નળસરોવર અભયારણ્ય પાસે પ્રવાસીઓનો પીછો કરી રંજાડતા તત્વો સામે કાર્યવાહી

અમદાવાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્યમાં ચાલતી ગોબાચારી પર તંત્ર દ્વારા કાયદાનો કોરડો વિંઝી અનેક ગેરકાયદે તલાવડીઓ તોડી પાડી 85 હજાર ચો.મી. જમીન પરનું દબાણ દૂર કરવાની સાથે સાથે પ્રવાસીઓને રંજાડતા તત્વોને પકડી લેવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રવાસીઓનો પીછો કરતા 10 મોટરસાયકલ ચાલકોને પણ ઝબ્બે કરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહને નળસરોવરમાં ગેરકાયદે પ્રવૃત્તિની મળેલી બાતમીના આધારે વિરમગામ ડીવાયએસપી સહિતની ટીમે 154 જેટલા પોલીસ કર્મી – અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાઓને સાથે રાખી વ્યાપક દરોડા પાડ્યા હતા. વેકરિયા ગામમાં કોમ્બિંગ હાથ ધરી પ્રવાસીઓનો પીછો કરી રંજાડતા હોય તેવા બે શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શકમંદ વાહનચાલકોને અટકાવી 10 જેટલા મોટરસાયકલ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદે દબાણવાળી આશરે 37 તલાવડીઓનું દબાણ દૂર કરાયું હતું.

Social