જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ ‘પુષ્પા’ સ્ટાઇલમાં વિરોધીઓને લલકાર્યા

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી. એ બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ગતરોજ જંબુસર-આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી, એમાં ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. અને જેલમાંથી છૂટ્યા બાદ ‘આપ’ના એક કાર્યક્રમમાં ‘પુષ્પા’ સ્ટાઇલમાં વિરોધીઓને લલકાર્યા હતા.

પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહિ.. ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાભળ્યો હતો તેમજ ‘ક્યાં લગતા થા નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહી’ માંઝી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીના મુખે આ ડાયલોગ સાંભળ્યો છે, પરંતુ હાલમાં જ ચૈતર વસાવાએ આ બન્ને ડાયલોગ બોલતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાષણ કરતાં જણાવ્યું હતું કે તેમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણે ખુલ્લું મેદાન મળી જશે. બધા તમને પણ કહેતા હશે કે ચૈતરભાઈ તો જેલમાં જતા રહ્યા, હવે તમે અમારી સાથે આવી જાઓ, પણ તેમને હું કહેવા માગું છું કે તુમકો કા લગતા થા.. નહીં લોટેંગે.. ગલત.. જબતક તોડેંગે નહીં… તબતક છોડેંગે નહીં… ઝંડુ સમજ કે રખા હૈ ક્યા.. એ ચૈતર વસાવા હૈ કભી ઝુંકેગા નહીં…સભામાં આટલું બોલતાં જ લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો.

સભામાં ઉપસ્થિત લોકોમાં બૂમો પાડીને સભાને ગજવી મૂકી હતી. જોકે હાલમાં તો તેમનો આ ડાયલોગ વાઈરલ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના અને માર મારવાના મામલામાં તેમની સામે કેસ થયો હતો. જે બાદ તેઓ ધરપકડથી બચવા ફરાર થઈ ગયા હતા. જોકે, કેસ નોંધાયાના ઘણા દિવસો બાદ તેમણે જાતે જ પોલીસ મથકમાં સરેન્ડર કર્યું હતું. હાલમાં તેમને શરતી જામીન કોર્ટે આપ્યા છે. કોર્ટે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. તેમજ ભરૂચ જિલ્લામાં સવારથી રાત્રીના 12 વાગ્યા સુધી રોકાણ કરી શકે તે રીતના જામીન આપ્યા હતા. જોકે, હાલમાં તેઓ નર્મદા જિલ્લામાં પ્રવેશી નહીં શકતા હોય તેમણે ભરૂચ જિલ્લા માટે લોક સંપર્ક કાર્યક્રમો શરૂ કરી લોકો વચ્ચે જઈ રહ્યા છે.

Social