ઉર્જાકાંડ : નોકરી કરતા ૪૨ ઉમેદવારોને ક્રાઈમ બ્રાંચે નોટિસ ફટકારતાં હડકંપ

યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે બોગસ રીતે નોકરીએ લાગેલા ઉમેદવારો ઉપર તવાઈ આવી હતી.અગાઉ અરવલ્લીના ૯ ઉમેદવારો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધુ ૧૧ ઉમેદવારોને ઘેર ભેગા કરી દેવામાં આવ્યા હતાં. નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિએ એક લાખ કમિશન લઈને ઉમેદવારો પાસેથી ૧૨ લાખ રૂપિયા લીધા હતા અને આંગડીયા મારફતે એ પૈસા વડોદરા મોકલવામા આવ્યા હતા. યુજીવીસીએલ દ્વારા વધુ ૧૧ ઉમેદવારો સસ્પેન્ડ કરવામાં આવતાં બોગસ રીતે નોકરીએ લાગેલા ઉમેદવારોમાં સોપો પડી ગયો છે અને જેમાં બે મહિલા કર્મચારી તો હાઈકોર્ટમાંથી આગોતરા લઈ આવ્યા હતા પણ ફાવ્યા નથી. હવે સુરત ક્રાઈમ બ્રાંચે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને નોકરી કરતા ૪૨ ઉમેદવારોનો નોટિસ ફટકારતાં હડકંપ મચી જવા પામ્યો છે.

ઉર્જા કાંડનું ભૂત ફરી પૂછ્યું હતું અને જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના વધુ ૧૧ ઉમેદવારોને ઘેર ભેગા કરી દેવામાં આવ્યા હતા. અગાઉ ૯ ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ કૌભાંડમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એપી સેન્ટર છે અને જેમાં ૧૦૦થી વધારે ઉમેદવારો નોકરીએ લાગ્યા છે. જેમાં નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિએ કારનામા કર્યા હતા અને હવે એક પછી એક કાળા ચિા બહાર આવી રહ્યા છે. આ કૌભાંડમાં અરવલ્લીના એક ભાજપના મોટા માથાની સંડોવણી જણાઈ રહી છે અને આગામી સમયમાં તેમની સામે પણ મજબૂત ગાળિયો કસાઈ શકે છે.

ઉર્જા વિભાગ દ્વારા અગાઉ ૧૧ ઉમેદવારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેમાં નિશાબેન પ્રકાશભાઈ પટેલ, રોહિતભાઈ મૂળજીભાઈ મકવાણા, જલ્પાબેન બિપીનભાઈ પટેલ, ઉપાસના ખાનાભાઈ સુતરિયા, અલ્તાફભાઈ ઉમરફારુક લોઢા, પ્રકાશભાઈ મગનભાઈ વણકર, નિલમબેન નારાયાભાઈ પરમાર અને અસીમ યુનુભાઈ લોઢાનો સમાવેશ થાય છે. જેમાં નીલમબેન કમલેશભાઈ પ્રજાપતિ અને ઝલકબેન મનહરભાઈ ચૌધરી આગોતરા લઈ આવ્યા હતા પણ તેમાં ફાવ્યા નથી. આ કેસમાં ભાજપના અન્ય મોટા નેતાઓના પગ નીચે પણ આગામી સમયમાં રેલો આવી શકે તેમ છે. બન્ને જિલ્લામાંથી અંદાજે ૧૦૦થી વધારે ઉમદવારો રૂા.૧૨-૧૨ લાખ આપીને નોકરીએ લાગ્યા છે અને હવે ઘેર બેસવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા અગાઉ ૮૩ ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ ૪૨ ઉમેદવારોને નોટિસ ફટકારતાં ઉમેદવારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Social