દહેગામ રખિયાલ હાઇવે પર બાઈક સ્લીપ ખાઈ જતા આધેડનું નિપજ્યું મોત

         દહેગામ રખિયાલ હાઇવે રોડ ઉપર બાઈક સ્લીપ ખાઈ જતા આધેડનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક પોતાની દીકરીના ઘરે જઈને પરત ફરતા બાઈક સ્લીપ ખાઈ જતા આ અકસ્માત સર્જાયો છે. રાત્રીના સમયે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રખિયાલ પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

         આ અંગે દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર તલોદ તાલુકાના સીમબલિયા ગામે રહેતા ફરિયાદીના પિતા ચંદ્રકાન્ત વાડીલાલ સોની તેમના મિત્ર શૈલેષભાઇ અમરતભાઈ સોનીનું બાઈક લઈને માણેકચોક અમદાવાદ ખાતે તેમની દીકરીને મળવા ગયેલ અને પરત ફરતા દહેગામથી આગળ બબલપુરા ગામ નજીક શિવગંગા કોલ સ્ટોરેજ પાસે પસાર થતા હતા તે દરમિયાન બાઈક સ્લીપ ખાઈ જતાં નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું. પાછળ આવતી બસમાં તેમના દીકરી હતા. આ અકસ્માત અંગે રખિયાલ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Social