માણસાના કુકરવાડા ગામે તમે કેમ અમારી ગાડીના કાચ તોડો છો તેવું કહેતા પરિણીતા પર દંપતીનો હુમલો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કુકરવાડા ગામે પરિણીતા પર દંપતીએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. તમે કેમ અમારી ગાડીના કાચ તોડો છો તેવું કહેતા પરિણીતા પર દંપતીએ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

40 વર્ષીય મનીષગીરી દશરથગીરી ગોસ્વામીએ માણસા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ટેક્ષી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. અને મંડાલીગામની સીમ કુકરવાડા ખાતે રહે છે. ગઈકાલે તેઓ તેમની પત્ની તેમજ બે બાળકો સાથે સૂતા હતા. તે વખતે તેમને અચાનક કાચ તુટવાનો અવાજ આવેલો હોવાથી તેમની પત્ની બહાર જોવા ગયેલા અને જોયેલ તો તેમની સોસાયટીમાં રહેતાં અશોકભાઇ પટેલ તેમના હાથમાં લાકડી લઈ તેમજ ચપ્પુ લઈ તેમની ગાડીના કાચ ઉપર મારતાં હતાં. તેમજ તેમના એકટીવા ઉપર પણ લાકડી મારતાં હતાં. જેથી તેમની પત્નીએ આ અશોકભાઇને જણાવેલ કે તમે કેમ અમારી ગાડી તેમજ એક્ટીવાને તોડો છો જેથી અશોકભાઇ તેમને ગાળો બોલવા લાગેલા. અને તેમની પત્ની પર લાકડી વડે હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અશોકભાઇની પત્ની પ્રીતીબેન પણ તેઓને ગાળો બોલતા હતા. અને ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. આથી તેઓએ દંપતી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social