અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૩ મું અંગદાન, વસંતપંચમીની પૂર્વ સંધ્યાએ પવિત્ર નિર્ણય
અમદાવાદ નાં નરોડા વિસ્તાર માં રહેતાં ૫૪ વર્ષીય અમૃતભાઇ પંચાલ ને એકટીવા સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં ૧૦૮ દ્રારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
પદ્મશ્રી સ્વ. ડો.એચ એલ ત્રિવેદી એ વર્ષો પહેલા સમજાવેલા અંગદાન થી જીવનદાન નાં મહત્વ થી પ્રેરાઈ પરિવારજનો એ લીધો અંગદાન નો નિર્ણય, ઉકત અંગદાન થી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા.
સમગ્ર વિગતો એવી છે કે ,અમદાવાદનાં નરોડામાં રહેતાં ૫૪ વર્ષના અમૃતભાઈને બાઈક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્રારા તારીખ ૧૧ ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
તા.૧૩ ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ વર્ષો પહેલા ડૉ.એચ.એલ ત્રિવેદીની સમજણથી તેમનાં ઘરનાં એક વડીલનું અંગદાન કર્યું હોવાનું જણાવ્યું તેમજ એ અંગદાન કરનાર પુત્રને આજેપણ તેમનાં પિતાશ્રી કોઈ બીજાંનાં શરીરમાં જીવિત છે. હજુ પણ તેમને દરેક પ્રસંગે આશીર્વાદ આપતા હોય તેવી લાગણી તેઓ અનુભવે છે તેવું જણાવ્યું.
તેથી આ દુઃખની ઘડીમાં પણ જ્યારે અમૃતભાઇનાં બ્રેઈન ડેડ હોવાની સિવિલ હોસ્પિટલનાં ડોકટરો એ જાણ કરી ત્યારે તરત જ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર ડૉ. એચ.એલ.ત્રિવેદી એ વર્ષો પૂર્વે સમજાવેલ અંગદાનના મહત્વને યાદ કરી અંગદાનનો નિણર્ય લીધો
અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો એ તેમના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , ડૉ.એચ.એલ ત્રિવેદીએ શરૂ કરેલ અંગદાનથી જીવનદાનનો વિચાર આજે સાચા અર્થ માં સમાજ માં પ્રસર્યો હોય તેવું લાગે છે. સ્વ. એચ એલ ત્રિવેદી સાહેબ જીવતા જીવ તો ઘણા લોકો ને મદદરૂપ થયા છે પણ મૃત્યુ પછી પણ તેમનાં વિચારો લોકો ને નવુજીવન આપવાનાં આ મહાયજ્ઞ માં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
