ગાંધીનગરમાં બે જવેલર્સની દુકાનોમાં ચોરીના ગુનાને અંજામ આપનાર દાહોદની ત્રિપુટી ઝડપાઇ

ગાંધીનગરમાં સેકટર – 21 ડિસ્ટ્રીક્ટ શૉપિંગ સેન્ટરમાં આવેલી દાગીના જવેલર્સ તેમજ સેકટર – 24 ની શ્રીનાથ જવેલર્સ નામની દુકાનોના મોડી રાતે તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ 50 હજાર રોકડ મળી અંદાજીત સાડા ચાર લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.ત્યારે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર દાહોદની ત્રિપુટીને ઝડપી પાડવામાં આવી છે. ઘરફોડ ચોરી કર્યા પછી સગીર સહીતની ત્રિપુટી વતન દાહોદ ભાગી જઈ દાગીના – રોકડા અંદરોદર વહેંચી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

સેકટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારમાં બે જવેલર્સની દુકાનોના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજીત સાડા ચાર લાખના મુદામાલની ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર દાહોદની ત્રિપુટીને ઝડપી પાડવામાં આવી છે. બીજી તરફ દાહોદ એલસીબીએ જેસાવાડા આશ્રમ રોડ ખાતેથી શકમંદ હાલતમાં ભાગી રહેલા વિપુલ રૂપસિંગ મેડા (ઉ. 23. રહે. નઢેલાવ ગામ, તા. ગરબાડા, જી. દાહોદ) ને ઝડપી લેવાયો હતો. આ અંગે વિશ્વસનીય પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વિપુલ મેડા, સુક્રમ બાલુભાઈ મેડા (ઉ.વ.19, રહે.નઢેલાવ, ગરબાડા) તેમજ એક સગીર આરોપીએ ભેગા મળીને ઉપરોક્ત બંને જ્વેલર્સની દુકાનોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્રણેય છૂટક મજૂરીના બહાને ગાંધીનગર આવ્યા હતા.બાદમાં ત્રણેય જણા દાગીના અને રોકડ રકમ વહેંચી લઈ દાહોદ ભાગી ગયા હતા. ઉક્ત મુદ્દામાલ વહેંચણી કર્યા પછી સુક્રમ અને બાળ આરોપીએ પોતાના હિસ્સાના દાગીના ઘરે સંતાડી દીધા હતા. પરંતુ વિપુલ મેડા પોતાના હિસ્સાના દાગીના થેલીમાં લઈને વેચવા માટે નીકળી પડ્યો હતો. જેની શંકાસ્પદ વર્તણૂંક જોઈને પોલીસે ઉઠાવી લીધો હતો. હાલમાં આરોપીઓની ટ્રાન્સફર વોરંટનાં આધારે મુદ્દામાલ સાથે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Social