માણસાના ચડાસણ ગામમાં કેટલાક શખ્સોએ દલિત યુવકનો વરઘોડો રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદ

ગાંધીનગરના માણસા તાલુકાના ચડાસણ ગામમાં કલોલના એક યુવકની જાન લઇને ગયા તો ગામના કેટલાક શખ્સોએ વરઘોડો રોકવાનો કિસ્સો સામે આવ્યો છે, ગામમાં વરધોડો રોકી ઘોડી પર બેસવાની ના પાડી અને ઘોડા ઉપર ઠાકોર બેસી શકે તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અજાણ્યા શખ્સો સામે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ઉપરોક્ત ફરિયાદ આધારે કલોલમાં રહેતા વિકાસ નામના યુવકની જાન માણસા તાલુકાના ચડાસણ ગામમાં પહોંચી હતી. જ્યાં જાનમાં નાની – મોટી ગાડીઓ તેમજ લકઝરીમાં થઇ 100 જેટલાં માણસો જાન લઇને ગામમાં પહોંચ્યા હતા. જ્યાં વરરાજાનો વરઘોડો કાઢી ઘોડી પર બેસાડવામાં આવ્યા હતા. દરમિયાન ગામના કેટલાક શખ્સોએ ત્યાં આવી પહોંચી ઘોડી પર બેસી અને વરઘોડો કાઢવાનુ ના પાડી જાતિ અપમાનિત અપશબ્દો બોલ્યા હતા. જેથી અપશબ્દો બોલવાની ના પાડતાં ચાર જેટલા ઇસમોએ અપશબ્દો બોલી લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અમદાવાદ ચાંદખેડાના સંજયકુમાર ચાવડાએ માણસા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social