ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ.પટેલની નિમણૂક

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ એ. પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. હર્ષદ એ.પટેલ ગુજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હીની અધિસૂચના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ ૨૦૧૯થી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. ડૉ. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા ડૉ. હર્ષદ એ. પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે કાર્યરત ડૉ. હર્ષદ એ. પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. ડૉ‌ હર્ષદ એ. પટેલે પૂજ્ય ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના વર્ષમાં ‘બાપુ સ્કૂલમેં’ અભિયાન અંતર્ગત રાજ્યના દોઢ લાખથી વધુ યુવાનોને પૂજ્ય ગાંધીજીના મહાવ્રતો સાથે જોડ્યા હતા. પસંદગી સમિતિએ મોકલેલા ત્રણ નામોમાંથી કુલધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની પસંદગી કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય જાણીતા શિક્ષણવિદ્ ડૉ. હર્ષદ એ. પટેલે એસ.યુ.જી. કોલેજ ઑફ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખામાં પીએચડી કક્ષાના માર્ગદર્શક, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના ડિપાર્ટમેન્ટ ઑફ કૉરસપોન્ડન્સના માર્ગદર્શક તથા ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શક તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

Social