સાણંદમાં ગત 12 મહિનામાં 29737 દસ્તાવેજો નોંધાયા : સરકારને રૂ.652 કરોડની આવક

         સાણંદ શહેર હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, સાણંદ આસપાસના વિસ્તારમાં એક વર્ષમાં મિલ્કત ખરીદી કરવા રોકાણકારોએ જાણે દોટ મૂકી હોય તેમ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના મહિનામાં કુલ 29737 દસ્તાવેજની નોંધણી થઈ છે. ગત ફેબ્રુઆરીમાં જંત્રીના ભાવ વધારોની જાહેરાત થયા બાદ સેટલાઇટ સિટી તરીકે ઓળખાતા સાણંદ શહેરમાં એકાએક  રોકાણકારોએ દસ્તાવેજો નોંધાવા ઉમટ્યા હતા. 
          રાજ્યમાં જંત્રી વધવાની જાહેર બાદ વર્ષ 2023માં સાણંદ શહેર અને તાલુકામાં તમામ પ્રકારની મિલકતોના દસ્તાવેજો કરવા રોકાણકારો ઉમટી પડ્યા હતા, સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગત વર્ષ 2023ના જાન્યુઆરી થી ડિસેમ્બર અંત સુધીમાં 29737 દસ્તાવેજો નોંધાયા છે. જેમાં ખેતીની જમીન, બિન ખેતીની જમીન, મકાન, ફ્લેટ, શોપ વગેરે તમામ દસ્તાવેજોની નોંધણી થઈ છે. એક અધિકારી કહ્યું કે સાણંદમાં ગત વર્ષ 2022માં 26 હજાર દસ્તાવેજો થયા હતા. જેની સરખામણીમાં વર્ષ 2023માં 3 હજાર જેટલા દસ્તાવેજ વધુ નોંધાયા છે. લોકોએ સૌથી વધુ રહેણાંક દસ્તાવેજો કરાવ્યા છે, વધુમાં કહ્યું કે ગત મહિનાઓમાં જંત્રી વધવાની જાહેર થતાં જૂની તારીખના સ્ટેમ્પ પર સમયસર દસ્તાવેજ નોંધણી થઇ શકે તે માટે વધુ સ્લોટ અને ટોકન ફાળવી કચેરીનો સમય પણ વધાર્યો હતો અને રજાના દિવસોમાં પણ ટોકન લીધેલ લોકોના દસ્તાવેજો કરવાની કામગીરી કરી હતી. જાન્યુઆરી થી ડિસેમ્બર મહિના દરમ્યાન સૌથી વધુ દસ્તાવેજો માર્ચ મહિનામાં 3398 નોંધાયા હતા. જ્યારે સરકારને સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની કરોડો રૂપિયાની આવક થઈ છે.

સાણંદમાં 2023માં 5000 કરોડ થી વધુના વિક્રમી સોદા
સાણંદમાં પ્રથમ ટાટા તાજેતરમાં માઇક્રોન ચિપ જેવી જાયન્ટ કંપનીઓ બાદ હવે યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વ વિખ્યાત ટેસ્લા કાર પણ સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા એમઓયુ કરે તેવી સંભાવનાઓ ચર્ચાઇ રહી છે, ત્યારે સાણંદ રોકાણકારો માટે હબ બન્યું છે.અને એટલે જ સાણંદમાં રોકાણકારોએ દોટ લગાવી છે અને એક જ વર્ષમાં અધધ 29000 થી પણ વધારે દસ્તાવેજ થયા છે . સાણંદમાં રોકેટ ગતિએ રોજગારીની તકો સર્જાઈ રહી છે, વળી શહેરથી એકદમ નજીક અને શેલા થી માત્ર ૭ કિમીના અંતરે આવેલું સાણંદ પ્રદુષણ મુક્ત વિસ્તાર પણ છે ત્યારે રેસિડેન્સ માટે પણ હોટ સ્પોટ બન્યું છે ત્યારે સાણંદમાં અનેક નવા રેસીડેન્સીયલ પ્રોજેકટ ચાલી રહ્યા છે અને નવા પણ આવી રહ્યા હોવાને કારણે હાલ થઇ રહેલ દસ્તાવેજોમાં રેસીડેન્સીયલ પ્રોપર્ટીનો હિસ્સો સૌથી વધારે છે.

Social