઇ જવાતા ટ્રેક્ટર અંગે પરવાનો માંગતા રેત માફિયા ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા. જેથી ભુસ્તરની ટીમે ગેરકાયદે રેતીનો જથ્થો ભરીને લઇ જવાતા બન્ને ટ્રેક્ટર સાથે ટ્રોલીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મુદ્દામાલ કચેરી ખાતે લઈ જવાતો હતો. ત્યારે રસ્તામાં કિરણ સોગજી વણઝારા, નિલેષ સોગાજી વણઝારા, રાજુજી મંગાજી વણઝારા, જય્તી ઉર્ફે જોની વણઝારા, કનુ દલાભાઇ વણઝારા, રાહુલ સોગાજી વણઝારા, અરૂણ રમણજી વણઝારા અને જીતેન્દ્ર બાબુજી વણઝારા સહિત કુલ 15 ઈસમોની ગેંગે ધોકા અને પાવડા લઇને હૂમલો કરવામાં આવ્યો હતો. બાદમાં રેત માફિયાઓએ રેત ત્યાં જ ઠાલવી દઈ ટ્રેકટરો લઈને ભાગી ગયા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social