કેન્સર એટલે કેન્સલ નહિ…!

૪ ફેબ્રુઆરીએ દુનિયાના દેશોએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી. તો આ જ સંદર્ભે આજે આપણે વાત કરીશું, કેન્સર એટલે શું?, ભારતમાં કેન્સરના કેસોની સ્થિતિ, કેન્સર થવાના કારણો અને કેન્સરના જોખમને કેવી રીતે ઘટાડી શકાય તે વિશે.

કેન્સરની બિમારીનો ફેલાવો રોકવાનાં પગલાં, વહેલું નિદાન, કેન્સરની ગુણવત્તાયુક્ત સારવાર અને અસાધ્ય સ્થિતિમાં દર્દીને પીડામુક્ત જીવન જીવવા માટેની સારસંભાળ વગેરે વિષે જાગૃત કરવાના હેતુથી દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે “Close the Care Gap: Every Deserves Deserves to Cancer Care”. આ થીમની મદદથી કેન્સરના તમામ દર્દીઓને સરળતાથી સારવાર મેળવવાની તક મળે તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્સર એ રોગો માટે વપરાતો શબ્દ છે જેમાં અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વિભાજીત થાય છે અને અન્ય પેશીઓ પર આક્રમણ કરી શકે છે. કોષો તેમના ડીએનએમાં ખામી અથવા પરિવર્તનના સંચયને કારણે કેન્સરગ્રસ્ત બને છે. કેન્સર શરીરમાં ક્યાંથી શરૂ થાય છે તેના આધારે વ્યાપક રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. કેન્સર કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. તે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં વર્ષ ૨૦૨૨માં કેન્સરના નવા ૧૪.૧ લાખથી વધુ કેસ નોંધાયા હતા અને ૯.૧ લાખ લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. WHO ની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢું અને ફેંફસાનું કેન્સર થાય છે. જ્યારે મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર થાય છે. આ રીસર્ચ અનુસાર કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુ, આલ્કોહોલ, સ્થૂળતા, વાયુ પ્રદૂષણ અને પર્યાવરણીય જોખમ જવાબદાર ગણવામાં આવ્યા છે.

ઝડપથી બદલાઈ રહેલ માનવ જીવનશૈલી કેન્સરના દર્દીઓમાં થઇ રહેલ વધારા માટેનું મુખ્ય પરિબળ છે. ખાસ કરીને યુવાનોમાં ઘરની બહારના ખોરાક, પેકેટ ફૂડ અને જંક ફૂડનું વધી રહેલ સેવન, અનિયમિત દિનચર્યા, શારીરિક શ્રમ અને વ્યાયામનો અભાવ, તણાવ, તમાકુ, આલ્કોહોલ અને અન્ય કૈફી દ્રવ્યોનું વધી રહેલ સેવન નાની ઉંમરમાં વધી કેન્સર માટેના જવાબદાર પરિબળો ગણી શક્ય. સાથે સાથે પર્યાવરણની જાળવણીનો પ્રશ્ન આજે વિશ્વના તમામ દેશો માટે એક સળગતી સમસ્યા સ્વરૂપે ઉભરી રહ્યો છે. ભૌતિક સુખ સુવિધાઓ પાછળની આંધળી દોટને કારણે માનવજાત જાણતા-અજાણતામાં તેના પોતાના અસ્તિત્વ પર સંકટ ઉભી કરી રહી છે. માણસ ભુલી જાય છે કે આ પૃથ્વી પર માત્ર તેનું જ સ્વતંત્ર અસ્તિત્વ સંભવ નથી. મનુષ્ય સંપૂર્ણ જીવસૃષ્ટિનો એક નાનકડો ભાગ છે અને તેણે બાકીની સજીવસૃષ્ટિ અને કુદરતી તત્વો સાથે સંવાદિતા સાધીને જીવન જીવવાનું છે. પરંતુ આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. માનવ જીવન માટે ખુબ જ જરૂરી કુદરતી સંશાધનો જેવા કે હવા, પાણી, ખોરાક અને જમીનને આપણે અત્યંત પ્રદુષિત કરી દીધા છે. મતલબ કે આપણે જાણતા-અજાણતા પ્રદુષિત જમીન વિસ્તારમાં પ્રદુષિત હવા, પાણી અને ખોરાકનું સેવન કરી કેન્સર જેવી જીવલેણ બીમારીને આમંત્રણ આપી રહ્યા છીએ.

કેન્સરથી ડરવાની જરૂર નથી પરંતુ જાગૃત રહેવાની જરૂર છે. નિયમિત મેડિકલ ચેક-અપ અને શરીરમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો પોતાના ડૉક્ટર પાસે જઈને તેનું યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે. બધી ગાંઠ કેન્સરની જ હોય એવું જરૂરી નથી, માટે મનમાં ખોટો ભય પેદા ન થવા દો. પ્રાથમિક તપાસમાં કેન્સરની શક્યતા હોવાનું ધ્યાન પર આવે તો, અન્ય ડૉક્ટર પાસે જઈને બીજો અભિપ્રાય પણ લઈ શકાય છે.
કેન્સર થયું છે એવું માલુમ પડે ત્યાર પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં ખૂબ ફરક પડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિને જ્યારે કેન્સર રોગ થયાની જાણ થાય એટલે મનથી જ હારી જાય છે અને પરિવારજનો પણ અસ્વસ્થ થઈ જાય છે, જે યોગ્ય નથી. આ સ્થિતિમાં આપને એ સમજવું ખૂબ જરૂરી છે કે કેન્સરનો અર્થ કેન્સલ નથી. ચોક્ક્સ કેન્સર થયેલ દર્દી અને પરિવારજનો માટે વાસ્તવિક સ્થિતિને સ્વિકારવી એટલી સહજ નથી હોતી. પરંતુ તે સ્વીકારવું ખૂબ જ અનિવાર્ય હોય છે કે આ સ્થિતિ એ જ વાસ્તવિકતા છે અને હવે પછીની પ્રત્યેક ક્ષણ આ રોગને હરાવવા માટેની હોવી જોઈએ. એવા અનેક સફળ કિસ્સાઓ આપણી વચ્ચે છે, જેમાં દર્દી અને પરિજનોના હકારાત્મક અભિગમથી કેન્સરને હરાવી દર્દી ફરીથી તેનું જીવન પૂર્વવત મેળવી શક્યા હોય.

આપણે આપણી વ્યક્તિગત જીવનશૈલીમાં બદલાવ લાવી કેન્સર થવાના જોખમને ઘટાડી શકવામાં કેટલાક અંશે સફળ થઇ શકીએ છીએ. જેમાં નિયમિત પોષણક્ષમ આહાર, નિયમિત વ્યાયામ, તમાકુ, દારૂ કે અન્ય કૈફી દ્રવ્યોથી દુર રહેવું, કેન્સરને લગતી નિયમિત આરોગ્ય તપાસ, તણાવ વ્યવસ્થાપન, પુરતી ઊંઘ લેવી અને પર્યાવરણની જાળવણીને લગતી બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ.

(નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Social