PMએ સાણંદ,ધોલેરા,આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું

   અમદાવાદના ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL)ના કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાણંદ જીઆઇડીસી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સીજી પાવરના OSAT ફેસિલિટીના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 
     વડાપ્રધાનએ આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું હતું અને વડાપ્રધાનએ દેશના યુવાઓ વિશે વાત કરતાં કહ્યું કે, આજે 60,000થી વધારે કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આ કાર્યક્રમ સાથે જોડાયેલી છે. આ કાર્યક્રમ દેશનાં યુવાનોનાં સ્વપ્નોને સાકાર કરનારી ઘટના છે, કારણ કે તેઓ જ ભારતના ભવિષ્યના ખરા ભાગીદાર છે. વધુમાં કહ્યું કે, યુવાનો જોઈ રહ્યા છે કે ભારત કેવી રીતે આત્મનિર્ભરતા અને ગ્લોબલ સપ્લાય ચેનમાં મજબૂત હાજરી માટે બહુઆયામી રીતે કામ કરી રહ્યું છે. આત્મવિશ્વાસથી ભરપૂર યુવા રાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખે છે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
   વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દુનિયામાં ફક્ત ગણ્યાગાંઠ્યા દેશો જ સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરી રહ્યાં છે. સાથે જ તેમણે કોરોનાને કારણે ઊભી થયેલી અડચણો પછી વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ભારત આમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા આતુર છે તેમ જણાવીને તેમણે દેશની ટેક સ્પેસ, પરમાણુ અને ડિજિટલ પાવર પર પ્રકાશ પાડ્યો હતો. 
    સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વાણિજ્યિક ઉત્પાદનનો લાભ લેવા માટે ભારત અગ્રેસર છે, એ દિશામાં ભવિષ્યની યોજનાઓનું વિસ્તૃત વિવરણ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, "એ દિવસ બહુ દૂર નથી કે જ્યારે ભારત સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે."
    તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે લેવાયેલા નીતિગત નિર્ણયો માટે ભારતને ભવિષ્યમાં વ્યૂહાત્મક લાભ મળશે, સાથે જ તેમણે વેપાર-વાણિજ્યમાં સરળતાને પ્રોત્સાહન આપવાનો અને કાયદાનું સરળીકરણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. 

વડાપ્રધાનએ જાણકારી આપી હતી કે, છેલ્લાં થોડાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલન નાબૂદ કરવામાં આવ્યાં છે અને એફડીઆઇ(FDI) માટેનાં નિયમો પણ સરળ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ, વીમા અને ટેલિકોમ ક્ષેત્રોમાં એફડીઆઈ નીતિઓને ઉદાર બનાવવામાં આવી છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, સેમિકન્ડક્ટરનાં સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. ઉદ્યોગોની વિશાળ શ્રેણી પર સેમિકન્ડક્ટરના વિસ્તરણનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, “સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ જ નથી, પણ તે અમર્યાદિત સંભવિતતાઓથી ભરેલાં દ્વાર ખોલે છે.” આ પ્રસંગે સાણંદ ખાતે ઉદ્યોગ વિભાગના અધિકારીઓ, ધારાસભ્ય કનુભાઈ પટેલ સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Social