ભાવનગરમાં મકાઈની આડમાં દારૂની હેરાફેરી ઝાડપાઈ
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘોઘા ગામે રો-રો ફેરી સર્વિસ રોડ પરથી મકાઈના જથ્થાની આડમાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો લઈને આવી રહેલ રૂવાપરી રોડ પર રહેતા ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે એલસીબી ની ટીમ ઘોઘાગામે પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન રો-રો ફેરી ટર્મિનસ થી ઘોઘાને જોડતા રોડપર કુડાગામના નાકા પાસે ટીમ વોચમા હોય એ દરમ્યાન રો-રો ફેરી સર્વિસ ની શિપમાથી ઉતરેલ એક ટ્રક ને અટકાવી ચાલકને અટકમાં લઈ નામ-સરનામું પુછવા સાથે ટ્રકમાં રહેલ મુદ્દામાલની તલાશી હાથ ધરી હતી.
દરમ્યાન શખ્સે પોતાનું નામ રમેશ ઉર્ફે બાદશાહ તળશી ગોહેલ ઉ.વ.45 રે.મફતનગર સ્ટીલકાષ્ટ ફેકટરી પાસે રૂવાપરી રોડ ભાવનગર વાળો હોવાનું જણાવેલ તથા ટ્રકમાં મરઘાં કે પશુચારા માટે ઉપયોગમાં લેવાતા મકાઈના દાણાના બોરાની આડમાં ઈંગ્લીશ દારૂની નાની-મોટી 140 બોટલ તથા 72 ટીન બિયરના વિના પાસ-પરમિટે મળી આવતા આ અંગે રમેશ ઉર્ફે બાદશાહની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર થી મકાઈના જથ્થા સાથે દારૂ-બિયરનો જથ્થો લીધો હતો અને આ મકાઈનો જથ્થો મહુવામાં કોઈ પોટ્રીફાર્મમા ખાલી કરવાનો હોવાનું જણાવ્યું હતું આથી એલસીબી એ દારૂ-બિયર તથા ટ્રક મળી કુલ રૂ.10,66,130 નો મુદ્દામાલ કબ્જે કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં રમેશ વિરુદ્ધ ગુનો નોંધાવી આરોપી-મુદ્દામાલ સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
