ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયો ઐતિહાસિક સંકલ્પ : રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનગૃહે અભિનંદન પાઠવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, ૫૦૦થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે. ૨૨મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ ૧૪૦ કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્ર એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે ૧૧ દિવસ તપશ્ચર્યા કરી હતી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગૃહ સમક્ષ પ્રજાપાલક રાજાધિરાજ રામની પૂજા-અર્ચના કરીને વડાપ્રધાનશ્રીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે તેના માટે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરવાની ઘડી ગણાવી હતી.

Social