અમદાવાદ અને બરોડા સહિત ટ્રેનોમાં ચોરી કરતો ઈસમ પકડાયો

July 12th, 2024

અમદાવાદ અને બરોડા સહિત લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરી કરતા હિલ્હીના અઠંગ ચોરની અમદાવાદ રેલવે એલસીબી પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા દિલ્હીના આ ચોર વિરૂધ્ધ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ત્રણ અને બરોડા રેલવો પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. દિલ્હીમાં અલગ અલગ પલીસ સ્ટેશનોમાં આઠ તથા ઝાંસી રેલવે પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે.

         રેલવે પોલીસના જણાવ્યા મુજબ આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે એકલ દોકલ મુસાફરના મોબાઈલ અને એટીએમ કાર્ડ તથા અન્ય સામાનની ચોરી કરતો હતો. બાદમાં એટીએમ કાર્ડની મદદથી નજીકની દુકાનમાં જઈને ખરીદી કરી લેતો હતો. આ પ્રકારે તેણે અનેક ગુનાને અંજામ આપ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરીના બનાવોનું પ્રમાણ વધી ગયું હતું. જેમાં કોઈ ગેંગ સક્રિય હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેને આધારે રેલવે એલસીબીના પી.આઈ.જે.એચ.ગઢવીએ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. જેમાં મદાવાદ રેલવે સ્ટેશન પરથી દિલ્હીના આરોપી આઝાદખાન ગુલામહુસેન ખાન(31)ને ઝડપી લેવાયો હતો. જ્યારે તેના સાગરીત રિયાઝ અહેમદ નાસીર અહેમદ શેક તથા તમન્ના ફરાર છે જેમની પોલીસે શોધ હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસે રૂ.2,00,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હાથીજણમાં વ્યાજખોર મિત્રે યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધોકાથી ફટકાર્યો

July 12th, 2024

હાથીજણમાં રહેતા યુવકે પુત્રીની સ્કુલની ફી ભરવા મિત્ર પાસેથી રૂ. 10 હજાર વ્યાજે લીધા હતા. જ્યારે રૂ. 8 હજાર ચૂકવી દીધા હોવા છતા પણ મિત્રે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવકને લાકડાના ધોકાથી ફટકાર્યો હતો. જેમાં યુવક મિત્રને રોજનું રૂ. 100 વ્યાજ પણ આપતો હતો. આ અંગે યુવકે વ્યાજખોર મિત્ર સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

હાથીજણમાં રહેતા દેવેન્દ્રભાઇ રાઠોડ દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં એક મહિના પહેલા તેમની પુત્રીની સ્કુલની ફી ભરવા તેમની પાસે રૂપિયાની સગવડ ન હોવાથી તેમને મિત્ર મયંક રાવલને વાત કરતા તેની પાસેથી રૂ. 10 હજાર વ્યાજે લીધા હતા. જેમાં રોજના રૂ. 100 વ્યાજપેટે આપવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ મયંકના કહેવાથી તેને તેના મિત્રને રૂ. 5 હજાર પણ આપ્યા હતા. આમ કુલ રૂ. 8 હજાર ચૂકવી દીધા હતા. ગત 10 જુલાઇએ દેવેન્દ્ર બડોદરા ગામ પાસે મિત્ર સાથે બેઠો હતો તે સમયે મયંક રિક્ષા લઇને આવ્યો હતો. અને રૂપિયાની ઉઘરાણી કરતા દેવેન્દ્રે તેને થોડા દિવસમાં રૂ. 5 હજાર આપી દેવાનું જણાવ્યુ હતુ. તેમ છતા મયંકે રિક્ષામાંથી લાકડાનો ધોકો કાઢીને દેવેન્દ્રને ફટકાર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા મયંક ત્યાંથી રિક્ષા લઇને નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત દેવેન્દ્રને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે દેવેન્દ્રે મયંક સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ઓઢવ રીંગરોડ પર ટ્રેલરે એક્ટિવાને અડફેટે લેતા ટાયર તેના પર ફરી વળતા યુવતીનું મોત

July 12th, 2024

શહેરમાં વધુ એક વખત ભારે વાહનને એક વ્યક્તિનો જીવ લીધો છે. ઓઢવ રીંગરોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ પર પહોંચતા એક ટ્રેલરના ચાલકે પુરઝડપે યુવતીના એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી રસ્તા પર પટકાઈ પડેલી યુવતી પરથી ટ્રેલરનું ટાયર ફળી વળ્યુ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતી 24 વર્ષીય માનસી બુટાણી ઓઢવ ખાતે એક કંપનીમાં કેમીસ્ટ તરીકે નોકરી કરતી હતી. ગુરૂવારે માનસી નોકરીથી નીકળીને એક્ટિવા લઇને ઘરે જતી હતી. ત્યારે ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ પાસે પહોંચી ત્યારે પુરઝડપે આવી રહેલ ટ્રેલરના ચાલકે તેને ટક્કર મારી હતી. ટ્રેલરના ચાલકે ટક્કર મારતા માનસી રોડ પર પટકાઇ હતી. બીજી બાજુ ટ્રેલરનું પાછળનું ટાયર માનસી પર ફળી વળ્યુ હતુ. જેના કારણે ગંભીર ઈજાઓ થતા માનસીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતા ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર એસટી બસનું એક્સિડન્ટ, 7લોકોને ઈજા

July 12th, 2024

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર, કંડકટર સહિત સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. લીંબડીના કાનપરાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.

લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર જામનગરથી દાહોદ જતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર અને કંડકટર સહિત સાંત વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તમામને લોહીલુહાણ હાલતમાં તાકીદે 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે લીંબડીની આર.આર. સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં લૂંટારા ત્રાટક્યા

July 12th, 2024

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે હવે લૂંટારાઓ ત્રાટકવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં લૂંટારા ત્રાટક્યા હતા. અને ડાઇનીંગ હોલમા પડેલ થેલામાંથી દોઢ લાખની રોકડ ચોરીને ફરાર થઇ જતા ફરિયાદ નોંધાઈ છે.

શેરથા કસ્તુરીનગર ટાઉનશીપના બસ સ્ટોપ પાસે અર્જુન કરણ ફાર્મ હાઉસમાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત થયેલ દેવેન્દ્રભાઇ હીરાભાઇ દેસાઇ રહે છે. જ્યારે તેમનો પરિવાર સોલા ખાતે રહે છે. નિવૃત અધિકારી દેસાઈના ફાર્મ હાઉસમાં પાંચ રૂમ અને એક ડાઇનીંગ હોલ તથા એક રસોડું છે. ગત તા. 9 મી જુલાઈની રાત્રે દેવેન્દ્રભાઇ જમી પરવારીને દસેક વાગે સૂઇ ગયા હતા. ત્યારે બીજા દિવસે તેમની પત્નીની તબિયત સારી નહીં હોવાથી તેઓ વહેલી સવારે ઉતાવળમાં ફાર્મ હાઉસેથી અમદાવાદ જવા નીકળી ગયા હતા. બાદમાં પત્નીની સારવાર કરાવીને સાંજના સમયે દેવેન્દ્રભાઇ ફાર્મ હાઉસ પર પરત આવ્યા હતા. ત્યારે આવીને જોયું તો ડાઇનિંગ ટેબલ પર રાખેલ બેગમાંથી રૂ. 1.50 લાખ રોકડા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.

ત્યારબાદ સીસીટીવી ચેક કરતા ગત. તા. 9 મી જુલાઈની રાત્રિના આશરે પોણા અગીયાર વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઈસમો ફાર્મ હાઉસના પાછળના ભાગે શકરાજી ઠાકોરના ઘર તરફથી ફાર્મનો વરંડો કુદીને અંદર ઘુસ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ બંને ઈસમો ફાર્મ હાઉસના ગૌશાળા નજીકની ઓસરીની ખુલ્લી રહી ગયેલી જાળી માંથી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. અને રાત્રિના આશરે બારેક વાગ્યાના અરસામાં પરત જતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. હાલ આ ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

અમરાઈવાડીમાં રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

July 12th, 2024

અમરાઈવાડી શિવાજી નગર પાસે રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે અમરાઈવાડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી કોઈ ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસ ને આશંકા હોવાથી પોલીસે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડીના શિવાજી નગર 1માં રહેતા કિશોર ઉર્ફે ચોટી મરાઠી તેમના પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની વંદના દિકરાને લઈને પિયરમાં જતા રહ્યા હતા. જેથી કિશોર હાલ એકલો ઘરે રહેતો હતો અને દારૂ પીવાની આદત પડી ગઈ હતી. આ દરમિયાન ગત 30 તારીખે સવારના સમયે ઘર પાસે પાર્ક રીક્ષામાં કિશોરને શરીરના ભાગે ઈજાઓ થયેલા હાલતમાં મૃત મળી આવ્યો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા પોલીસેને કરી હતી. અમરાઈવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ પીએમ માટે મોકલી આપી તપાસ શરૂકરી હતી. પ્રાથિમક અનુમાનમાં કિશોર દારૂનો આધિન હોવાથી ક્યાંક પડ્યો હોવાથી ઈજાઓ પહોંચી હોવાનું માનવામાં આવ્યું હતુ. જો કે પીએમ રીપોર્ટમાં હથિયાર દ્વારા માર મારીને કિશોરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતુ. જેથી અમરાઈવાડી પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં ફરી કપિરાજનો આતંક સામે આવ્યો

July 12th, 2024

શહેરના પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફરી કપિરાજનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા જ એક કપિરાજને જંગલખાતાની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની હતી.

શહેરમાં દિવસને દિવસે કપિરાજનો આતંક વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રહેણાક વિસ્તારોમાં કપિરાજ અડ્ડો જમાવીને બેઠા હોય છે. જેથી રસ્તામાં અવર-જવર કરતા લોકોને અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય છે. થોડા સમય પહેલા જ એક કપિરાજનો આતંક વધતા જંગલખાતા દ્વારા તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો. અત્યારે ફરી એકવાર હવે કપિરાજનો આતંક સામે આવ્યો છે અને એક બાળકીને પોતાનો શિકાર બનાવી છે.નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ કપિરાજનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી કરીને જંગલખાતા દ્વારા તે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી. અત્યારે પણ વસ્ત્રાલમાં એક બાળકી પર વાંદરાએ હુમલો કર્યો અને પગે બચકું ભર્યું હતું.

સરખેજમાં અજાણી મહિલા અધૂરા માસે જન્મેલુ ભૃણ મૂકીને ફરાર

July 11th, 2024

શહેરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સાઓ સતત વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરખેજ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા અધૂરા માસે જન્મેલુ ભૃણ નાંખી દેવામાં આવ્યું હતું. જેને રખડતા કૂતરા દ્વારા મોંમા ભરાવી દેતા એક સફાઈ કામદાર મહિલા જોઈ ગઈ હતી. ત્યારબાદ લોકોને એકઠા કરીને આ ભૃણ કોણ નાંખી ગયું છે? તેની તપાસ કરી હતી અને પોલીસને પણ જાણ કરી હતી.

સરખેજમાં પીજીમાં સાફ સફાઈનું કામ કરીને ગુજરાન ચલાવતા મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પીજીમાં સાફ-સફાઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે તેઓ જમી પરવારીને એંઠવાડ નાંખવા માટે બહાર આવ્યા હતાં. ત્યારે એક કૂતરુ તેના મોંઢામાં નોળીયા જેવું કંઈ લઈને ઉભું હતું. ભાનુબેને કૂતરાને કાઢતાં કૂતરુ મોંમા રહેલુ ભૃણ મૂકીને ભાગી ગયું હતું. ભાનુબેને ત્યાં જઈને જોયું તે નોળિયા જેવુ નહીં પણ અધુરા માસે જન્મેલુ ભૃણ હતું.ત્યારબાદ મહિલાએ આસપાસના લોકોને બોલાવીને આ ભૃણ કોણ ફેંકી ગયું એની તપાસ કરી હતી, પણ કોઈ ભાળ મળી નહોતી. જેથી આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને ભૃણ ત્યજવા વાળી વ્યક્તિની શોધખોળ શરૂ કરી.

રામોલમાં વેપારીને સારી લીમીટવાળુ ક્રેડિટકાર્ડ આપવાના બહાને ગઠિયાએ રૂ. 1.41 લાખ પડાવ્યા

July 11th, 2024

રામોલના વેપારીને ફોન કરીને બજાજ ફિનસર્વમાંથી તમને સારી લિમીટ વાળુ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તેવું કહીને ગઠિયાઓએ લીંક મોકલીને તેમાં તમામ વિગતો ભરાવીને રૂ.1.41 લાખ ઉપાડી ઠગાઈ આચરી હતી. આ અંગે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. રામોલમાં રહેતા 40 વર્ષીય રાજકુમાર મિશ્રા ટુર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. ગત 27 જુને તેઓ ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને પોતાની ઓળખ શિવાની વર્મા અને બજાજ ફિનસર્વમાંથી બોલતી હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ બજાજ તરફથી તમને સારી લિમીટ સાથે ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. જેની લિમીટ રૂ.3 થી 10 લાખની વચ્ચે હશે. જેથી રાજકુમાર ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તૈયાર થયા હતા.

બાદમાં શિવાનીએ લીંક મોકલીને આધારકાર્ડ તથા પાનકાર્ડ નંબર સહિતની માહિતી ભરાવી હતી. ત્યારબાદ શિવાનીએ તમારુ ક્રેડિટ કાર્ડ એપ્લાય થઈ ગયુ છે જેનો મેસેજ પણ તમને આ‌વી જશે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. થોડા સમય બાદ રાજકુમારના મોબાઈલમાં ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્જેક્શન કુલ રૂ.1.41 લાખ ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમની સાથે ફ્રોડ થયો હોવાની જાણ થઇ હતી. આ અંગે રાજકુમારે અજાણ્યા ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

જમવાની કેન્ટીનમાં બે શખ્સોએ ઘૂસીને હું અહિયાનો દાદા છુ કહી છરી બતાવી રૂ. 1500 લૂંટી ફરાર

July 11th, 2024

ગીતામંદિર બસ સ્ટેન્ડમાં ફરી એકવાર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે જમવાની કેન્ટીનમાં બે શખ્સો આવીને વેપારીને હું અહિયાનો દાદા છુ ઘણીવાર જેલ જઇ આવ્યો છું પોલીસ મારાથી ડરે છે કહીને છરી બતાવીને ધાકધમકી આપીને રૂ.1500ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કેન્ટીનના માલિકે શખ્સ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. તેમજ અગાઉ પણ આ શખ્સ સામે અનેક ગુનાઓ નોધાઇ ચૂક્યા છે. અને વેપારીઓને ધમકાવીને રૂપિયા લઇને ફરાર થઇ જતો હતો.

કુબરેનગરમાં રહેતા 50 વર્ષીય હિરાલાલ સોમૈયા ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે જમવાની કેન્ટીન ધરાવે છે. ગત 9 જુલાઇએ તેઓ બહાર ગામ ગયા હતા ત્યારે કેન્ટીનમાં કામ કરતા છોકરા લહેરુસિંગ અને રજની કેન્ટીનમાં હાજર હતા. ત્યારે રાત્રીના સમયે લહેરુસિંગનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, ભાવેશ ઉર્ફે મંગો તેના બીજા એક મિત્ર સાથે કેન્ટીનમાં આવ્યો હતો. અચાનક છરી બતાવીને પૈસા આપ નહિતો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ધક્કો મારીને જમીને પાડી દીધો હતો. ત્યારબાદ જો પૈસા નહીં આપે તો તું ગયો, હું ઘણી વખત જેલમાં જઈને આવ્યો છુ, હું કોઈનાથી ડરતો નથી, પોલીસ મારાથી ડરે છે તેવી ધમકી આપીને કાઉન્ટરના ડ્રોવરમાં મુકેલા રૂ.1500 ની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે હિરાલાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાવેશ સામે ફરિયાદ નોધાવી છે.

અમદાવાદ અને બરોડા સહિત ટ્રેનોમાં ચોરી કરતો ઈસમ પકડાયો

July 12th, 2024

હાથીજણમાં વ્યાજખોર મિત્રે યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધોકાથી ફટકાર્યો

July 12th, 2024

ઓઢવ રીંગરોડ પર ટ્રેલરે એક્ટિવાને અડફેટે લેતા ટાયર તેના પર ફરી વળતા યુવતીનું મોત

July 12th, 2024

લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર એસટી બસનું એક્સિડન્ટ, 7લોકોને ઈજા

July 12th, 2024

શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં લૂંટારા ત્રાટક્યા

July 12th, 2024

અમરાઈવાડીમાં રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

July 12th, 2024

વસ્ત્રાલ વિસ્તારમાં ફરી કપિરાજનો આતંક સામે આવ્યો

July 12th, 2024

સરખેજમાં અજાણી મહિલા અધૂરા માસે જન્મેલુ ભૃણ મૂકીને ફરાર

July 11th, 2024

રામોલમાં વેપારીને સારી લીમીટવાળુ ક્રેડિટકાર્ડ આપવાના બહાને ગઠિયાએ રૂ. 1.41 લાખ પડાવ્યા

July 11th, 2024

જમવાની કેન્ટીનમાં બે શખ્સોએ ઘૂસીને હું અહિયાનો દાદા છુ કહી છરી બતાવી રૂ. 1500 લૂંટી ફરાર

July 11th, 2024