આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો, દર્દીનો ઊંદરોએ કોતરી ખાદ્યો પગ

આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે અને રાત્રીના વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હતો. જે બાદ હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં સફાઈનો અભાવ અને આડેધડ સામાન મુકવાના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે રાત્રે દર્દીઓને અને તેમના સગાવહાલાઓને ઉંદરોથી બચવા માટે જાગતા રહેવું પડે છે.

આણંદ જનરલ હોસ્પિટલમાં દાખલ 78 વર્ષીય ભાઈલાલ ભાઈની સાથે આ ઘટના બની હતી. જે બાદ આણંદ જનરલ હોસ્પિટલની વાસ્તવિકતા સામે આવી હતી. લોકો સારવાર કરાવવા માટે જ હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ સારવાર અર્થે ગયેલા દર્દીઓ અહીં આ હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી.સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં સીડીએમઓ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બેદરકારી બદલ નોટિસો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હોસ્પિટલમાં દવાઓનો પણ અભાવ છે જેને લઈને ડોક્ટર દ્વારા બહાર સ્ટોરમાંથી દવા ખરીદવા પ્રિસ્ક્રીપ્શન લખી આપવામાં આવે છે જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ મીડિયાને કહ્યું હતું કે, હોસ્પિટલનું તંત્ર કોઈ બાબતે ધ્યાન આપતું નથી. દર્દીઓની કાળજી લેવામાં આવતી નથી. જનરલ હોસ્પિટલના ICU માં કબૂતરના માળા જોવા મળી રહ્યાં છે. મીડિયાના સવાલો સામે હોસ્પિટલના RMO પણ મૌન સેવી રહ્યાં છે. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું કે હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં તમામ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

Social