ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ઇકો કારનું ટાયર ફાટી જતાં 4 લોકોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટેલો ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પતાવીને પરત ઘરે જતો હતો.

સૂત્રોના કહેવા અનુસાર ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરના હરીપર બ્રિજ પાસે આવેલી ગોકુળ હોટલ પાસે પુરઝડપે જતી ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું.જેથી વાનમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. ચાર મૃતકોમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જેમણે 108 અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકાળે મોતની ઘટનાથી પરિવારજનોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમા ગમગીની છવાઈ ગઇ છે. અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે અકસ્માત એટલે ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ગાડી પલ્ટી મારી જતા ગાડીનો કાચ તેમજ દરવાજા તૂટી જવા પામ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Social