શ્રીકૃષ્ણ વિષે ઘણું લખાયું અને કહેવાયું છે. તેમની લાક્ષણિકતાઓ મુજબ તેમને અનેક નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેમને પ્રખર રાજનીતિજ્ઞ તો કોઈ તેમને મેનેજમેન્ટ ગુરૂ તરીકે પણ મુલવે છે. ધાર્મિક આસ્થા રાખનાર તેમના ભક્તિયોગને તો કર્મમાં માનનાર તેમના કર્મયોગને અનુસરે છે. પણ આજે આપણે એવા કૃષ્ણની વાત કરવી છે જે જન સામાન્યના હ્રદયમાં વસેલ છે. જે લોકભોગ્ય છે. જે લોક નજરે ગુઢ જ્ઞાનની પરે છે. આજે આપણે જાણવો અને માણવો છે માખણચોર બાળ ગોપાલને, ગોવાળિયાના કાનને, ગોપીના કાનને, રાધાના શ્યામને અને મુરલી મનોહર શ્યામને…!
કૃષ્ણ જીવનના વિવિધ તબક્કાઓને સામાન્ય જન સમુદાયના જીવન સાથે સરખાવીએ તો ઘણી સામ્યતાઓ ઊડીને આંખે વળગે છે. જે રીતે બાળ સ્વરૂપ નટખટ કાનુડો આસપાસના ઘરોમાં જઈને માખણચોરી કરતો તેવી જ રીતે આપણી આસપાસના બાળકોને પણ મોટાભાગે આડોસી-પાડોશીઓના ઘરે જ ખાવાનું ખાતા શીખતા હોય છે. જે રીતે લોક સમુદાયમાં બાળકોની ટોળકી ભેગી થઇ ધીંગામસ્તી કરતી જોવા મળે છે તે જ રીતે બાળ કૃષ્ણ પણ નિખાલસ ભાવે તેમના મિત્રો સાથે ગેડી દડો રમવા કે ગાયો ચારવા નીકળી પડતા. કૃષ્ણ અને જન સમુદાયના જીવનની આ સહજ સામ્યતાના કારણે જ કદાચ બાળપણમાં આપણામાંથી મોટાભાગના લોકોએ બાળ કૃષ્ણની વેશભૂષા ધારણ કરી હશે…!
કિશોરાવસ્થાના કૃષ્ણ નિરૂપણમાં આપણને સાંપ્રત સમયની કિશોરાવસ્થાની લાક્ષણિકતાઓ, મૂંઝવણ અને ખાસિયતો દ્રશ્યમાન થાય છે. તેને આપણે ગોવર્ધન પર્વતને ઉચકીને બતાવેલ સાહસિકતા કે ગેડીદડાની રમત દરમિયાન પાતાળ લોકમાં શેષનાગ પાસે દડો લેવા જવાનું જોખમ ઉઠાવવાની ઘટના સાથે મુલવી શકીએ. કિશોરાવસ્થા દરમિયાન થતું વિજાતીય આકર્ષણ એ આપણને સહજ રીતે ગોપીઓના કાનમાં દ્રશ્યમાન થાય છે. ગોપીઓ કૃષ્ણ પર જયારે પોતાનો હક જમાવતી, પ્રેમ વરસાવતી હોય ત્યારે નરસિંહ મહેતાનું ભજન યાદ આવે “કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…”
વાંસળીના સુમધુર સૂરોના માધ્યમ થકી કૃષ્ણ; મુંઝવતા પ્રશ્નોના યોગ્ય ઉકેલ અર્થે સ્વ સાથે સંવાદ કરી આત્મ ખોજનો અહેસાસ કરતા હોય તેમ પ્રતીત થાય છે. કિશોરાવસ્થામાં મિત્રો બનાવવામાં અને મિત્રતા નિભાવવામાં પણ કૃષ્ણ આજના કિશોર-કિશોરીઓ કરતા જરા પણ ઉતરતા નથી અને માટે જ આજે પણ વધુ મિત્રો ધરાવનારને કિશોર-કિશોરીઓ એકબીજાને કાનુડો અને ગોપી શબ્દ પ્રયોગથી નવાજતા જોવા મળે છે.
વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા યુવા હૈયા અને તેનો જોરશોરથી વિરોધ કરનાર કટ્ટર હિન્દુત્વવાદી યુવાનોને એ વાતનો ખ્યાલ હોવો ખુબ જ જરૂરી છે કે યુવાવસ્થાના થનગનાટથી ભરપૂર શ્રીકૃષ્ણ તો પ્રેમના પરમેશ્વર છે. રાધા ઘેલા શ્યામનો પ્રેમ કોઇથી છૂપો નથી. તે જગ જાહેર છે. આજે પણ વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં ભારતીય જન સમુદાય રાધેક્રિષ્નાનો જયકાર કરી તેમને પૂજે છે. આ બાબતે તો ખુદ કૃષ્ણ પણ વિચારતો હશે કે આ તો કેવી વિટંબણા કે જે માનવી મારામાં ભરપૂર આસ્થા રાખે છે તે જ માનવી જે મારી રાહ પર ચાલે છે તેમનો જોરશોરથી વિરોધ કરે છે. અહો આશ્ચર્યમ…!
ગાયોને ચરાવવા જવાનું હોય કે ગોવર્ધન પર્વતની વાત હોય, કૃષ્ણનું કુદરત સાથેનું તાદાત્મ્ય આજે પણ આપણને છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવની પ્રતીતિ કરાવે છે. કૃષ્ણની રાસલીલા; જીવનરૂપી સંસારને સંગીત અને નૃત્યના સમન્વય થકી તાલ અને લયબદ્ધ રીતે જીવન જીવવા પ્રેરણા આપે છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને અધર્મ સામે ધર્મનો વિજય શા માટે જરૂરી છે તેનું જ્ઞાન આપતા કૃષ્ણ આપણને સૌને જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો દ્રઢતાપૂર્વક સામનો કરવા પ્રેરણા આપતા શ્રીમદ ભાગવત ગીતાની રાહે ચાલવાનું સૂચવે છે.
કહેવાતા ધર્મ રક્ષકો અને કેટલાક હિન્દુત્વવાદીઓએ કૃષ્ણને માત્ર મંદિર, પૂજા, પાઠ અને કર્મકાંડ પૂરતા સીમિત કરી દીધા છે. પરંતુ કુષ્ણ તો સહજ, સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે. સૌની સાથે અને સૌની પાસે જ છે અને માટે જ કૃષ્ણએ શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે, सर्वस्य चाहं हृदि सन्निविष्टो અર્થાત “હું સર્વના હ્રદયમાં અંતર્યામી રૂપે રહેલો છું”.
અંતમાં કવિશ્રી કૃષ્ણ દવે રચિત આધુનિક યુગ માટેનું કૃષ્ણ કાવ્ય…
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.