બોપલમાં કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમાં કરાવનાર આરોપીના કોર્ટે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા: સાણંદમાં રહેતા અલ્પિત ગજ્જર સામે બોપલ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

બોપલ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ખાનગી બેંકના મેનેજરએ પોલીસને જાણ કરી હતી કે બેંકના એટીએમમાં કેશ ડિપોઝિટ મશીનમાં એક વ્યક્તિએ 500ના દરની 19 નકલી ચલણી નોટો જમા કરાવી છે. જે અંગેના સીસીટીવી આધારે SOG અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરતા સાણંદના અલ્પિત દિનેશકુમાર ગજ્જર નામના યુવક હોવાનું ખૂલ્યું હતું. જેથી બોપલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પોલીસ ટીમે ગેરેજમાં ઓટોમોબાઇલનું કામકાજ કરતાં અલ્પિત ગજ્જરની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
નામદાર કોર્ટ દ્વારા તારીખ ૨૬/૧૨/૨૦૨૩ સુધીના પોલીસ હવાલાતના રીમાન્ડ મંજુર કર્યા હતા અને પોલીસે આરોપીની પુછપરછ કરતાં સહ આરોપી તરીકે મિલાપ અમિતકુમાર મીસ્ત્રી (રહે-૦૧/આકાર સોસાયટી સમાન કોમ્પ્લેક્ષની સામે સેટેલાઈટ અમદાવાદ)ની સંડોવણી બહાર આવતા તેની પણ પોલીસે ધરપકડ પુછપરછ દરમિયાન નકલી નોટો તેને તૃસાંગ શૈલેષભાઈ શાહ (રહે. સિંધુભવન રોડ અમદાવાદ)એ આપેલ હોવાની જણાવતા તેની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે પકડાયેલ ઇસમો કાર વોશીંગ તથા કાર સર્વિસના ધંધા સાથે સંકળાયેલ છે અને આ કેસમાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તેમજ અન્ય કોઇ નકલી નોટો તેના કબ્જામાં છે કે કેમ? તેમજ નકલી નોટો બનાવતી કોઇ ગેંગ સાથે સંકળાયેલ છે કે કેમ? તે બાબતે વધુ તપાસ કરવા માટે નામદાર કોર્ટમાં રીમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા તારીખ 26-12-2023 સુધીના રીમાન્ડ મંજુર કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું. હાલ સમગ્ર મામલે SOG પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટા અને SOG ટીમે તપાસ હાથ ધરી છે.

Social