ગાંધીનગરના સુઘડમાં વેપારી સહિત ત્રણ લોકોને ડોગની દોરીથી બંધક બનાવી પૂર્વે રસોઈયાએ ડ્રાઇવર સાથે મળી 47 લાખની લૂંટ કરી ફરાર

ગાંધીનગરના સુઘડમાં વેપારી સહિત ત્રણ લોકોને ડોગની દોરીથી બંધક બનાવી પૂર્વે રસોઈયાએ ડ્રાઇવર સાથે મળી 47 લાખની લૂંટ કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. 66 તોલાના સોનાના દાગીના, 6 લાખ રોકડા, એક્ટિવા સહિત કુલ રૂ. 47 લાખ 43 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સુઘડમાં અષ્ટવિનાયક – 36 બંગલો નંબર – 4 માં અપુર્વભાઈ રામેશ્વરનાથ ખન્નાએ અડાલજ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ પત્ની રૂબી અને બે સંતાનો સાથે રહે છે. જેઓ ત્રણેય હાલમાં દિલ્હી ખાતે રહે છે. અપૂર્વભાઈ તેમના ભાગીદાર પ્રવિણસિંહ સાથે અમદાવાદ ખાતે મોબાઇલ સોફ્ટવેટ બનાવવાનું અને સ્ક્રેપ્ટનો વેપાર કરે છે. છેલ્લા ચારેક વર્ષથી તેમના ઘરે રસોઈ બનાવવાનું કામ અભિષેક કૈલાશચંદ ભેરવા (રહે,ઠાકુરવાલી ધાણી, ગામ-બનીયાના જી-દોસા, રાજસ્થાન) કરતો હતો. ત્યારે ડ્રાઈવરની જરુર પડતાં રસોઈયાનાં રેફરન્સથી તેમણે બે મહિના અગાઉ મનોજ મીણા ને રાખ્યો હતો.તે દરમ્યાન 15 દિવસ અગાઉ રસોઈયો અભિષેક નશો કરતો હોવાથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને તેની જગ્યાએ બીજા રસોઈયા રાજેશ રવિન્દ્ર મંડલને દિલ્હીની ખાનગી એજન્સી મારફતે રાખ્યો હતો. દીકરીની તબિયત સારી નહીં હોવાથી રુબીબેન છેલ્લા ચારેક દિવસથી દિલ્હી ગયા છે. આમ ઘરે અપુર્વભાઈ, તેમની પત્ની રુબીનો ડ્રાઈવર શૈલેષ કેસાજી ભીલ, નવો રસોઇયો રાજેશ તેમજ ડ્રાઈવર મનોજ મીણા રહે છે. નવમી ફેબ્રુઆરીની રાતે જમી પરવારી અપુર્વભાઈ પોતાના રૂમમાં સૂઇ ગયા હતા. જ્યારે રસોઇયો તેમજ બંને ડ્રાઇવરો બેઠક રૂમમાં સૂઇ ગયા હતા.

ત્યારે વહેલી સવારે અપુર્વભાઈને ડ્રાઈવર મનોજ મીણા અને પૂર્વ રસોઇયા અભિષેકે ઉઠાડી ગાળો બોલી હતી અને અભિષેકે હાથે પગે લાકડી ફટકારી હતી. તેમજ મનોજે તેમના માથામાં બેટનો ફટકો માર્યો હતો. ત્યારબાદ બંને જણા કહેવા લાગેલા કે, પૈસા નિકાલો. પણ અપુર્વભાઈએ ઘસીને ના પાડતાં અભિષેકે પૈસે દેદે નહી તો જાન સે માર દેગે કહી બેગમાંથી લોકરની ચાવી કાઢી લીધી હતી.બાદમાં 66 તોલાના સોનાના દાગીના, છ લાખ રોકડા, બે લાખથી વધુની કિંમતની ત્રણ કાંડા ઘડિયાળ, 85 હજારના ત્રણ મોબાઈલ બેગમાં ભરી લીધા હતા. અને પાલતુ ડોગના પટ્ટાની દોરીથી અપૂર્વભાઈના હાથ પગ બાંધી હતા. અને થોડીવાર પછી બન્ને જણા રસોઇ કામ કરતા રાજેશ રવિન્દ્ર મંડલ તથા ડ્રાઇવર શૈલેષ કેસાજી ભીલને પણ રૂમમાં લઈ આવ્યા હતા.અભિષેકે રસોઇયા રાજેશને લાકડીથી માર માર્યો હતો. અને બંને જણાને પણ ડોગના પટ્ટાની દોરીથી બાંધી દીધા હતા. અને પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાખી અપૂર્વભાઇનું એક્ટિવા લઈને લૂંટને અંજામ આપી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ આર મુછાળ ટીમ સાથે પહોંચી જઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social