ગાંધીનગરના બાસણ ગામે ખોડિયાર માતાજીના મંદિરનું તાળું તોડી 44 હજારની કિંમતના દાગીનાની ચોરી

ગાંધીનગર જિલ્લાના બાસણ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે તાળા તોડી તસ્કરોએ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું છે. તસ્કરો ચાંદીનો મુગટ, કંદોરો, છત્તર મળીને કુલ 44 હજારની કિંમતના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. કુલ રૂ.44 હજારની માલમતાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના ડભોડા પોલીસ મથકે નોંધાઇ છે.

 ગાંધીનગરના બાસણ ગામમાં રહેતા શૈલેષભાઈ ગોસ્વામીએ ડભોડા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે, તેઓ ગામના ખોડિયાર માતા, મહાકાળી માતા તેમજ રામજી મંદિરની સેવા પૂજા કરે છે. ગઈકાલ સાંજના આશરે સવા છ એક વાગ્યાના બાસણ ગામ પાછળના ભાગે નદીના કિનારે આવેલ ખોડીયાર માતાજીનાં મંદીરમાં સેવા પુજા કરી શૈલેષભાઈ ઘરે ગયા હતા.બાદમાં આજરોજ સવારના નિત્યક્રમ મુજબ મંદિરે સેવા પૂજા અર્થે ગયા હતા. એ વખતે મંદિરનો દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું જોઈ ચોંકી ઉઠયા હતા. આથી તેમણે અંદર જઈને તપાસ કરતા માતાજીનો આશરે ચારસો ગ્રામ વજનનો ચાંદીનો મુગટ, 200 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો તેમજ ચાંદીના નાના મોટા છત્તર નંગ- 6 મળીને કુલ રૂ. 44 હજારના આભૂષણો ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.આ અંગે તેમણે મંદિરની આસપાસ રહેતા ગ્રામજનોની જાણ કરતા બધા મંદિરે દોડી ગયા હતા. આ મંદીર વલાદના વાણીયા પરીવારનુ હોવાથી પૂજારીએ હીરેનભાઈને પણ મંદિરમાં તસ્કરો ત્રાટકી આભૂષણો ચોરી ગયાની જાણ કરી હતી. જે અંગે પૂજારીએ ફરિયાદ કરતા ડભોડા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોડની ટીમને બોલાવી મંદિરની આસપાસ આ વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી છે.
Social