કલોલમાં કોર્ટમાં ચાલતા કેસના સમાધાનના નાણાંની લેવડ દેવડ બાબતની અદાવત રાખી યુવક પર છરા વડે 4 શખ્સોનો જીવલેણ હુમલો

કલોલમાં કોર્ટમાં ચાલતા કેસના સમાધાનના નાણાંની લેવડ દેવડ બાબતની અદાવત રાખી યુવક પર છરા વડે 4 શખ્સોનો જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આથી કલોલ પોલીસ સ્ટેશને 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આઝાદનગર સોસાયટીમાં રહેતા જનકભાઈ જશવંતભાઈ ભાટી ગઈકાલ રાત્રે 11.15 કલાકે કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી રુદન હોસ્પિટલ પાસેથી ઘરે જવા માટે પોતાનું એક્ટીવા ચાલુ કરતાં હતા. તે સમયે આરોપી અજયસિંહ અજીતસિંહ ચાવડા તેમની પાસે આવી કોર્ટમાં ચાલતા કેસના સમાધાનના નાણાંની લેવડ દેવડ બાબતની અદાવત રાખી અપશબ્દો બોલ્યો હતો. ત્યાર બાદ યુવક પર છરા વડે હુમલો કરી તેમને હાથ પર છરાના ઘા મારી ઇજા પહોંચાડી હતી.આરોપીના વધુ મારથી બચવા યુવક એક્ટીવા લઈને ભાગતા આરોપી અજયસિંહે તેના 3 સાગરીતો સાથે ફરિયાદીનો પીછો કર્યો હતો અને બીજીવાર છરો બરડાના ભાગે માર્યો હતો. આરોપી જીવલેણ હુમલો કરતા તેમણે બચવા માટે બુમાબુમ કરવા લાગતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી આરોપી તેમજ તેની સાથેના ત્રણ આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા.
જૂના કેસમાં સમાધાનમાં 1 લાખ 10 હજાર આપવાના નક્કી થયા હોવા છતાં વધુ રકમ પડાવવાના બદ ઇરાદે આ આરોપીઓએ તેમની પર ઘાતક હથિયારથી હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેમણે કલોલ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Social