સાણંદ નળસરોવર રોડ પર આવેલા મેલાસણ ગામનાં તળાવમાં મહાકાય અજગર માછલા પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો. જેને જોવા ગામ લોકોનું ટોળું એકઠું થયું હતું. અજગરને કોઈ નુકશાન ન પહોંચાડે તે પહેલા ગામના રહેવાસી રોહિતભાઈ પટેલએ અજગરને જાળમાંથી બચાવી એનિમલ લાઇફ કેરના વિજય ડાભીને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
અજગરના શરીર પર માછલી પકડવાની જાળ લપટેલી હતી તે નીકાળવામાં આવી હતી અને અજગરને વધુ સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યો હતો. વિજય ડાભી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અજગર શિકારની શોધમાં તળાવમાં ગયો હોય માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયો હોવાથી તેનું નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું. વધુ સમય જાળમાં ફસાઈ રહેવાથી અજગરનું મૃત્યુ પણ થઈ શકે છે જેથી આ અજગરને વધુ સારવારની જરૂર હોવાથી ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મેલાસણ ગામે તળાવમાં માછલી પકડવાની જાળમાં અજગર ફસાયો
December 28th, 2024
મટોડા પાટિયા પાસે આઇશરની ટક્કરથી સિક્યુરિટી ગાર્ડનું મોત
December 27th, 2024 સાણંદના મટોડા પાટિયા પાસે રોડની સાઈડમાં ઊભા રહેલા બાવળાના કાણોતર ગામના એક ઈસમને રોડ પર રોંગ સાઈડમાં જતાં આઇશરના ચાલકે અકસ્માત કરતાં તેમનું મોત થયુ હતું. ઘટનાને પગલે ચાંગોદર પોલીસમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બાવળાના કાણોતર ગામમાં પરિવાર સાથે રહેતા ભઈલાલભાઈ ભવાનભાઈ મેર (ઉં.વ.49) સાણંદ તાલુકાનાં નવાપુરા ખાતે અંબિકા પોલ્સ પ્રા.લી. કંપનીમાં પાંચ વર્ષથી સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
ભઈલાલભાઈ સાણંદના મટોડા પાટિયા પાસે રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે એક આઈસર ચાલકે તેનુ વાહન પુરઝડપે સરખેજ- બાવળા હાઈવે રોડ ઉપર ઇન્ડસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામેની સાઈડના રોડ ઉપર રોંગ સાઈડમાં હંકારી ભઈલાલભાઈને હડફેટે લેતાં તેમના માથા અને પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં તેઓનું મોત થયું હતું.
ખીંચા ગામે આરોગ્ય અને પોષણ પર જાગૃતિ સત્ર યોજાયું
December 21st, 2024સાણંદ તાલુકાના ખીચા ગામમાં વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ _VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખિચા સી.એલ.સી. દ્વારા તારીખ 20 ડિસેમ્બરે મહિલાઓ અને વૃદ્ધો અને બાળકો માટે આરોગ્ય અને પોષણ પર જાગૃતિ સત્ર યોજવામાં આવ્યો હતો. જેમાં સી.એલ.સી કોર્ડીનેટર મેહુલ ઝાલા દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
બોળની કંપનીમાંથી 4.10 લાખનો સ્ક્રેપ ભરીને જતી ગાડી પકડાઈ ગઈ
December 20th, 2024સાણંદના બોળ જીઆઈડીસીમાં એક કંપનીએ સ્ક્રેપનો કોન્ટ્રાકર આપ્યા બાદ કોન્ટ્રાકરે તેના ભાઈ અને વેબ્રીજના ઓપરેટર સાથે મળી વજનકાંટામાં છેડછાડ કરી ગાડીમાં ભરેલ સ્ક્રેપનું વજન ઓછું બતાવી રૂ.4.10 લાખનું સ્ક્રેપ લઈ જતા ગાડી પોલીસે પકડતા સમગ્ર ઘટના ખૂલતાં આ અંગે કંપનીના મેનેજરે જીઆઈડીસી પોલીસમાં 5 ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. સાણંદ જી.આઈ.ડી.સીમાં આવેલ ઓટોલાઈન ઇન્ડ્રસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં રાહુલ લક્ષ્મણ ચોરગે જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
આ કંપનીમાં મેન્યુફેક્ચરીંગ આવતા સીટ મેટલ પાર્ટનો સ્ક્રેપ આપવાનો કોન્ટ્રાક્ટ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટર ચેતનકુમાર ઉજમશીભાઈ ઠક્કરને તા.10 ડિસેમ્બરે આપ્યો હતો. આ કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર ગ્લોબલ એન્ટરપ્રાઇઝના માલીક ચેતનકુમારએ તથા તેઓના ભાઈ મહીપતભાઈ ઠક્કર તથા તા. 17 ડિસેમ્બરે સ્ક્રેપ ભરી લઇ જનાર ગાડીના ડ્રાઇવર અશ્વીનભાઈ ઉજમશીભાઈ ઠક્કર, શીવ કોમ્પ્યુટરાઇઝેડ વેબ્રીજના ઓપરેટર ગોવિંદ શરદ જીમાલી તથા કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર રામઅવતાર સાથે મળી કંપનીમાં 15210 કીગ્રા સ્ક્રેપ ભરેલ પરંતુ વજનચીઠ્ઠીમાં 6130 કીગ્રાનું ખોટુ વજન બતાવી કંપની પાસેથી 9080 કીગ્રા સ્ક્રેપ વધારે લઇ જતાં રૂ.4,10,416નો મુદ્દામાલ લઇ કંપની સાથે વિશ્વાસઘાત કરતાં સમગ્ર બનાવ અંગે કંપનીના મેનેજરે જીઆઈડીસી પોલીસમાં અશ્વીન ઉજમશીભાઈ, ચેતન ઉજમશીભાઈ, મહીપત સુરેશભાઈ (ત્રણેય ઠક્કર રહે. ચરલ ગામ) અને શીવ કોમ્પ્યુટરાઇઝેડ વેબ્રીજના ઓપરેટર ગોવિંદ શરદ જીમાલી (રહે.બોળ) , રામઅવતાર વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી.
સાણંદના સરી પાટિયા પાસે હિટએન્ડ રન : એકનું મોત, વાહન ચાલક નાસી ગયો
December 15th, 2024સાણંદના સરી ગામ પાસે હાઇવે ક્રોસ કરતાં એક ઈસમને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી નાસી ગયો હતો, ઈસમને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર કમકામટી ભર્યું મોત થયું હતું.
મૂળ આણંદના ખંભાત તાલુકાના વરણેજ ગામના રહેવાસી 46 વર્ષીય દેવાભાઈ ડાહ્યાભાઈ વણકર સાણંદના સરી પાસે એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા, દેવાભાઈ સરી પાસે ક્રિસ્ટના કાઠીયાવાડી હોટલ સામે બાવળા થી સરખેજ હાઈવે રોડ ક્રોસ કરતા હતા, તે વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્સિડન્ટ કરી ફરાર થયો હતો જેમાં દેવાભાઈને શરીરે ગંભીર ઇજાને લીધે મોત થયું હતુ. હસમુખભાઈ વણકરએ ચાંગોદર પોલીસમાં ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સાણંદના લોદરીયાળ પાસે ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ટક્કર મારતા મોડાસર ગામની મહિલાનું મોત
December 15th, 2024બાવળા સાણંદ રોડ પર રોંગ સાઈડમાં જતાં કોઈ ટ્રેક્ટર ચાલકે લોદરિયાળ પાટિયા પાસે મોડાસર તરફ જતી કે પેસેંજર રિક્ષાને ટક્કર મારી નાસી ગયો હતો, રિક્ષામાં બેઠેલે એક ઈસમ અને એક મહિલાને ઇજા પહોંચી હતી, મોડાસર ગામના ગીતાબેન હમીરભાઈ કબીરાને ગંભીર ઇજાઓ થતાં બોપલની એક હોસ્પિટલમાં મોત થયું હતું ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરી તપાસ તજવીજ શરૂ કરી છે. મૃતક મહિલા બાવળા નોકરી પરથી પરત ઘરે જતાં હતા ત્યારે અકસ્માત થયો હતો.

મખિયાવ ગામે માલેશ્વર મહાદેવજીના મંદિરનો શિલાન્યાસ
December 14th, 2024સાણંદ તાલુકાના મખીયાવ ગામ ખાતે માલેશ્વર તળાવના કિનારે આવેલ અક્ષયકિર્તીમાન કુંવર માલદેવસિંહજી મહારાજના સ્મરણાર્થે બનેલ પૌરાણિક દેવાધિદેવ મહાદેવના મંદિરના જીર્ણોદ્વાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ગાંગડ ઠાકોર સાહેબ મહારાણા રઘુવીરસિંહજી વાઘેલા,સાણંદ ઠા.સા..મહારાણા ધ્રુવસિંહજી વાઘેલા તેમજ ગાંગડ યુવરાજ ભારદ્વાજસિંહજી વાઘેલા,મખીયાવથી યુવરાજસિંહજી વાઘેલા,સાણંદ તાલુકાના અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા(બકરાણા),સમાજના અગ્રણી નટુભા વાઘેલા(ગોધાવી),ધર્મરાજસિંહ વાઘેલા(છબાસર) તેમજ સાણંદ,બાવળા, ધોળકા વિરમગામથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ચાચરાવાડી વાસણા ગામે મંદિરમાં 3 ચોરે દાન પેટી તોડી
અહેવાલ | ગોપાલ મકવાણા (મટોડા)
November 23rd, 2024
સાણંદના ચાચરાવાડી વાસણા ગામના મંદિરમાં ચોરોએ દાન પેટી તોડી 12 હજાર જેટલા રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા, ચોરીની ઘટનાનો CCTVનો વિડીયો હાલ સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સાણંદના ચાચરાવાડી વાસણા ગામ નજીક ખોડીયાર માતાજીના મંદિરે ગત બુધવારે રાત્રે મંદિરમાં 3 ચોરે દાન પેટી તોડી તોડી રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના મામલે ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે.
અમિતભાઈ શાહના હસ્તે શેલામાં પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને પબ્લિક પાર્કનું લોકાર્પણ
November 20th, 2024કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના શેલા ગામ ખાતે નિર્મિત પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા તળાવ અને પબ્લિક પાર્કની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુલાકાત લીધી હતી.

તળાવના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે અમિતભાઈ શાહ તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ કિરીટસિંહ વાઘેલા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તળાવના આકર્ષણો
જિલ્લા વહીવટી તંત્ર, AUDA કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સ્બિલિટી (CSR) અંતર્ગત UPL કંપનીના સહયોગથી તળાવનું બ્યૂટિફિકેશન કરવામાં આવ્યું છે. આ તળાવ 8.2 હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં વૉકવે, પાર્કિંગ, એન્ટ્રી ગેટ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથોસાથ લોન તથા વૃક્ષોનું વાવેતર કરીને આસપાસનો વિસ્તાર રમણીય બનાવવામાં આવ્યો છે. નાગરિકોના મનોરંજન માટે પબ્લિક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. અંદાજિત 14,000 ચોરસ મીટરમાં વિસ્તરેલા આ પાર્કમાં લગભગ 40 ચોરસ મીટરના સ્ટેજ સાથે ઓપન થિયેટર, સીસી વૉકવેઝ, પાર્કિંગ, રેમ્પ અને રેલિંગ સાથે પ્રવેશ દ્વાર, સર્વિસ ગેટ, પેનલ કમ સિક્યુરિટી રૂમ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે.

ડરણ ગામે વાડામાં ભેંસ આવવા દેવા જેવી બાબતે મારામારી
November 13th, 2024 સાણંદ બાવળાના ડરણ ગામે ભેસ બાબતે એક જ ફળિયાના બે લોકો વચ્ચે મારામારી થતા સમગ્ર મામલે ચાંગોદર પોલીસમાં સામ સામે ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદના ડરણ ગામે ભરવાડ વાસમાં રહેતા સેંધાભાઈ જીવણભાઈ ભરવાડને ગામના જેતાભાઈ કરમણભાઈએ અમારા વાડામાં ભેસ કેમ આવવા દીધી તેમ કહી ગાળો આપી સેંધાભાઈને ગરદનના ભાગે લાકડી મારી દઈ ત્યારબાદ લક્ષ્મણભાઈ જેતાભાઈ ભરવાડએ સેંધાભાઈને માથાના ભાગે લાકડી મારી હતી અને સેંધાભાઈની પત્ની સોનલબેન છોડાવવા વચ્ચે પડતા લાધીબેન જેતાભાઈ ભરવાડએ સોનલને બરડાના ભાગે પાવડો માર્યો હતો.
બીજી તરફ જેતાભાઇ કરમણભાઈ ભરવાડે ચાંગોદર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ સેંધાભાઈ જીવણભાઈ ભરવાડને ભેસો છુટ્ટી નહિ મુકવા બાબતે સમજાવવા જતા સેંધાભાઈએ ગાળો આપી હતી અને જેતાભાઇ ઘરે ચાલી નીકળેલ તે વખતે સેંધાભાઈ અને જીવણભાઈ બન્ને જેતાભાઇ પાછળ દોડી જીવણભાઈએ માથાના પાછળના ભાગે ખોળી વાળી લાકડી મારતા જેતાભાઇ નીચે પડી જતા લક્ષ્મણ છોડાવવા માટે વચ્ચે પડતા સેંધાભાઈ એ ડાબા હાથની કોણી ઉપર લાકડી મારી ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં બંનેને ઇજાઓ થઈ હતી.
