વડોદરા બોટકાંડ બાદ પણ શાળાઓ હજી સુધરતી નથી, ઘેટાં-બકરાંની જેમ પિકઅપ વાનમાં ભરીને લવાયા

વડોદરા બોટકાંડ બાદ પણ શાળાઓ હજી સુધરતી નથી. વડોદરાની ખાનગી શાળા દ્વારા બાળકોના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સર્જાયેલી બોટ દુર્ઘટનાની કરુણાંતિકા ભુલાઈ નથી ત્યારે હાલોલના દુનિયા ક્લસ્ટરમાં આવેલી મોડલ સ્કૂલના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઇ જવામાં આવ્યા હતા, આજે હાલોલ તાલુકાના દુનિયા ક્લસ્ટરમાં આવેલી મોડલ સ્કૂલના 30થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ઘેટાં-બકરાંની જેમ બેસાડીને ખેલ મહાકુંભ માટે ગોધરા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને આવી જોખમી સવારી કરાવી 40 કિમી સુધી લઈ જવામાં આવતાં મોડલ સ્કૂલના આચાર્યની ગંભીર બેદરકારી સામે આવી છે.

30થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ઘેટાં-બકરાંની જેમ ભરીને ઊભાં-ઊભાં 40 કિલોમીટરના લાંબા અંતરનો પ્રવાસ શાળા દ્વારા કરાવવામાં આવ્યો હતો. આવા લાંબા અંતરે વિદ્યાર્થીઓને ખુલ્લા ડાલામાં બેસાડી ગોધરા મોકલવામાં આવ્યાં હોવાના ગંભીર મુદ્દે હાલ શિક્ષણ વિભાગના કોઈ જવાબદાર અધિકારીઓ કાંઈ બોલવા તૈયાર નથી. આ સમગ્ર બાબતે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે અમને મળેલી માહિતી અને વીડિયોની ચકાસણી કરતાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે આ તમામ બાળકોને હાલોલ મોડલ સ્કૂલમાંથી ખેલ મહાકુંભની સપોર્ટ્સ એક્ટિવિટી માટે ગોધરા લાવવામાં આવ્યાં હતાં. આ બાબતે શાળાના આચાર્ય સાથે વાત થતાં તેમણે જણાવ્યું હતું કે બાળકોને લઈને આવતું વાહન રસ્તામાં બગડી જતાં વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે તેમને આ પિકઅપના ડાલામાં બેસાડીને સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુધી લાવવામાં આવ્યાં હતાં. વધુમાં આ અંગે તપાસ કરવાની વાત પણ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

Social