બોર્ડના વિદ્યાર્થીઓ આતંકિત રહે અને પરીક્ષા ખંડને ઓપરેશન થિયેટર સમજે તેમાં જ તેમનાં તથાકથિત હિતેચ્છુઓ રાજી રહે છે.

જેમ નદી કે કેનાલ ઉપર જાળી લગાવવાથી આત્મહત્યા કરનારને રોકી શકાય ખરું ? કેવળ નિયમો કે કાયદો કડક બનાવી દેવાથી બળાત્કાર રોકી શકાય ? ગુટખા કે તંબાકુની પડીકી ઉપર ચેતવણી લખી દેવાથી લોકોને ખાતા રોકી શકાય ? દારૂ બંધી, ફરમાવવાથી દારૂની ભટ્ટીઓ બંધ થાય ? મોબાઈલના વ્યસની બાળક પાસેથી મોબાઈલ ફોન આંચકી ને ફેંકી દેવાથી તેને આ વ્યસન થી દૂર કરી શકાય ? ખાનગી હાઈફાઈ શાળાઓમાં અર્ધશિક્ષિત શિક્ષકો, ભવ્ય ઈમારતો વૈભવી સગવડો, ઊંચી ફી, તમારા બાળકને એક સાર્થક અને સફળ નાગરિક બનાવી શકે ખરા ? આ બધા જ પ્રશ્નોના જવાબો લગભગ નકારમાં જ હોય તેવી જ રીતે બાળક ને ગળથુથી માંથી જો શાળા, શિક્ષકો અને પરીક્ષા માટે વ્યવસ્થિત અને નિરંતર રીતે ભયભીત કરવામાં આવે ત્યારબાદ ધોરણ દસ કે બાર ના પરીક્ષાર્થીઓને પુષ્યગુચ્છ આપો કે ચોકલેટ આપો, મંત્રોચ્ચાર કરાવો ચંદન, રોલી, તિલક લગાવો પરંતુ માનસ પટલ પર જામી ગયેલું ભય આસાની થી દૂર થતું નથી. થોડાક વર્ષોથી કેટલીક સમાજ સેવી સંસ્થાઓ પણ આ બાબતની હરીફાઈ માં ઉતરી છે.
આજે જયારે પરીક્ષા માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઘર, શાળા, અને સમાજ મોબાઇલ પર કે રૂબરૂ આવી ને પરીક્ષા માટે શુભેચ્છા આપે છે પરંતુ આ બધા હિતેચ્છુઓને ધ્યાનથી સાંભળોતો ખબર પડશે કે તેઓ બાળકને નિશ્ચિંન્ત અને સ્વસ્થ નહિ પરંતુ ભયભીત જોવા ઈચ્છે છે. એવા સમયમાં જો કોઈ આત્મ વિશ્વાસથી ભરપૂર વિધાર્થી એમને કહે કે અંકલ તમે ચિંતાના કરશો મેં ખુબ સુંદર રીતે વિધિસર પરીક્ષાની તૈયારી કરી છે. ત્યારે આવા શુભ ચિંતકો નિરાશ થઇ જાય છે પરંતુ તો પણ આવા વિદ્વાન લોકો હિમંત હાર્યા વગર બાળકોને ભયભીત કરવાનું ચાલુ રાખે છે. પરીક્ષાર્થીઓને આવા સબંધીઓથી ચેતવવાની જરૂર છે. મનોવિજ્ઞાન કહે છે કે આવા લોકો ખરેખર દિલથી બાળકોનું , અહિત નથી ઇચ્છતા પરંતુ તેઓ પોતાની ટેવ થી લાચાર હોય છે.
કેટલાક વાલીઓની પણ અપેક્ષા હોય છે કે પરિજનો સબંધીઓ મારા ઘરે આવીને મારી પુત્રી કે પુત્રને શુભેચ્છાઓ પાઠવે. આવી વ્યવહારિકતા હવે ખુબ સામાન્ય બની ગઈ છે. આ પરિસ્થિતિમાં પરીક્ષાર્થીના માતા-પિતા આગંતુકોની સમક્ષ પોતાની ત્યાગની પણ વાતો કરે છે. પોતાના પાલ્ય માટે ઘરમાં ક્યાં પ્રકારના પરિવર્તનો કર્યા છે ? બાળકના ભોજન માં શું ફેરફાર કર્યા છે ? એને જગાડવાની અને ઉઠાડવાની જવાબદારી કોની ? ઘરના સૌએ ટી.વી જોવાનું બંધ કરી દીધું છે વગેરે વગેરે. જો સબંધીઓકે હિતેચ્છુઓ ઘરે રૂબરૂના આવે તો તમે કલ્પના કરો કે આવા વાલીઓની શી દશા થાય ? આ ત્યાગ અને તપની વાતો ક્યાં ઠાલવે ? આવા વાલીઓ જાણે કે પોતાના બાળક ઉપર ઉપકાર કરતા હોય એવું લાગે છે. આવા આવા વાતાવરણ માં મહદઅંશે વિદ્યાર્થી એક ‘ અસહજ ‘ અવસ્થામાં મુકાઈ જાય છે. એણે સતત ક્ષોભની અનુભૂતિ થયા કરે છે કે મારા કારણે મારા માતા-પિતા , ભાઈ-બહેન, દાદા-દાદી બધા જ પરેશાન અને ચિંતિત છે. હવે સિક્કાની બીજી બાજુ. શિક્ષણમાં આજે ડગલેને પગલે સરકારી હસ્તક્ષેપ જોવા મળે છે. ભલે સરકાર વારંવાર કહે છે કે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ સ્વાયત છે પરંતુ આ બાબત પણ દારૂ બંધીની માફક જ છે.
વિધાર્થીઓનું કલ્યાણ કરવામાં સરકાર કેમ પાછળ રહે ? જ્યા એક તરફ ભ્રષ્ટ શાળા સંચાલકો પોતાને ત્યાં આવેલ પરિક્ષા કેન્દ્રોમાં શક્ય એટલી ગેરરીતિઓ આજે પણ આચરી શકે છે અને સરકારી તંત્ર આવા ભ્રષ્ટ સંચાલકોને પ્રત્યક્ષ પરોક્ષ બંને રીતે મદદ કરે છે સી.સી.ટી.વી. કેમેરાઓની તો ઐસી તૈશી ! આવા કેન્દ્રો પર સંચાલકોના સબંધીઓ, બાહુબલી અને ગુંડાઓના બાળકોને સરેઆમ નકલ કરવાની છૂટ અપાય છે. આ દ્રશ્ય જોઈને વિદ્યાની દેવી સરસ્વતી શું વિચારતી હશે ?
શૈક્ષણિક વિભાગ પણ અન્ય દરોડા પાડનારી સંસ્થાઓ, ઈ.ડી., સી.બી.આઈ. અને આઈ.ટી.ની જેમ સ્કવોડની રચના કરે છે અને દસ, પાંચ પ્રમાણમાં સારી ઇમેજની શાળાઓમાં દરોડા પાડીને પોતાની જવાબદારીનું નિર્વહન કરે છે. સરકારમાં બેઠેલા શીર્ષસ્થ નેતાઓને ખબર છે. ચોરી કર્યા વગેરે પોતાની રાત દિવસની મહેનત થી ઉત્તીર્ણ થનારા પ્રતિભાશાળી બાળકો જ આગળ ચાલીને એમના માટે ખતરા રૂપ કે ઘાતક સાબિત થશે તેથી સરકારી તંત્ર માં પણ મહદઅંશે ભ્રષ્ટ કર્મચારીઓ ઈચ્છે છે કે આવી ગેરરીતિઓ તો ચાલતી રહેવી જોઈએ. આવા ગંદા માહોલમાં સૌથી વધારે, પ્રામાણિક સંનિષ્ઠ તથા કર્મઠ વિધાર્થીઓને સહન કરવાનું આવે છે. આવા ‘ સંવેદનશીલ ‘ વિધાર્થીઓ, સંચાલકો અને સરકારી તંત્રના સંવેદનહીન અને અન્યાયી વલણને જોઈને આઘાત પામે છે.
નવી શિક્ષણ નિતીના ખુબ વખાણ થાય છે. જો આ વાત સાચી હોય તો થવા પણ જોઈએ પરંતુ આ નીતિઓને લાગુ કરનાર કોણ અને કેવા છે ?
આ મારા આર્ટિકલમાં મોટાભાગના પાઠકોને મારામાં રહેલી નેગેટીવીટી અર્થાત ‘ નકારાત્મકતા ‘ દેખાશે પરંતુ મને એક હિન્દી ફિલ્મના ગીતની પંક્તિ યાદ આવે છે.
या दिल की सुनो दुनियावालो
या मुझको अभी चुप रहने दो
मैं गम को ख़ुशी कैसे कह दू
जो कहते हैं उनको कहने दो
થોડાક દિવસો પહેલા મેં દિવ્યભાસ્કર અખબારમાં એક ચોંકાવનાર સમાચાર વાંચ્યા શીર્ષક હતું, રાજ્યમાં રોજ 23 લોકો આપઘાત કરે છે અમદાવાદમાં સૌથી વધુ. આર્થિક સંકડામણ, પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ. પરંતુ જે કારણ આમ સૌથી મોખરે છે અને જેનો ઉલ્લેખ આ શીર્ષક માં નથી તે છે. ” માતા પિતાની અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવતા ” વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું
આવા માહોલમાં પણ કેટલીક શાળાઓ ઉત્તમ રીતે ભણાવીને, ઈમાનદારી પૂર્વક બાળકોના જીવનને સાર્થક બનાવી રહી છે. કેટલાક ઘરો માં પણ પરીક્ષાર્થી માટે સુંદર, સુઘડ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આપણે ઇચ્છીએ કે આવી શાળાઓ અને આવા ઘરોની સંખ્યા ઉતરોતર વધતી રહે.

Social