પો.કમિશનરે કહ્યું- નમાઝ પઢતા વિદ્યાર્થીઓને ટોળાએ અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં કહી ઝપાઝપી કરી, ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી અને અન્ય વિદ્યાર્થીઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નીરજા ગુપ્તા SVP હોસ્પિટલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા.

પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું હતું કે, મોડી રાત્રે 10.51 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થયો હતો અને 10.56ને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં પહોંચ્યું હતું. રમજાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. કેટલાક લોકોનું ટોળું આવી અને તમારે અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં. મસ્જિદમાં નમાઝ પડવી જોઈએ. તેમ કહી બોલા ચાલી અને ઝપાઝપી કરી હતી. રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસીપી અને ચાર ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
ટોળામાં હુમલો કરનાર એક વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. સાંજ સુધીમાં પોલીસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અલગ-અલગ નવ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધીમાં સમગ્ર ઘટના બાબતે વિગત બહાર આવશે. દરીયાપુરના ભાજપનાં ધારાસભ્ય કૌશિક જૈન પણ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા આ જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. જે પણ લોકો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Social