સેક્ટર – 11ના વિશાળ રામકથા મેદાન ખાતે કુડાસણમાં સાકાર થનાર વણકર સમાજ ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો

      ગાંધીનગરના સેક્ટર - 11ના વિશાળ રામકથા મેદાન ખાતે કુડાસણમાં સાકાર થનાર વણકર સમાજ ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. ભૂમિપૂજન સમારોહ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી વિરાટ સંખ્યામાં ઉમટી પડેલા વણકર સમાજની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ અવસરે ભવન માટે માતબર રકમનું દાન આપનાર 100 દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

       રામકથા મેદાન ખાતે કેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા બાર કરોડના ખર્ચે કુડાસણમાં સાકાર થનાર "વણકર ભવન"નો ભૂમિપૂજન સમારોહ  વણકર સમાજની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી અને પૂર્વ ક્લેક્ટર સ્વ. કે. કે. ચૌહાણ જેના સ્વપ્નદ્રષ્ટાઓ રહ્યા છે. તે ગાંધીનગરના કુડાસણ મુકામે સાકાર થઈ રહેલા "વણકર ભવન"ની ભૂમિપૂજનવિધિ  ડૉ. કરસનદાસ સોનેરી અને સ્વ. ચૌહાણના ધર્મપત્ની કુસુમબેન ચૌહાણના વરદહસ્તે મહાનુભાવોની અને સમાજના આગેવાનો - ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં થઈ હતી. આ નિમિત્તે મહંત લાલદાસ બાપુ (જોધલપીર ધામ-કેસરડી), મહંત તુલસીદાસજી (સંત કબીર આશ્રમ-સુરત), મહંત વીરેશ્વરબાપુ (જગ્યા તલોદ)ની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

    વણકર સમાજ દ્વારા નિર્મિત થનારા "વણકર ભવન"નો ઉદ્દેશ વણકર સમાજની એકતા, અખંડિતતા, પ્રતિષ્ઠા અને અસ્મિતા જાળવવાની સાથે સમાજના સામાજિક, આર્થિક અને રચનાત્મક ઉત્થાનનો છે. ગુજરાત રાજ્યના વણકર પરગણાના 400 જેટલા ગામોમાં 3200 કિ.મી.ની "વણકર ગૌરવ યાત્રા"ને મળેલા વ્યાપક આવકાર અને યાત્રા દરમિયાન મળેલા સહકાર-અનુદાન બાદ"વણકર ભવન"ના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યો છે. વણકર ભવન માટે રૂપિયા 51 લાખ, 15 લાખ, 11 લાખ, 5 લાખ અને 1 લાખની માતબર રકમના દાન કરનારા 100 જેટલા દાતાઓનું મહાનુભાવો દ્વારા તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.
Social