માતૃભાષાની ઉપયોગીતા, મહત્વ તથા માવજત શા માટે અને કેવી રીતે…?

February 24th, 2024

ગત ૨૧ માર્ચે વિશ્વભરમાં માતૃભાષા દિવસની વૈવિધ્યસભર રીતે ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે માં, માતૃભૂમિ અને માતૃભાષાના અન્ય કોઈ વિકલ્પ ન હોય. માતૃભાષાને લઈને એક એવી પણ સમજ પ્રસ્થાપિત થયેલ છે કે જો કોઈ એક ચોક્કસ સંસ્કૃતિને સમાપ્ત કરી દેવી હોય તો વધુ કશું જ કરવાની જરૂર નથી માત્ર તે સમાજની માતૃભાષને વિલુપ્ત કરી નાંખો એટલે આપોઆપ તે સંસ્કૃતિ સમાપ્ત થઇ જશે. એવું પણ કહેવામાં આવે છે કે આપણને મહદઅંશે વિચારો અને સ્વપ્ન આપણી માતૃભાષામાં જ આવતા હોય છે અને બાળકને જો પ્રાથમિક શિક્ષણ તેની માતૃભાષામાં આપવામાં આવે તો તેનો માનસિક તથા શારીરિક વિકાસ શ્રેષ્ઠ રીતે થઇ શકે છે. માતૃભાષાના મહત્વ અંગેનીઆ બધી વાતો સંભાળીને મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે, જેમ કે શું ખરેખર માતૃભાષાની અસરો માતૃભૂમિ, સંસ્કૃતિ, વ્યક્તિના વિચારો, સ્વપ્ન અને બાળકના માનસિક તથા શારીરિક વિકાસ પર થતી હશે? માતૃભાષાનું આટલું બધું મહત્વ હોય તો આજે આપણે જે માતૃભાષા ગુજરાતીનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેમાં અન્ય ભાષાના શબ્દોનું પ્રમાણ કેમ દિવસે ને દિવસે વધતું જાય છે? શું ખરેખર આપણી માતૃભાષા ગુજરાતી ટકી રહેશે કે વિલુપ્ત થશે? માતૃભાષાને ટકાવી રાખવા માટે શું માત્ર સાહિત્યની રચનાઓ જ પર્યાપ્ત છે કે આપણા આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં પણ માતૃભાષાનો મહત્તમ ઉપયોગ થવો જરૂરી છે? તો આજ પ્રશ્નોના જવાબ શોધવા અને માતૃભાષાની ઉપયોગીતા, મહત્વ તથા માવજત શા માટે અને કેવી રીતે કરી શકાય તેના વિષે આજે થોડી વાતો કરીએ.
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત કેવી રીતે અને કેમ થઇ તેનો ઈતિહાસ જાણીએ તો, ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે ભૌગોલિક રીતે તેના બે અલગ અલગ ભાગ હતા: પૂર્વ પાકિસ્તાન (જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) અને પશ્ચિમ પાકિસ્તાન (જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે). સંસ્કૃતિ અને ભાષાના અર્થમાં બંને ભાગો એકબીજાથી ખૂબ જ ભિન્ન હતા. બંગાળી અથવા બાંગ્લા ભાષા એ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના બહુસંખ્યક લોકો દ્વારા બોલાતી ભાષા હતી. તેમ છતાં, ૧૯૪૮માં પાકિસ્તાનની તત્કાલીન સરકારે ઉર્દૂને પાકિસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય ભાષા જાહેર કરી હતી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ આ જાહેરાતનો વિરોધ કર્યો, કારણ કે મોટાભાગની વસ્તી પૂર્વ પાકિસ્તાનની હતી અને તેમની માતૃભાષા બાંગ્લા હતી. તેમણે બાંગ્લા ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગણી કરી હતી. આ માગણી સૌપ્રથમ પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ પાકિસ્તાનની બંધારણ સભામાં ઉઠાવી હતી.
બાંગ્લા ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માંગ સાથે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સામાન્ય જનતાના સમર્થનથી જંગી રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ પોલીસે રેલીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અનેક લોકોના મૃત્યુ પામ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના હતી, જ્યારે લોકોએ તેમની માતૃભાષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઇ ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત કેનેડાના વાનકુંવરમાં રહેતા બંગાળીઓ રફીકુલ ઇસ્લામ અને અબ્દુસ સલામે કરી હતી. તેમણે ૯ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને એક પત્ર લખીને ૧૯૫૨માં ભાષા ચળવળ દરમિયાન ઢાકામાં થયેલી હત્યાની યાદમાં ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરીને વિશ્વની ભાષાઓને લુપ્ત થતી બચાવવા માટે એક પગલું ભરવા જણાવ્યું હતું. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ ૨૧ ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘોષણા બાંગ્લાદેશીઓ (તે સમયે પૂર્વ પાકિસ્તાનીઓ) દ્વારા કરવામાં આવેલી ભાષા ચળવળને શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવી હતી. ટૂંકમાં માતૃભાષા દિવસની ઉજવણીનો ઈતિહાસ એ વાતનો સૂર પુરાવે છે કે બાંગ્લાદેશના નિર્માણના પાયામાં માતૃભાષા, માતૃભૂમિ અને સંસ્કૃતિ અભિન્ન રીતે જોડાયેલ છે.
બાળક જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ તે જે ભાષાની અવારનવાર અનુભૂતિ કરે છે, તેના પારિવારિક વારસામાં તેને જે ભાષા મળી છે તે ભાષા તેની માતૃભાષાના સ્વરૂપમાં પ્રસ્થાપિત થાય છે. મનોવિજ્ઞાનના સંશોધનો એવું કહે છે કે જે બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે છે તેનો સર્વાંગી વિકાસ યોગ્ય રીતે થવાની શક્યતાઓ વધી જાય છે. બાળકના મનમાં જાગ્રત તથા અજાગ્રત અવસ્થાઓમાં જે વિચારો આવે છે તે મહદઅંશે માતૃભાષામાં જ આવતા હોય છે. આ સ્થિતિમાં બાળક જયારે તેની માતૃભાષામાં પ્રભુત્વ વધારતું થઇ જાય છે ત્યારે તેના માટે અન્ય ભાષાઓ અને વિષયો શીખવા વધુ સરળ બની જાય છે. આ જ કારણોને લીધે યુનેસ્કો દ્વારા દુનિયાના તમામ દેશોને સુચન કરવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકોને તેનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. આપણે ત્યાં પણ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવાને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આપણે સૌ જોઈએ છીએ અને જાણીએ છીએ તેમ આપણે ત્યાં આજકાલ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ભૂત ભરપૂર માત્રામાં ધૂણી રહ્યું છે. આ બાબતે માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણને ફરજીયાત માતૃભાષામાં જ આપવું તેવી કડક નીતિ ઘડવી ખુબ જ જરૂરી છે અને આ કરવા માટે સરકારની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ હોવી ખુબ જ જરૂરી છે. સરકાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણીના નામે માત્ર મેળાવડા કરવાથી માતૃભાષાનો જયકાર ન થઇ શકે.
ભાષાએ સ્થિર કે જડ પ્રકૃતિની નથી. તે ચેતન છે, તે સતત વહેતો પ્રવાહ છે. તે સતત બદલાયા કરે છે. સમય જતા તે તેનું રંગ ,રૂપ અને સ્વરૂપ બદલે છે. માટે જ આપણી ગુજરાતી ભાષામાં અનેક અન્ય ભાષાના શબ્દો અસ્તિત્વમાં છે. તેમાં આજે પણ સતત નવા શબ્દો ઉમેરતા જાય છે ને કેટલાક શબ્દો લુપ્ત થતા જાય છે. આજથી પાચસ વર્ષ પહેલાની ગુજરાતી ભાષામાં અને આજની ગુજરાતી ભાષામાં આપણને અનેક ઘણો બદલાવ જોવા મળશે. આજે આપણી ભાષામાં અંગ્રેજી શબ્દોનું અસ્તિત્વ વધુ જોવા મળશે જે પહેલા કદાચા આટલી વિપુલ માત્રામાં ન હતું. આપણી માતૃભાષામાં આ અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોનું પ્રમાણ વધવા પાછળનું એક મુખ્ય કારણ છે આપણી બદલાયેલ બજાર વ્યવસ્થા. જેમ કે હું સાણંદની બજારમાં શાકભાજી ખરીદવા જાઉં ત્યારે વેપારી મને તરત જ કહે કે “આલુ કિતના ચાહિએ”? તો સાણંદના બજારમાં વધી રહેલ હિંદી શબ્દો કે ભાષાનું પ્રમાણ પાછળનું કારણ એ છે કે આ બજારમાં દિવસે ને દિવસે પરપ્રાંતીઓની સંખ્યા વધી રહી છે જેના કારણે બજારના વ્યવહારમાં હિંદી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે. આ સ્થિતિમાં જો આપણે માતૃભાષાની માવજત કરવી હશે તો એક ગુજરાતી તરીકે મારે મારા ઘરમાં, બજારમાં તથા સામાજિક અને રાજકીય જીવન વ્યવહારમાં મહત્તમ રીતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો પડશે. એટલે કે “આલુ કિતના ચાહિએ” ના જવાબ આપણે કહેવું પડશે કે ભાઈ હું ગુજરાતી જ છું…! એટલે તરત જ સામેવાળો વેપારી ગુજરાતીમાં સંવાદ કરવાનું શરુ કરશે.
આપણે માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી માત્ર સાહિત્યકારોને જ સોંપી દીધી હોય તેમ લાગે છે. વિશ્વ માતૃભાષા દિવસે સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી અને માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક કાર્યક્રમોનું આયોજન થયું. આ પ્રયત્નો ચોક્કસ આવકાર્ય છે. પરંતુ આ કાર્યક્રમોમાં મોટાભાગે માતૃભાષાનો જયકાર કરતી સાહિત્યિક રચનાઓ પ્રસ્તુત થઇ. કદાચ આપણને એવું લાગે છે કે માતૃભાષામાં જેટલું વધુ સાહિત્ય રચાશે તેટલી માતૃભાષા સમૃદ્ધ થશે. પરંતુ અહિયાં આપણે એ સમજવું જરૂરી છે કે સાહિત્યએ ભાષાનો એક મહત્વનો હિસ્સો હોય છે પરંતુ માત્ર સાહિત્ય એ જ ભાષા કે ભાષા એટલે માત્ર સાહિત્ય એમ આપણે માનીએ તો તે ભૂલ ભરેલી વાત ગણાય. કારણે કે આપણે આપણા રોજીંદા જીવનમાં જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેમાં કવિતાઓ, નવલકથાઓ, નવલિકાઓ, ગઝલ, જીવન ચરિત્રો, નિબંધ લેખો કે નાટકોનો નહીવત ઉપયોગ કરીએ છીએ. માટે, આપણે તે સમજવું ખુબ જ જરૂરી છે કે ભાષાએ માત્ર સાહિત્યનો જ ભાગ નથી પરંતુ તે આપણા ઘરના, બજારના અને સરકાર સાથેના રોજીંદા જીવન વ્યવહારનો અભિન્ન હિસ્સો છે. માટે તેનો વિસ્તૃત ઉપયોગ આ તમામ જગ્યાઓ પર થશે ત્યારે જ આપણે માતૃભાષાની માવજત કરી કહેવાશે.

ભાવે ભજો ભગવાન

February 24th, 2024

આપણે ઘણા એવા દાખલા જોયા છે કે ખૂબ કઠોર તપસ્યા કર્યા પછી પણ ઈશ્વર ની પ્રાપ્તિ નથી થતી પણ અમુક એવા ભક્તો ને પણ જોયા છે જેને ખૂબ જલ્દી થી ઈશ્વર સાથે સાક્ષાત્કાર થયેલો છે તેનું શું કારણ હોય શકે? તેના જવાબમાં એટલું જ સમજાયું છે કે બુધ્ધિ થઈ ભજતાં ઈશ્વર બહુ દૂર લાગે જ્યારે ભાવ થી ભજતાં ભગવાન ઢુકડો લાગે. ભાવથી ભજતાં ઈશ્વર જલ્દી મળે છે.

                             એક દિવસ એક દંપતી તેના 10 વર્ષના બાળકને લઈ ડોકટર પાસે ગયા. ફાઇલ ડોકટર સાહેબના ટેબલ ઉપર મૂકી. ડોકટરે ફાઇલનો અભ્યાસ કરી બાળક ને ચેક પણ કર્યો. પછી એ બાળકને કહ્યુ, બેટા થોડો સમય બહાર બેસ હું તારા પપ્પા મમ્મી સાથે વાત કરી લઉં. તેના પપ્પા મમ્મી તરત જ બોલ્યા સાહેબ બધી હકીકત તેને ખબર છે. એટલે વાંધો નહિ તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો. ડોકટર બોલ્યા, મેં પ્રથમ પરિવાર એવો જોયો જેના ચહેરા ઉપર આવા સમયે ભય ન હોય.
                              દંપતી એ કહ્યું સાહેબ, શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરની અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું.
                            ડોક્ટરે કહ્યું, જુઓ, બાળકના હાર્ટની સર્જરી કરવી પડશે. વાત ખૂબ જ ગંભીર છે. 50%.. 50% શકયતા છે. સફળ થયા તો આ જીવન હાર્ટની તકલીફ નહિ થાય, અને સફળ ન થયા તો તમે જાણો જ છો...

તો અમારે શુ કરવું જોઈએ ? એવો પ્રશ્ન દંપતી એ ડોક્ટર ને કર્યો.

                             ડોકટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મરતા મરતા જીવવું તેના કરતાં એક જોખમ ઉઠાવી લેવું જોઈએ. જો સફળતા મળી ગઈ તો જીવનભર ની તકલીફ દૂર થઇ શકે છે.

આવેલ દંપતી ડોકટર સાથે સંમત થયા.

                          જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડોકટર બોલ્યા આમ તો હું એડવાન્સ માં પેમેન્ટ લઉં છું. પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું. કહી ડોક્ટરે ઓપરેશનની તારીખ આપી.
                         ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતી હાજર થયું. કોઈના ચહેરા ઉપર ભય ન હતો. તેઓ એકદમ‌ સ્વસ્થ હતા. ડોકટરની જિંદગી માટે આ કેસ દાખલા રૂપ હતો.

                        ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી અનેસ્થેસિયા આપતા પહેલા માથે પ્રેમ પુર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું

તેણે હસી ને નામ કહ્યું,આનંદ.

                              ડોકટરે મજાક કરતા કીધું બેટા તારા નામ તેવા ગુણ છે.. ઓપરેશન ચાલુ થાય એ પહેલાં તારે કંઈ મને કહેવું હોય તો વિનાસંકોચ કહી દે .

ત્યારે એ નિર્દોષ બાળક બોલ્યો સાહેબ દિલ એટલે શું ?
ડોકટર બોલ્યા, દિલ એટલે બેટા હાર્ટ. જેની સર્જરી આપણે આજે કરવાના છીએ.

                           બાળક તેની કાલીઘેલી ભાષામાં બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે દરેકના દિલની અંદર રામ બેઠો છે. તો સાહેબ જ્યારે મારુ હાર્ટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલ રામ કેવા છે એ બરાબર જોઇ લેજો પછી મને કહેજો એ કેવા છે ?

   બાળક ની આ વાત સાંભળીને ડોક્ટરની આંખ ભીની થઇ.
                               ડોક્ટરે તેમના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો એટલે દરેકની આંખો ભીની હતી. ડોકટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતા મારૂં મન, અને હાથ વિચલિત કેમ થાય છે ? 

                             ડોક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતા કીધું અત્યાર સુધી મેં કરેલ દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે. 
                           હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું તું તો તેનું સર્જન કરે છે. તું મોટો જાદુગર છે. મારા આ પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે. કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું.

                        ઓપરેશન આગળ વધતું હતું. સફળ થવાની પુરી શકયતા ડોકટરને જણાતી હતી ત્યાં અચાનક પરિસ્થિતિ બદલાઈ બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું. બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું. ડોક્ટર ને પણ શું કરવું એ તેમને પણ ખબર ન પડતી અને અંતે જે ન થવાનું થયું. ડોકટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો. આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઈટો બધી ચાલુ કરી ભીની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા..

ત્યાં અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા.
એ ઝડપથી બાળકના હાર્ટ તરફ જોઈ જોરથી બોલ્યા તમને રામ દેખાય છે. બધા સ્ટાફની નજર બાળકના હાર્ટ તરફ ગઈ એક ગજબની ચેતના પુનઃ બાળક ના હાર્ટમાં સ્થાપિત થઈ અને બાળકનું હાર્ટ પુનઃ ધબકવા લાગ્યું ડોકટર અને સ્ટાફે ચિચયારી સાથે જયશ્રી રામનો ઉદઘોષ કરી અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધો.

                            ડોકટર સાહેબને તેની સર્જરી ની સફળતા નો આનંદ અને દંપતી ને તેમનો પુત્ર બચી ગયા ની ખુશી ચહેરા પર છલકાતી હતી અને તેમની ફી લીધી નહિ અને કહ્યું, હજારો ઓપરેશન મેં કર્યા પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે ? આ બાળકે રામનું "નિવાસ્થાન" મને બતાવ્યું.

મિત્રો
જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે.માટે પરમતત્વ ને પામવા માટે ઈશ્વર ના દરબાર માં માથું ટેકવવા માટે બુધ્ધિ બહાર દરવાજે મૂકી હ્દય ના ભાવ થી ઈશ્વર જવું હ્દય ના ઊંડાણ થી તેને યાદ કરવા . કારણકે બુધ્ધિ થઈ કરેલ ઈશ્વર નું સ્મરણ માં કંઇ ને કંઇ સ્વાર્થ હશે જ્યારે ભાવ થી ભજેલા ઈશ્વર ની પાછળ કોઈ જ સ્વાર્થ નહીં હોય અને ઈશ્વર ને એવા જ લોકો ગમે છે જેમાં સ્વાર્થ કપટ ન હોય. માટે સંત શ્રી તુલસીદાસજી પણ લખે છે

“તુલસી ભરોસે રામ કે નિર્ભય હોકે સોયે,
અનહોની હોની નહીં રામ કરે સો હોઈ “
જય સીયારામ

દુઃખથી ભાગી છૂટવું ?
જે. કૃષ્ણ મૂર્તિ

February 24th, 2024

આપણા માંથી મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના સંબંધોમાં દુઃખ ભોગવે છે. કોઈના મુત્યુમાં પોતાની ઈચ્છઓ પુરી ન કરી શકવા માં અને કાંઈન બની શક્ય હોવાની હતાશામાં સરી પડવું, અથવા કાંઈક મેળવવાનો પ્રયત્ન કરવામાં , કાંઈક બનવામાં જયારે સરેઆમ નિષ્ફ્ળતાનો સામનો કરવો પડે છે. ત્યારે દુઃખ બોગવે છે. અને દુઃખની સમસ્યાની બીજી બાજુ શારીરિક બાજુ પણ છે. માંદગી, અંધત્વ, અસમર્થતા, લકવો વગેરે. આ દુઃખ જેવી કહેવાતી અસાધારણ બાબત સર્વત્ર છે. એક ખૂણામાં મુત્યુ પ્રતીક્ષા કરે છે. અને આપણે નથી જાણતા કે દુઃખનો સામનો કેવી રીતે કરવો, આથી કાંતો આપણે તેની પૂજા કરીએ છીએ અથવા તેને તર્કસંગત કરીએ છીએ, અથવા તેના થી ભાગી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ ખ્રિસ્તી ચર્ચ માં જાઓ, તો ત્યાં દુઃખને પૂજવામાં આવે છે ; તેને કશુંક અસાધારણ પવિત્ર બનાવવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે કે માત્ર દુઃખથી જ, ખીલે જડેલા ( ક્રોસ ઉપર લટકાવેલા ) ખ્રિસ્ત દ્વારા જ તમે ઈશ્વ પામી શકો. પૂર્વના લોકો પાસે દુઃખથી ભાગી છૂટવાનું પોતાનું અલગ માળખું છે, કે માર્ગો છે. આ અદભુત એવા દુઃખથી મુક્ત એવા ઘણા જૂજ લોકો પૂર્વ કે પશ્ચિમ માં હશે.
તમને જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે. તેને કોઈ ભાવવિભોર કે સંવેદનશીલ થયા વગર માત્ર સાંભળવાની પ્રક્રિયામાંજ તમે ખરેખર દુઃખને સમજી શકો અને તેનાથી સંપૂર્ણ પણે મુક્ત થઇ શકોતો એ અસાધારણ બાબત કહેવાય. કારણકે ત્યારે ત્યાં પોતાની જાતને છેતરવાપણું નથી હોતું, ભ્રમ નથી હોતા, ચિંતા, ઉપાધિ નથી હોતા ભય નથી હોતો અને મગજ સ્પષ્ટ પણે , તીક્ષ્ણપણે, તાર્કિક પણે કાર્ય કરી શકે છે. અને ત્યારે કદાચ, આપણે પ્રેમ શું છે તે જાણી શકીએ.
દુઃખની ગતિને સમજો
દુઃખ શું છે ? તેનો અર્થ શો ? જેને દુઃખ ભોગવવું કહેવામાં આવે છે તે શું છે ? દુઃખ શા માટે છે એ નહીં, દુઃખી થવાનું કારણ શું છે એ નહીં, પરંતુ ખરેખરમાં શું થાય છે ? મને ખબર નથી કે તમને તેની વચ્ચે કોઈ તફાવત લાગે છે કે નહીં, જયારે હું દુઃખ થી સહજપણે સભાન હોઉં છું, મારા થી અલગ અંશ તરીકે નહીં, કોઈ નિરીક્ષક દુઃખને જોઈ રહ્યો હોય તે રીતે નહીં, દુઃખ મારો જ અંશ છે, એટલે મારુ સમગ્ર અસ્તિત્વ જ દુઃખ બોગવે છે. ત્યારે હું તેની ગતિને સમજી શકું , તે મને ક્યાં લઇ જાય છે તે હું જોઈ શકું . ચોક્કસ પણે જો હું તેમ કરું તો તે મારી સામે ઉઘડે છે. ત્યારે હું જોઉં છું કે હું જેને પ્રેમ કરું છું તે વ્યક્તિ પર નહીં પણ મેં ‘ મારા ‘ પર ભાર મુક્યો છે. તેને તો કેવળ મને મારી આસ પાસની આપત્તિમાંથી ,મારી એકલતા માંથી મારી કમનસીબી માંથી ઉગારવા માટે રક્ષણ પૂરું પાડવાનું કર્યું છે. ‘હું’ કાંઈ નથી પરંતુ હું આશા રાખું છું કે ‘તે’ ‘એ’ બની શકશે. તે વ્યક્તિ જતી રહી છે મને છોડી દેવામાં આવ્યો છે. હું એકલો છું. તેમાં મુદ્દો એ નથી કે તે વ્યક્તિ જતી રહી છે. પરંતુ મુદ્દો એ છે કે મને ત્યાગી દેવામાં આવ્યો છે. હું એકલો છું.
છટકી જવામાં મને મદદ કરનારા અસંખ્ય લોકો છે, હજારો તથાકથિત ધાર્મિક લોકો છે જે લોકો પોતપોતાની માન્યતા નો અને માની લીધેલા સિદ્ધાંતો, આશાનો અને સ્વપનાઓ ધરાવતા હોય છે ‘ તે તમારું કર્મ છે, તે ઈશ્વરની મરજી છે ‘ તે તમે જાણો છો , આ બધા મને બહાર નીકળવાનો ઉપાય દર્શાવે છે.
સ્વયં સ્કુર્ત સમજણ
આપણે ક્યારેય એમ નથી કહેતાકે; ‘ ચાલ આજે મને એ જોવા દો કે જે સહન કરે છે એ શું છે ? તમે પરાણે કે શિસ્ત દ્રારા એ જોઈ ન શકો. તમારે રસ પૂર્વક જોવું પડે , તેને આપોઆપ આવતી સ્વાભાવિક સમજણ થી જોવું પડે. ત્યારે તમને જણાશેકે જેને અપને દુઃખ અને પીડા ભોગવવા કહીએ એ છીએ, જે બાબતને આપણે ટાળી એ છીએ, એશિસ્ત, એ બધુજ જતું રહ્યું છે. જ્યાં સુધી મારી બહારની વસ્તુ સાથે મારે કોઈ સબંધ ન હોય તો કોઈ સમસ્યા નથી; પરંતુ જે ક્ષણે હું મારી બહારની વસ્તુ સાથે સબંધ સ્થપિત કરું છું ત્યારે સમસ્યાઓ સર્જાય છે. જ્યાં સુધી હું દુઃખ ને મારાથી બહારની કોઈ વસ્તુ સમજુ ત્યાં સુધી હું દુઃખ ભોગવું છું, કારણકે મેં મારો ભાઈ ગુમાવ્યો છે, કારણકે મારી પાસે પૈસા નથી, આ કે તે કારણે હું તેની સાથે સબંધ જોડું છું અને એ સબંધ કાલ્પનિક છે. પરંતુ જો હું જ તે ચીજ છું. જો હું એ હકીકત સમજુંતો આખીયે બાબતનું પરિવર્તન થઇ જાય છે. ત્યારે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપવાનું બને છે, સુગ્રથિત અવધાન દાખવવામાં આવે છે. અને જેના પર ધ્યાન આપવામાં આવે છે અને તેથી ત્યાં ભય રહેતો નથી, તેથી દુઃખ શબ્દનું અસ્તિત્વ જ નથી રહેતું.
દુઃખનું કેન્દ્ર
જયારે તમે સુંદર પર્વત, સુંદર સૂર્યાસ્ત, સમ્મોહક સ્મિત, સંમોહક ચહેરો, ચકિત કરી દે તેવી કોઈ હકીકત જુઓ ત્યારે તમે શાંત થઇ જાઓ છો. ત્યારે તમે સમગ્ર વિશ્વને બાથમાં લેવા જેવું લાગે છે. પરંતુ એતો તમારા મનમાં બહારથી કાંઈક આવે છે, પરંતુ હું જે મન ચકિત નથી થતું પરંતુ જે જોવા ઇચ્છેછે , નિરીક્ષણ કરવા ઈચ્છે છે. ત્યારે શું તમે પૂર્વ સંસ્કારોના બધા તરંગો વગર નિરીક્ષણ કરી શકો ? દુઃખમાં ડૂબેલી વ્યક્તિને હું શબ્દો થી સમજાવું છું કે દુઃખ અનિવાર્ય છે. દુઃખ ઇચ્છાની અપૂર્તિનું કારણ છે. જયારે બધાજ ખુલાસા સંપૂર્ણ પણે અટકી જાય ત્યારે જ તમે જોઈ શકો એનો અર્થ એ છેકે તમે ત્યારે કોઈ કેન્દ્ર થી નથી જોઈ રહ્યા જયારે તમે કોઈ કેન્દ્રથી જુઓ છો ત્યારે જોવાની તમારી ક્ષમતા કુંઠિત, માર્યાદિત થઇ જાય છે. આ બાબત ગંભીર રીતે સમજી લેવાની જરૂર છે.
દુઃખ સાથે ગાઢ સબંધ બાંધો
દુઃખને સમજવા માટે તમારે દુઃખને પ્રેમ કરવો જોઈએ એટલે કે તમારે તેની સાથે ગાઢ સબંધ બાંધવો જોઈએ . જો તમારે કોઈ બાબતને સમજવાની હોય તો તમારો પાડોસી, તમારી પત્ની, અથવા કોઈ પણ સંબંધને સમજવો હોય તો તમારે તેની સાથે ઘનિષ્ટ સબંધ બાંધવો જોઈએ. તમારે તેની નજીક આવવું જ જોઈએ. તેજ રીતે હું દુઃખને સમજવા માંગતો હોઉં તો માટે તેને પ્રેમ કરવો જ જોઈએ. હું તેમ નથી કરી શકતો કારણકે હું સાન્ત્વનાકે આશ્વાસન દ્વારા, ખુલાસા કે સિદ્ધાંતો દ્વારા , આશા દ્વારા મુલતવી રાખીને ભવિષ્ય ઉપર ઠેલી ને તેમ કરવાથી દૂર રહું . આ બધીજ શાબ્દિક આડંબર ની પ્રક્રિયા છે. આમ શબ્દો મને દુઃખના સીધા કે ગાઢ સંપર્કમાં આવતા અટકાવે છે જયારે હું તે વાત સમજુ ત્યારે જ માત્ર હું દુઃખ ના ગાઢ સંપર્કમાં રહુ છું.
The book of life ( જીવનનું પુસ્તક ) માંથી કેટલાક અંશો સાભાર.

“વ્યાપારી ની દ્રષ્ટિએ: વ્યાપાર

February 24th, 2024

આ શ્રેણી માં આપણે વ્યાપારી દરેક પરિસ્થિતી માં કેવી રીતે વિચારે છે,કોઈ પણ પરિસ્થિતી નો કઈ રીતે સામનો કરે છે,વ્યાપાર માં હરીફાઈ માં કઈ વ્યૂહરચના બનાવી ને ટકી રહે છે અને બીજું પણ ઘણું જાણીશું જે વ્યાપાર માટે અને સફળતા માટે ઉપયોગી બની શકશે.
જો આપણે વ્યાપાર કરીશું તો દરેક પરિસ્થિતી માટે તૈયાર રેહવું જ પડશે એમાં પાની પાછળ નહીં કરી શકીએ. વ્યાપાર છે તો સારી ખરાબ બધી પરિસ્થિતી જોવા મળશે.બધી પરિસ્થિતી ને જોવાની રીત બધાની અલગ હોય છે.અમુક લોકો ને બધી વાત માં નકારાત્મક વાત જ દેખાય અને અમુક લોકો ને બધી વાત માં હકારાત્મક વાત દેખાય.જેમ કે એક ગ્લાસ છે જે અડધો ભરેલો છે અને અડધો ખાલી છે તો આ એક જ વાત માટે બધા ની વિચારસરણી અલગ અલગ હોવાની.એ જ રીતે વ્યાપારી ની વિચારસરણી સામાન્ય લોકો કરતાં થોડી અલગ જ રેહવાની.
વ્યાપારી ની દ્રષ્ટિ એ બધી પરિસ્થિતી
વ્યાપારી બધી પરિસ્થિતી ને એક તક તરીકે જોવે છે. બધા થી અલગ કઈ કરવું છે તો અલગ અલગ વિઘ્ન તો આવવાના જ એના માટે તૈયાર રેહવું જ પડશે નાસીપાસ થવા થી કઈ જ નહીં મળે. જો તમને એક સફળ બિઝનેસમેન થવું છે તો તમારી આડે આવતાં દરેક પરિબળોને ફરજિયાતપણે એક તક સ્વરૂપે જોવાં પડશે. દરેક બાધાને વિકસવાની તક સમજીને એને સ્વીકારવી પડશે અને મન થી તૈયાર રેહવું પડશે કે કા તો આ બાધા નબળાઈ દૂ૨ ક૨શે અને નહિતર તો ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ પેદા નહીં થાય એ શીખવું પડશે.
જો હું તમને અહી અમુક પરિસ્થિતી આપું છું કે જો એવી પરિસ્થિતી તમારા સામે આવે તો તમે શું કરશો.
પહેલી પરિસ્થિતી એમ’ છે કે તમે કોઈ હોટલ માં જમવા ગયા કે રેહવા માટે ગયા અને તમને ત્યાં સારી સર્વિસ ના મળી તો તમે બીજા ને પરિસ્થિતી શું રિવ્યૂ આપશો ટીકા જ કરશો ને બસ ટીકા કરી ને વાત પૂરી કરશો.
હું એમ નથી કેતો કે પરિસ્થિતી ટીકા ના કરો જે સાચી વાત છે એ કેવી જ પડે.પણ હું એવી વ્યક્તિ ની વાત કરવા માંગુ છું કે જેમને આવો અનુભવ થયો એમણે પણ પરિસ્થિતી ટીકા કરી જ હશે. પણ એમણે આવી પરિસ્થિતી પર વિજય પણ મેળવ્યો.હા તે વ્યક્તિ છે રિતેશ અગ્રવાલ જે oyo ના શોધક છે.
બીજી પરિસ્થિતી એમ’ છે કે તમારે કોઈ કૂરિયર એક દિવસ માં મળી જાય તેમ મોકલવું હોય તો કોઈ કૂરિયર કંપની તમારે પાસે નોર્મલ ચાર્જ કરતાં વધુ માંગે તો તમે શું કરશો તમે ત્યારે તો પૈસા આપી દેશો પણ પછી ટીકા કરશો કે આટલા બધા રૂપિયા થોડી હોય.આવો જ અનુભવ એક વ્યક્તિ ને થયો હતો જેનું નામ છે તિલક મેહતા જે papers and parcels ના શોધક છે.
આ બે પરિસ્થિતી વિષે કેહવાનો હેતુ એટલો જ કે જે કઈક અલગ કરવા માંગતા હોય તે બધી પરિસ્થિતી ને અલગ રીતે જ જોવે છે.વ્યાપારિક દ્રષ્ટિ સામાન્ય લોકો કરતાં અલગ જ હોય છે.

Opportunity Is Very Important In Our Life…..

February 24th, 2024

તમારા જેવા સપના, ઈચ્છા અને મહત્વકાંક્ષા ધરાવતા લોકો સાથે રહો તે લોકો તમને આગળ વધવામાં તથા જીવનમાં સફળ થવામાં મદદરૂપ થશે”. તક આપણને સામેથી ક્યારેય મળતી હોતી નથી. આપણે એને ઇચ્છિત પરિણામ અનુસાર ઉભી કરવી પડે છે. ધારો કે તમને લાગતું હોય કે તમારા નક્કી કરેલા સ્થાને પહોંચવા માટે તમારે વધુ અભ્યાસની જરૂર છે એટલે કે નવું કૌશલ્ય નવી સ્કિલ મેળવવા માટે તમારે હજુ વધુ શીખવાની જરૂર છે. આજના સમયમાં તમારે હજારો રૂપિયા અને ડોલર ખર્ચવાની જરૂર નથી. જ્ઞાન મેળવવા માટેના દરવાજા દરેક માટે ખુલ્લા છે. ખરેખર તો આજના સમયમાં અને ડિજિટલ યુગમાં જ્ઞાન તમારા દરવાજે ટકોરા દઇ રહયુ છે. તમે એનો ઉપયોગ કરો અથવા કંઈ પણ કર્યા વિના એના અસ્તિત્વનો સ્વીકાર કરો. આજના સમયમાં સૌથી સારી વાત એ છે કે તમે પૂરતી તક, જ્ઞાન કે સંશોધનોની ઉપલબ્ધતા ન હોવાના બહાના નહીં કરી શકો. હા આ ડિજિટલ યુગમાં, તમે અત્યારે ગમે ત્યાં હો ત્યાંથી પણ ગમે તે કરી શકો છો. સ્થળનું કોઈ મહત્વ નથી. આપણામાંથી ઘણા બધા લોકો કહેવાતા દુર્ભાગ્ય અને નાણાકીય અ ભાવને સફળતાનો મોટો અવરોધ માને છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ સફળતા કોઈનો ઈજારો નથી. આજે એવું કંઈ નથી જે તમને આગળ વધતા રોકી શકે. જો તમારામાં સારું શિક્ષણ અને કૌશલ્ય મેળવવાની ક્ષમતા હશે તો કોઈપણ બાબત તમને રોકી નહીં શકે. કોઈપણ સંજોગોમાં જ્ઞાનની તાકાતને ઓછી આંકવાની ભૂલ કરશો નહીં.

દિન વિશેષ: આજે મહા સુદ એકાદશી, રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક સંતશ્રી ભાણસાહેબની જન્મ જયંતી

February 20th, 2024

“ભાણ કહે ભટકીશ મા, મથી જોને માંહ્ય
સમજીને સુઈ રહે તો, કરવુ પડે નહી કાઈ”
ગુજરાતના મધ્યકાલીન લોકસંત. ભાણ એમનું નામ અને ‘સાહેબ’ એમની પદવી. ‘સાહેબ’ પદ કબીર પરંપરાની ખાસ ઓળખરૂપ છે. ગુજરાતમાં કબીર સંપ્રદાયના બે પંથ ચાલ્યા : સતકબીરિયા અને રામકબીરિયા. ભાણ રામકબીરિયા પંથના હતા. ભાણ ગુજરાતમાં કબીર સંપ્રદાયના આદ્યસ્થાપક અને પ્રવર્તક ગણાય છે. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે.
ભાણસાહેબનું મૂળ વતન વારાહી. પિતા કલ્યાણ ભગત અને માતા અંબાબાઈ. જ્ઞાતિએ લોહાણા ઠક્કર. વેપારધંધાર્થે વારાહી છોડી કિંખલોડ આવી વસેલા. ભાણને જન્મની સાથે બે દાંત ઊગેલા. તેઓ દત્તનો અવતાર પણ ગણાય છે. સૂર્ય જેવી કાંતિ જોઈ કોઈ સિદ્ધે ભાણ નામ પાડેલું. સંતસેવા અને ભક્તિપરાયણ કલ્યાણ ભગતને દુરમતિ લોકોએ અને કાંઠાગાળાના ચોરધારાળાઓએ કનડેલા. આથી મૂળ વતન વારાહી પાછા આવેલા. 26 વર્ષની ઉંમરે ભાણબાઈ સાથે ભાણનું લગ્ન. ગૃહસ્થજીવનની સાથે ઈશ્વરભક્તિ અને જનસેવાના ભેખધારી.
ભાણસાહેબના ગુરુ કોણ તે નિશ્ચિત થતું નથી. પરંતુ આંબો છઠ્ઠો સંભવત: ખષ્ટમદાસ એમના ગુરુ હોવાનું મનાય છે. ખષ્ટમદાસ એ કબીરના શિષ્ય અને રામકબીરિયા શાખાના પ્રવર્તક પદ્મનાભના પાંચમી પેઢીએ આવતા શિષ્ય. પદ્મનાભ કાઠિયાવાડ આવ્યાનું મનાય છે. ગુરુ-શિષ્ય પરંપરામાં ગુરુમહિમા એ પ્રભુમહિમા જેટલો જ મોટો હોય છે. પદોનાં નામચરણમાં ગુરુના નામનો ઉલ્લેખ અવશ્ય હોય. પરંતુ ભાણસાહેબના જે સત્તર જેટલાં પદ મળે છે તેમાં ગુરુના નામનો ઉલ્લેખ નથી.
ભાણસાહેબ પરિભ્રમણ કરતા કરતા કમિજળા ખાતે પોતાના એક શિષ્ય મેપા ભરવાડને ખોરડે ગયેલા. મેપો ઢોર ચરાવવા ગયેલો. ભાણ રોકાયા નહિ. મેપો ખોરડે આવ્યો ને ખબર પડી એટલે ભાણની પાછળ દોડ્યો. હરખથી ઘેલા થયેલા ભોળા ભરવાડે દૂરથી ભાણને જોયા, સાદ કર્યો અને કહ્યું કે ‘ડગલું ભરો તો રામદુવાઈ’. રામદુવાઈ પડતાં ભાણ એ જ ક્ષણે ઘોડી ઉપરથી ઊતરી જમીન પર સ્થિર થઈ ગયા. આ તો રામદુવાઈ. ન એક ડગલું આગળ ભરાય, ન એક ડગલું પાછળ ભરાય. ભાણસાહેબે કમિજળા ગામની પાદરે આ સ્થળે સમાધિ લીધી. ભાણસાહેબ ઘોડી ઉપર સવાર થઈ દેશાટન કરતા. ઘોડી ઉપરાંત સાથે એક કૂતરી પણ રહેતી. કહેવાય છે કે ભાણસાહેબની સમાધિ ગોડવામાં આવી ત્યારે તેમાં પ્રથમ તેમની ઘોડી પડી અને શાંત થઈ ગઈ. બીજી સમાધિ ગોડવામાં આવી તો તેમાં કૂતરી પડી અને શાંત થઈ ગઈ. ત્રીજી સમાધિ ભાણસાહેબે લીધી. કમિજળા ગામને પાદરે આજે ત્રણેય સમાધિ છે.
ભાણસાહેબ રામરટણ અને એક નિરંજન નામની ધૂનને વરેલા ભજનાનંદી સંત હતા. એકાંતે બેસીને સાધના કરનારા સાધુ ન હતા, લોકોની વચ્ચે જઈને વસતિ ચેતાવનારા પરિવ્રાજક આચાર્ય હતા. ગામડે ગામડે અને ઘેર ઘેર ફરીને ભજન અને સંતસંગની સુધા રેલાવી. તેઓ એમની નિર્મળ પ્રભુભક્તિ, ઉચ્ચ આચાર, કુળ, જાતિ, ધર્મ આદિની સંકુચિતતાથી મુક્ત એવી દૃષ્ટિની વિશાળતા, શીલમય ગૃહસ્થ જીવન, ત્યાગમય સેવાપરાયણતાને લઈને લોકહૃદયમાં છવાઈ ગયા. એમનાં તેજ અને પ્રભાવથી આકર્ષાઈને એમની પાસે ભક્તોનાં ટોળેટોળાં ઉભરાતાં.
ગુજરાતમાં આ આધ્યાત્મિક ક્રાંતિનો સીધો પડઘો સવિશેષ રીતે ભાણસાહેબ અને તેમની સંતપરંપરાએ ઝીલ્યો. એટલું જ નહીં ભાણની સરદારી હેઠળ ભેખધારી અને સેવાવ્રતી સંતોની એમાંથી ફોજ તૈયાર થઈ. આ ફોજ, વસ્તી ચેતાવવાની અદમ્ય ભાવના સાથે મિશનરી ધગશથી આખું ગુજરાત ઘૂમી વળી. ઊંચનીચના, કુલજાતિ, ધર્મસંપ્રદાયના ભેદભાવથી પર એવી અભેદદૃષ્ટિ, અંત્યજ ગણાતા નીચલા થરના લોકોનો સ્વીકાર અને સમાદર, ત્યાગમય સેવાપરાયણતા, ગામડે ગામડે અને ઘરેઘરે ફરી જનહૃદયમાં ભજનસત્સંગ, ઉપદેશ દ્વારા સદાચાર અને ભક્તિભાવના સિંચનની નૂતન વિચારધારા અને ઉચ્ચ આચારપ્રણાલી દ્વારા આ સંપ્રદાય વીજળીક લોકાદર પામ્યો. આ સંપ્રદાયે ઊંચી કોટીના તેજસ્વી સંતોની અમૂલ્ય ભેટ આપી છે. એમાં પણ આ સંપ્રદાય થકી સમાજના અંત્યજ ગણાતા નીચલા થરમાંથી જે સંતરત્નો મળ્યાં, એકસામટાં મોટી સંખ્યામાં મળ્યાં, એથીય આગળ વધીને કહીએ તો એક આખી પરંપરાના રૂપમાં મળ્યાં એ ગુજરાતના આધ્યાત્મિક ઇતિહાસનું અપૂર્વ સુવર્ણપૃષ્ઠ છે. આ સંપ્રદાય થકી રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસી જીવણ, દાસ હોથી સુમરા જેવા અનેક શ્રેષ્ઠ સંતો આપણને મળ્યા.
ગુજરાતમાં રવિભાણ સંપ્રદાયના મુખ્ય ચાર સ્થાનકો સુપ્રસિદ્ધ છે : (1) શેરખી : આ જગ્યા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના શેરખી ગામે છે. સંપ્રદાયની આ પ્રથમ બંધાયેલી જગ્યા ભાણસાહેબે તે ઈ.સ. 1724 (સંવત 1780) માં બાંધેલી. (2) કમિજળા : આ જગ્યા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમિજળા ગામે આવેલી છે. ભાણસાહેબનું આ સમાધિસ્થાન છે. આ સ્થળે ભાણસાહેબે સમાધિ લીધેલી. (3) રાપર : આ જગ્યા કચ્છ જિલ્લામાં રાપર તાલુકા મથકે આવેલી છે. ભાણસાહેબના બુંદપુત્ર ખીમસાહેબે ઈ. સ. 1781 (સંવત 1837) માં બાંધેલી. આ જગ્યા ‘દરિયાસ્થાન’ તરીકે પણ ઓળખાય છે. (4) ખંભાળિયા : જામનગર જિલ્લામાં ખંભાળિયા ગામે આ જગ્યા છે. તે મોરાર ખંભાલિડા તરીકે પણ જાણીતી છે. ઈ. સ. 1776 (સંવત 1832) માં મોરારસાહેબે આ જગ્યા બાંધેલી.
(સંદર્ભ: રવિભાણ સંપ્રદાય, ગુજરાતી વિશ્વકોશ, દલપત પઢીયાર)

મલ્ટીપલ બિઝનેસ

February 11th, 2024

મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે?   એની શ્રેણી માં આગળ ના ભાગ માં  આપણે જોયું કે  બિઝનેસ માં ઇકોનોમિક પ્રોબ્લેમ્સનો ટાઇમ હોય ત્યારે કઈ રીતે બિઝનેસ ચલાવો ,કઈ રીતે પ્રોજેકટ પસંદ કરવા . હવે થોડું આગળ વધીએ અને જોઈએ કે જેમ જેમ બિઝનેસ માં આગળ વધશું તેમ તેમ અનુભવ વધશે અને આપણે ઉત્તમ બનીશું.

EXPERIENCE IS THE BEST TEACHER

જયારે આપણે કોઈ કામ પહેલી વા૨ ક૨તા હોઈએ ત્યારે એના વિશે કશું જાણતા નથી હોતા અને થોડા નર્વસ પણ હોઈએ છીએ. પરંતુ એ જ કામને જ્યારે બીજી વાર કરીએ છીએ ત્યારે એ ક૨વા આત્મવિશ્વાસ વધુ હોય છે અને એ કામ વિશે પણ આપણે થોડુંઘણું જાણતા હોઈએ છીએ એટલે પહેલી વખતની સરખામણીમાં બીજી વખત ભૂલો થવાના ચાન્સ ઓછા હોય છે. જ્યારે તમે એ જ કામને ત્રીજી વા૨ કરો છો ત્યારે એથી પણ વધુ સારી રીતે કરી શકો છો. આમ ચોથી કે પાંચમી વા૨ એ જ કામ કરો છો તો તમે એમાં નિપુણતા હાંસલ કરો છો. Serial entrepreneur બનવું એ પણ આના જેવું જ છે. બિઝનેસમાં ક્લાયન્ટ્સનું ટ્રસ્ટ-ફૅક્ટર તેમને એક કંપની તરીકે તમે આપેલા અનુભવ પર જ આધાર રાખે છે. અનુભવ મેળવવા માટે તમારે કેટલાક સાહસિક નિર્ણયો લેવા પડે છે. હા, કદાચ તમે નિષ્ફળ પણ જઈ શકો છો, પરંતુ નિષ્ફળતાથી તમે અનુભવી બનશો અને ભવિષ્યમાં તમે સફળતાનો સ્વાદ પણ ચાખી શકશો.

હું જેટલા બિઝનેસસાહસિક ને મળ્યો છું એમાંથી મોટા ભાગના નવયુવાન જ છે. તેઓ સફળ બિઝનેસ ચલાવી રહયા છે , તેઓ કઈ direct જ સફળ નથી થઈ ગયા તેમની સફળતાનું એક કારણ એ પણ છે કે તેમણે જીવનમાં ઉતાર-ચડાવ જોયા છે અને એના અનુભવમાંથી કંઈ ને કંઈ શીખ્યા છે. આ રીતે તેમણે પોતાના માટે વિશ્વાસ ઊભો કર્યો છે.

જેમ જેમ તમારા બિઝનેસ વધતા જશે અને તમે સફળતા પ્રાપ્ત કરતા જશો એમ-એમ તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થતો જશે અને આ જ આત્મવિશ્વાસ તમારા બિઝનેસને આગળ ધપાવવા માટે જરૂરી પેટ્રોલ પૂરું પાડશે. તમારા બિઝનેસ-ગ્રોથ સાથે તમે વધુ ને વધુ જ્ઞાની બનતા જશો. અને તમારી બ્રેન્ડ પણ વધુ ને વધુ ખ્યાતનામ થતી જશે. અંતે આ બધાં પરિબળો જ તમને એક સફળ બિઝનેસમૅન બનાવશે.

અનુભવથી વિશ્વાસનો જન્મ થાય છે, પરંતુ જ્યાં સુધી તમે ખુદ એ કામ ન કરો ત્યાં સુધી તમને અનુભવ થતો નથી. તમે નિષ્ફળ જઈ શકો છો. નિષ્ફળતાથી ડરવાને બદલે તેનો સામનો કરવા માટે તૈયાર રેહવું જોઈએ, કારણ કે તમે અનુભવથી કીમતી પાઠ અવશ્ય શીખ્યા છો જે તમારામાં અતૂટ વિશ્વાસ નો સંચય કરશે અને નિષ્ફળતામાં પણ કેવી રીતે ટકી રેહવું એ સમજાશે.તમે એવું વિચરશો કે સફળતા જ મળવી જોઈએ બિઝનેસ માં તો એ હકારાત્મક અભિગમ સારો છે પણ સાથે સાથે એ માટે પણ તૈયાર રેહવું જોઈએ કે બધો સમય સરખો નથી હોતો , બિઝનેસ છે તો તેજી – મંદી રેહવાની જ છે પણ આપણે સ્થિર રેહવાનુ છે .મંદી આવે તો નાસીપાસ થવાના ને બદલે એવો માર્ગ શોધવો કે મંદી ય આપણાં બિઝનેસ ને વધુ ઇફેક્ટ ના કરે.અત્યાર ના લોકો માં સહનશક્તિ ,ધીરજ ,આત્મવિશ્વાસ જેવું ઓછું રહ્યું છે ,કોઈ એક બિઝનેસ ચાલુ કર્યો ના ચાલ્યો તો મેહનત કરવા કે ધીરજ ધરવા ને બદલે બીજો બિઝનેસ ચાલુ કરશે એ પણ ઉધાર પૈસા લઈ ને પછી આમ ને આમ આગળ ચલાવશે પછી ઘણી વાર તો લોકો આત્મહત્યા જેવુ અવિચારી પગલું ય ભરે છે. પણ એ નથી વિચારતા કે કોઈ એક બિઝનેસ ચાલુ કયો તો એને પૂરતો ટાઇમ,full મેહનત ,ધીરજ જોઈએ તરત સફળતા ના મળે જેમ જેમ કામ કરશો તેમ તેમ અનુભવ ની સાથે સફળતા ય મળશે.

સાસુ-વહુ ની કુંડળી
મેળવાની જરૂર છે

February 11th, 2024

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે રોજ રોજ રસ્તા પર કે મોહલ્લા કે શેરીમાં ભાતભાતના વાજિંત્રો સાથે તથા કાનના પડદા ફાડી નાખે અને ઢોલ શરણાઈની પ્રથાને જેણે નામશેષ કરી નાખી એવા ડીજેના સથવારે નીકળતા વરઘોડાને જોઈ આશ્ચર્ય થાય છે વરઘોડામાં નાચતા જાનૈયાને વળી એટલી તો‌ શું ખુશી હોય છે કે તે ભરી બજારમાં હજારો લોકોની સામે‌ મન મૂકીને નાચવા લાગે છે આ પ્રશ્ન નું રમુજી મનોમંથન કરતાં જણાયુ કે પરેણેલા એવુ ઈચ્છે છે કે ચાલો અમારી બિરાદરી માં એક વધ્યો અને કુંવારા એટલે નાચે છે કે તેનો ડિસ્કો વળી કોઈ ને પસંદ આવી જાય ને તેનું ગોઠવાઈ જાય પણ તેને કોણ સમજાવે કે કુદરતે જ્યાં લખ્યું હો અને જ્યારે લખ્યું હોય ત્યાં જ આપણું સગપણ થતું હોય છે કોઈના વરઘોડામાં ડિસ્કો કરવાથી આપણું ગોઠવાઈ જાય એ એક વહેમ છે તો પછી ઈશ્વરે ગોઠવેલ આ ચક્રને કોઈ માને જ નહીં તિથિ મુરત કુંડલી દોષો આ બધું એક સુખી દાંપત્ય જીવન માટે ખૂબ જરૂરી છે ત્યારે લગ્ન પછીના દાંપત્ય જીવનમાં આવતા અમુક પ્રશ્નો અમુક મૂંઝવણો અને અમુક સમસ્યાઓની અહીં આપણે ચર્ચા કરવી છે.
આપણે ત્યાં એક પૌરાણિક રિવાજ છે દીકરા કે દીકરીના લગ્નની વાત મંડાય મંડાઈ છે ત્યારથી એકબીજા ના સામેના પાત્રની કુંડળીઓ નો મેળ કેવો છે એની ખૂબ જ ગુઢતા થી તપાસ શરૂ થતી હોય છે. અને હોવી પણ જરૂરી છે કારણ કે કોઈ માતા પિતા એવું નથી ઇચ્છતા હોતા કે તેમની દીકરી કે દીકરો લગ્ન પછી હેરાન થાય પરેશાન થાય અને એટલા જ માટે બંને દીકરા દીકરાઓની કુંડળીઓનો મેળાપ મેળવે છે પરંતુ મહત્વ ની વાત એ છે કે આપણે એવા દાખલા જોયા છે એ બધું જ બરાબર હોવા છતાં કુંડળીઓ બરાબર મેચ કરતી હોવા છતાં તેમનું જીવન દાંપત્ય જીવન લગ્ન પછી લાંબુ ચાલતું નથી અને એવા પણ ઘણા દાખલા જોયા છે કે કુંડળીનો ઓછો મેળાપ હોવા છતાં પણ તેમનું લગ્ન પછીનું દાંપત્ય જીવન ખૂબ સારી રીતે ચાલતું હોય છે તો તેનું કારણ શું હોઈ શકે એ વિચારવા જેવી વાત છે. લગ્ન પહેલા છોકરા છોકરીઓ ની કુંડળીઓ મેળાપ થાય તો સારી વાત છે પરંતુ મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે લગ્ન પછી જેમની કુંડળીઓનો મેળ કરેલો છે એમને તો કોઈ પરસ્પર વાંધો જ નથી પરંતુ કોઈ ત્રીજી વ્યક્તિ છે એ આપના દાંપત્યજીવનને ખલેલ પહોંચાડે છે એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે પણ મોટેભાગે એવું જોવામાં આવે છે કે સાસુ અને વહુના ઝઘડાને લીધે જે તે વ્યક્તિના દાંપત્ય જીવનને ખૂબ મોટી અસર પડે છે.
સાસુ અને વહુના ઝઘડા એ આજકાલ ઘરે ઘર જોવા મળે છે અને તેના કારણો પણ અલગ અલગ જોવા મળે છે જેમાં મુખ્યત્વે ઘરકામ વહેચણી બાબતો હોય , પરસ્પર નાની નાની વાતમાં બંને વચ્ચે ખટરાગ પેદા થવાની વાત હોય કે પછી એકબીજાના સ્વભાવને ન ઓળખી શકવાનું કારણ પણ મૂળભૂત ગણાવી શકાય. ઘણીવાર એવું પણ બને છે કે પરણીને આવેલી વહુ ની પાસે સાસુ ને તેમની ક્ષમતા કરતા અથવા તો તેમની લાયકાત કરતા વધુ અપેક્ષા રાખતા હોય છે જેના કારણે એની અપેક્ષાઓ પૂર્ણ ન થતા બંને વચ્ચે પરસ્પર ટકરાર બોલાચાલી કે ઝઘડાઓ થાય છે એવું કહેવાય છે કે જે ઘરમાં સાસુ અને વહુ વચ્ચે માં દીકરી જેવો સંબંધ હોય પરસ્પર એકબીજાને સમજવાની ભાવના હોય કે પરસ્પર એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોય તો તે ઘર સ્વર્ગથી સુંદર કહી શકાય. પણ શું આ સમયમાં આ શક્ય છે ખરું? અરે સો ટકા શક્ય છે કેમ નહીં જ્યારે દુનિયામાં બધું જ શક્ય છે તો આ કેમ નહીં? એની માટે જરૂર છે સાસુ અને વહુ વચ્ચેનું મેનેજમેન્ટ. બંને એકબીજાના સ્વભાવને જાણતા થાય સ્વભાવને અનુરૂપ જીવન જીવતા થાય બંને એકબીજા વચ્ચે કામની વહેંચણી યોગ્યતા અનુસાર કરી લે તો મને નથી લાગતું એ ઘરમાં સાસુ અને વહુના ઝઘડા થાય પરંતુ ખાસ વાત એ છે કે બંને પક્ષે પોતપોતાની મર્યાદામાં રહી ઘર ચલાવવાનું હોય છે બંને ને તેની મર્યાદામાં રહેવું જોઈએ અને વહુએ તેની મર્યાદામાં રહેવું જોઈએ અને વહુએ તેના આ બધું કર્યા છતાં પણ જો સાસુ તેમની ઉંમર પ્રમાણે તેના સ્વભાવ બદલવામાં અસમર્થ જણાય તો વહુએ સાસુના સ્વભાવ સાથે એડજસ્ટ થઈ જવું હાલની બદલતી પરિસ્થિતિ જેમકે ખાનપાન , પહેરવેશ કે વાણી વ્યવહાર જોતા ઘરના વડીલોને અજુગતું લાગે એ સમજી શકાય છે અને તેના લીધે કદાચ રોકટોક કરે પણ ખરા તો વડીલ તરીકેની તેમની આજ્ઞાની માની આપણે તેનો સહર્ષ સ્વીકાર કરવો નહીં કે તેમને ઉતારી પાડવા કે તેની સાથે ઝઘડો કરવો ટૂંકમાં ઘરમાં શાંતિ સ્થાપિત કરવા માટે ગમે તે એક પક્ષે સહન કરવું જરૂરી છે માટે વહુ ને મોટા ભાગનો સમય ઘરમાં સાસુની સાથે જ વિતાવવાનો હોય છે તો કેમ નહીં હવે તેમની કુંડળીઓ મેળવવામાં આવે કે તેમને પરસ્પર મેળ થશે કે નહીં એ જોવામાં આવે!

વ્હાલા વાચકો સાસુ અને વહુની કુંડળી મેળવવાની વાત તો એક રમુજી વાત છે પણ તેની પાછળ બહુ મોટું લોજીક સમાયેલું છે કે ઘર મા થતા સાસુ વહુ ના ઝઘડા ને ઓછા કરવા અથવા ઘર ને સારી રીતે ચલાવવા માટે સાસુ વહુ વચ્ચે પરસ્પર સહમતી હોવી ખૂબ જરૂરી છે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જે રીતે લગ્ન પહેલા દીકરાને દીકરીઓની કુંડળી મેળવીને આપણે એ ચેક કરીએ છીએ કે લગ્ન પછી જીવન કેવું હશે તો સાથે સાથે આપણે એક વડીલ તરીકે આપણા ઘરમાં આવેલી દીકરીને પણ સાચવીએ તેનું ધ્યાન રાખીએ તેમના સ્વભાવને અનુકૂળ આપણે જીવન જીવીએ જરૂર પડે ત્યારે તેને સલાહ પણ આપીએ અને માં ની હુંફ પણ આપીએ પરસ્પર એકબીજાને એડજસ્ટ કરી લેવાથી મને લાગે છે કે સાસુ વહુના ઝઘડા ક્યારેય કોઈ ઘરમાં નહીં થાય અને કાયમની માટે સૌના ઘર સ્વર્ગથી પણ સુંદર બનશે અને ક્યારેક કોઈ ના દાંપત્ય જીવન બગડશે નહિ જેનો મને પૂર્ણ વિશ્વાસ છે.

જ્યાં જાવ ત્યાં સત્કાર મેળવવાની ચાવી

February 11th, 2024

મોબાઈલ પર ની વાતચીતમાં કયો શબ્દ વારંવાર વપરાય છે તેની ન્યૂયોર્કની ટેલીફોન કંપનીએ બારીક તપાસ કરી હતી. તમે સમજી શક્યા હશો કે વાતચીતમાં સૌથી વધારે ઉપયોગ પ્રથમ પુરુષ સર્વનામ હું કેપિટલ I નો થાય છે. હું…હું અને હું. જે ગ્રુપ ફોટોગ્રાફમાં તમારી છબી હોય તે ફોટોગ્રાફ જોતા તમને પહેલી નજર તમારી છબી પર જ જાય છે ને? એ જ બતાવે છે કે દુનિયામાં દરેક જણ પોતાનામાં જ રસ લે છે. તમે એમ જો સમજતા હોય કે લોકો તમારામાં રસ લે છે એ વાત બિલકુલ ખોટી છે. તમે અને હું જાણીએ છીએ કે લોકો બીજા લોકોને પોતાના સ્વાર્થમાં રસ લેતા કરવાના ખાલી વલખા માર્યા કરે છે તેમ કરવાથી કંઈ વળતું નથી લોકોને તમારામાં કે મારામાં રસ નથી. સવાર બપોર કે સાંજ લોકો પોતાના જ સ્વાર્થના વિચારમાં ગુલતાન રહેતા હોય છે. હા, તમારી પાસે કોઈ કામ કઢાવવું હોય ત્યારે તમને એવું લાગતું હોય છે કે એ લોકો તમારામાં ખૂબ રસ લે છે. મિત્રો બનાવવા હોય તો આપણે લોકોને આનંદ અને ઉત્સાહથી આવકાર આપવો જોઈએ. જ્યારે મોબાઈલ પર વાત કરીએ ત્યારે Hello શબ્દ પણ એવી રીતે ઉચ્ચારવો જોઈએ કે જેથી તમને સામા માણસ સાથે વાત કરતા આનંદ થયો છે એવો સામા વ્યક્તિને ભાસ થાય. ન્યૂયોર્ક ની ટેલીફોન કંપની પોતાના ઓપરેટરોને તાલીમ આપવાની પાઠશાળા ચલાવે છે. જેમાં નંબર પ્લીઝ એવા સ્વરથી બોલવાની તાલીમ આપવામાં આવે છે. જેથી કરીને ગ્રાહક એમ સમજે કે તેને આવકાર આપવામાં આવે છે. તમે પણ આવતીકાલથી ટેલિફોન પર આવા જ સ્વરથી વાત કરવાનો નિયમ રાખજો. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ત્રણટર્મ સુધી સળંગ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. અને છેલ્લા દસ વર્ષથી ભારતના પ્રધાનમંત્રી છે તેનું રહસ્ય શું? શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નાનામાં નાના વ્યક્તિની વાતને ધ્યાનથી સાંભળતા હોય છે અને તેમાં રસ લેતા હોય છે. તેથી જ તેઓ અડીખમ ભારતના અડીખમ પ્રધાનમંત્રી છે.

કેન્સર એટલે કેન્સલ નહિ…!

February 11th, 2024

૪ ફેબ્રુઆરીએ દુનિયાના દેશોએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી. તો આ જ સંદર્ભે આજે આપણે વાત કરીશું, કેન્સર એટલે શું?, ભારતમાં કેન્સરના કેસોની સ્થિતિ, કેન્સર થવાના કારણો અને કેન્સરના જોખમને કેવી રીતે ઘટાડી શકાય તે વિશે.

કેન્સરની બિમારીનો ફેલાવો રોકવાનાં પગલાં, વહેલું નિદાન, કેન્સરની ગુણવત્તાયુક્ત સારવાર અને અસાધ્ય સ્થિતિમાં દર્દીને પીડામુક્ત જીવન જીવવા માટેની સારસંભાળ વગેરે વિષે જાગૃત કરવાના હેતુથી દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે “Close the Care Gap: Every Deserves Deserves to Cancer Care”. આ થીમની મદદથી કેન્સરના તમામ દર્દીઓને સરળતાથી સારવાર મેળવવાની તક મળે તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્સર એ રોગો માટે વપરાતો શબ્દ છે જેમાં અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વિભાજીત થાય છે અને અન્ય પેશીઓ પર આક્રમણ કરી શકે છે. કોષો તેમના ડીએનએમાં ખામી અથવા પરિવર્તનના સંચયને કારણે કેન્સરગ્રસ્ત બને છે. કેન્સર શરીરમાં ક્યાંથી શરૂ થાય છે તેના આધારે વ્યાપક રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. કેન્સર કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. તે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં વર્ષ ૨૦૨૨માં કેન્સરના નવા ૧૪.૧ લાખથી વધુ કેસ નોંધાયા હતા અને ૯.૧ લાખ લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. WHO ની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢું અને ફેંફસાનું કેન્સર થાય છે. જ્યારે મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર થાય છે. આ રીસર્ચ અનુસાર કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુ, આલ્કોહોલ, સ્થૂળતા, વાયુ પ્રદૂષણ અને પર્યાવરણીય જોખમ જવાબદાર ગણવામાં આવ્યા છે.

ઝડપથી બદલાઈ રહેલ માનવ જીવનશૈલી કેન્સરના દર્દીઓમાં થઇ રહેલ વધારા માટેનું મુખ્ય પરિબળ છે. ખાસ કરીને યુવાનોમાં ઘરની બહારના ખોરાક, પેકેટ ફૂડ અને જંક ફૂડનું વધી રહેલ સેવન, અનિયમિત દિનચર્યા, શારીરિક શ્રમ અને વ્યાયામનો અભાવ, તણાવ, તમાકુ, આલ્કોહોલ અને અન્ય કૈફી દ્રવ્યોનું વધી રહેલ સેવન નાની ઉંમરમાં વધી કેન્સર માટેના જવાબદાર પરિબળો ગણી શક્ય. સાથે સાથે પર્યાવરણની જાળવણીનો પ્રશ્ન આજે વિશ્વના તમામ દેશો માટે એક સળગતી સમસ્યા સ્વરૂપે ઉભરી રહ્યો છે. ભૌતિક સુખ સુવિધાઓ પાછળની આંધળી દોટને કારણે માનવજાત જાણતા-અજાણતામાં તેના પોતાના અસ્તિત્વ પર સંકટ ઉભી કરી રહી છે. માણસ ભુલી જાય છે કે આ પૃથ્વી પર માત્ર તેનું જ સ્વતંત્ર અસ્તિત્વ સંભવ નથી. મનુષ્ય સંપૂર્ણ જીવસૃષ્ટિનો એક નાનકડો ભાગ છે અને તેણે બાકીની સજીવસૃષ્ટિ અને કુદરતી તત્વો સાથે સંવાદિતા સાધીને જીવન જીવવાનું છે. પરંતુ આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. માનવ જીવન માટે ખુબ જ જરૂરી કુદરતી સંશાધનો જેવા કે હવા, પાણી, ખોરાક અને જમીનને આપણે અત્યંત પ્રદુષિત કરી દીધા છે. મતલબ કે આપણે જાણતા-અજાણતા પ્રદુષિત જમીન વિસ્તારમાં પ્રદુષિત હવા, પાણી અને ખોરાકનું સેવન કરી કેન્સર જેવી જીવલેણ બીમારીને આમંત્રણ આપી રહ્યા છીએ.

કેન્સરથી ડરવાની જરૂર નથી પરંતુ જાગૃત રહેવાની જરૂર છે. નિયમિત મેડિકલ ચેક-અપ અને શરીરમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો પોતાના ડૉક્ટર પાસે જઈને તેનું યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે. બધી ગાંઠ કેન્સરની જ હોય એવું જરૂરી નથી, માટે મનમાં ખોટો ભય પેદા ન થવા દો. પ્રાથમિક તપાસમાં કેન્સરની શક્યતા હોવાનું ધ્યાન પર આવે તો, અન્ય ડૉક્ટર પાસે જઈને બીજો અભિપ્રાય પણ લઈ શકાય છે.
કેન્સર થયું છે એવું માલુમ પડે ત્યાર પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં ખૂબ ફરક પડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિને જ્યારે કેન્સર રોગ થયાની જાણ થાય એટલે મનથી જ હારી જાય છે અને પરિવારજનો પણ અસ્વસ્થ થઈ જાય છે, જે યોગ્ય નથી. આ સ્થિતિમાં આપને એ સમજવું ખૂબ જરૂરી છે કે કેન્સરનો અર્થ કેન્સલ નથી. ચોક્ક્સ કેન્સર થયેલ દર્દી અને પરિવારજનો માટે વાસ્તવિક સ્થિતિને સ્વિકારવી એટલી સહજ નથી હોતી. પરંતુ તે સ્વીકારવું ખૂબ જ અનિવાર્ય હોય છે કે આ સ્થિતિ એ જ વાસ્તવિકતા છે અને હવે પછીની પ્રત્યેક ક્ષણ આ રોગને હરાવવા માટેની હોવી જોઈએ. એવા અનેક સફળ કિસ્સાઓ આપણી વચ્ચે છે, જેમાં દર્દી અને પરિજનોના હકારાત્મક અભિગમથી કેન્સરને હરાવી દર્દી ફરીથી તેનું જીવન પૂર્વવત મેળવી શક્યા હોય.

આપણે આપણી વ્યક્તિગત જીવનશૈલીમાં બદલાવ લાવી કેન્સર થવાના જોખમને ઘટાડી શકવામાં કેટલાક અંશે સફળ થઇ શકીએ છીએ. જેમાં નિયમિત પોષણક્ષમ આહાર, નિયમિત વ્યાયામ, તમાકુ, દારૂ કે અન્ય કૈફી દ્રવ્યોથી દુર રહેવું, કેન્સરને લગતી નિયમિત આરોગ્ય તપાસ, તણાવ વ્યવસ્થાપન, પુરતી ઊંઘ લેવી અને પર્યાવરણની જાળવણીને લગતી બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ.

(નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)