સાણંદમાં વર્ષ દરમ્યાન UGVCLની ટીમે 26 વખત દરોડા પાડી 712 કનેક્શનમાંથી રૂ.2.16 કરોડની વીજ ચોરી પકડી : કાર્યવાહી કરી રૂ.68.82 લાખ રિકવર કર્યા

તાલુકામાં વીજ ચોરી ડામવા વીજ તંત્રએ પોલીસ પ્રોટેકશન સાથે રાખી ચેકિંગ કર્યું હતું

      સાણંદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મીટર સાથે છેડા અથ‌વા વીજ લાઇન પરથી ગેરકાયદેસર રીતે વીજ ચોરી થતી હોવાનું યુજીવીસીએલની ટીમેને ધ્યાને આવતા વર્ષ દરમ્યાન રાજ્યના અલગ અલગ જિલ્લાની વિજિલેન્સ ટીમે પોલીસ પ્રોટેકશન સાથે વ્યાપક દરોડા પાડી રૂ.2.16 કરોડની વીજ ચોરી પકડી કાર્યવાહી કરી છે.
    સૂત્રોના જણાવ્યા અનુસાર ગત જાન્યુઆરી થી ચાલુ ડિસેમ્બર મહિના દરમ્યાન રાજ્યના વડોદરા, પોરબંદર, જામનગર, રાજકોટ, પાલનપુર, સાબરમતી, મહેસાણા, ગોધરા જિલ્લાની યુજીવીસીએલની વિજિલેન્સ ટિમ અને બોપલ ડિવિઝન,સાણંદ એક સબ ડિવિઝનના અધિકારીઓ સાથે સાણંદ શહેરના અલગ અલગ વિસ્તાર તેમજ તાલુકાનાં સોયલા, પીંપણ,માણકોલ, ખીચા, કોદારીયા, ગોરજ, લેખંબા, ફાંગડી, વીંછીયા, જબૂથલ, જુડા, જુવાલ, વિંછીયા, વસોદરા, રૂપાવટી, ચેખલા,અણદેજ,રામપુરા, નાના વિરમગામ, ભાવનપુર, કાણેટી સહિતના ગામમાં પોલીસ પ્રોટેકશન સાથે વીજ મીટરની સઘન ચકાસણી કરી હતી. વર્ષ દરમ્યાન યુજીવીસીએલની ટીમે 26 વખત ચેકિંગની ડ્રાઈવ યોજીને કુલ 712 કનેક્શનમાંથી આશરે રૂ.2.16 કરોડની વીજ ચોરી પકડીને વીજ ચોરી કરતાં ઇસમો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરી કાર્યવાહી કરતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કાર્યવાહી દરમ્યાન વીજ વિભાગે રૂ.68.82 લાખ રિકવર કર્યા હતા.
Social